ભારતનાં સ્થાપત્યો .
સૌથી મોટું ગુફામંદિર : મહારાષ્ટ્રમાં આવેલી ઇલોરા ગુફાનું કૈલાસ મંદિર એક જ ખડકમાંથી કોતરાયેલી ગુફાનું સૌથી મોટું મંદિર છે.
સૌથી મોટો દરવાજો : આગ્રા નજીક ફતેપુર સિક્રીનો બુલંદ દરવાજો ૫૦ મીટર ઊંચો છે. દરવાજામાં પ્રવેશવા ૪૨ પગથિયાં ચઢવા પડે. ૧૫ માળનો આ દરવાજો સૌથી મોટો દરવાજો છે.
સૌથી ઊંચો ટાવર : દિલ્હીમાં આવેલો ૨૩૫ મીટર ઊંચો પિતમપુરા ટાવર સૌથી ઊંચો ટાવર છે. ૧૯૮૮માં બંધાયેલા આ ટાવરનો ઉપયોગ ટીવી પ્રસારણ માટે થાય છે.
સૌથી મોટો ગુંબજ : કર્ણાટકના બીજાપુરમાં આવેલો ગોળ ગુંબજ ૪૪ મીટર વ્યાસનો છે. ૧૫૬ ફૂટ લાંબા ૧૫૬ ફૂટ પહોળા અને ૧૫૬ ફૂટ ઊંચા સમચોરસ બાંધકામ પર આવેલો આ ગુંબજ દેશનો સૌથી મોટો છે. તેના ચારે ખૂણે સાત માળના મિનારા છે. તેના ગોળાકાર પગથિયા ચઢી ગુંબજમાં જઈ શકાય છે.
સૌથી મોટી પરસાળ : તમિલનાડુના રામેશ્વરપુરમ મંદિરની પરસાળ ૧૭ ફૂટ પહોળી અને ૩૮૫૦ ફૂટ લાંબી છે. ૬.૯ મીટર ઊંચી પરસાળમાં ૧૨૧૨ સ્થંભ છે.