Get The App

માણસ સાથે સામ્ય ધરાવતા વાનર : ગોરિલા

Updated: Aug 25th, 2023


Google NewsGoogle News
માણસ સાથે સામ્ય ધરાવતા વાનર : ગોરિલા 1 - image


ઉત્ક્રાંતિવાદમાં વાનરમાંથી રૂપાંતર થઈને મનુષ્ય બન્યો તે જાણીતી વાત છે. આજે પણ ચિમ્પાન્ઝી, ગોરિલા, ઉરાંગઉટાંગ અને બોનોલો જેવા વાનરોમાં મનુષ્ય જેવા લક્ષણો જોવા મળે છે. તેમાં ગોરિલા તદૃન માણસ જેમ જ વર્તે છે.

શરીર પર ભરચક વાળ ધરાવતા ગોરિલા બે પગે ઊભા હોય ત્યારે પાંચ ફૂટ ઊંચા હોય છે. તે ચાર પગે ચાલે છે. તેના આગલા બે પગની હથેળી માણસ જેવી જ હોય છે. તેના અંગુઠાની પ્રિન્ટ પણ માણસની જેમ જુદી જુદી હોય છે. ગોરિલા તેના આગલા પગનો ઉપયોગ હાથની જેમ કરી શકે છે. ગોરિલાને પણ ૩૨ દાંત હોય છે.

આફ્રિકા, કોંગો, યુગાન્ડા અને નાઈઝિરિયાના જંગલોમાં ગોરિલાની વસતિ છે.  ગોરિલા ટોળામાં રહે છે. ગોરિલા શાકાહારી છે. અને આખો દિવસ ફળફળાદિ શોધીને ખાધા કરે છે. ગોરિલા બુધ્ધિશાળી પ્રાણી છે. તેને તાલીમ આપીને ઘણા કામ શીખવી શકાય છે.

ગોરિલા માણસની જેમ હસી શકે છે. ખોંખારો ખાઈ શકે છે અને રડી પણ શકે છે. તે માણસ પર કદિ હુમલો કરતા નથી.

માણસ સાથે સામ્ય ધરાવતા વાનર : ગોરિલા 2 - image

મધમાખી મધ શા માટે બનાવે છે ?

મ ધમાખીઓ દિવસમાં હજારો ફૂલ અને મધપૂડા વચ્ચે ચક્કર મારીને મધપૂડામાં મધ એકઠું કરે છે. આટલી સખત મહેનત કરીને મધમાખી મધ બનાવીને શા માટે એકઠું કરે છે તે જાણો છો? મધ મધમાખીનો ખોરાક છે. પાનખર ઋતુમાં વૃક્ષોના પાન ખરી પડે અને ફૂલો પણ ઓછા ખીલે એટલે ખોરાક મળે નહીં. આ અછતના સમય માટે મધમાખી ખોરાકનો સંગ્રહ કરી રાખે છે. વસંતઋતુમાં વધુ ફૂલો ખીલે તેનો લાભ લઈ મધમાખી સખત પરિશ્રમ કરીને બને તેટલું વધુ મધ એકઠું કરી રાખે છે. મધ આપણા માટે પણ ખોરાક અને દવા તરીકે ઉપયોગી થાય છે.

મધમાખી મધ ઉપરાંત બીજાં ઘણાં દ્રવ્યો પણ બનાવે છે. ષટકોણ આકારના ખાનાવાળો મધપૂડો બાંધવા માટે મધમાખી પોતાના શરીરમાં મીણ બનાવે છે. આ મીણ વડે જ મધપૂડો બને છે જે તદ્દન વોટરપ્રૂફ હોય છે. મધમાખી ફૂલોમાંથી રસ ચૂસે ત્યારે થોડી પરાગરજ પણ લઈ જાય છે. આ પરાગરજમાં પોતાની લાળ મેળવી પ્રોપોલીસ નામનો ચીકણો પદાર્થ બનાવે છે. આ પદાર્થ પણ મધપૂડાની રચના માટે ઉપયોગી છે. પ્રોપોલીન મધ કરતાંય મોઘું છે અને સૌંદર્યપ્રસાધનોમાં ઉપયોગી થાય છે. મધમાખીની રાણી માટે ખાસ પ્રકારની વાનગી બનાવે છે. તેને રોયલ જેલી કહે છે. રોયલ જેલી ઊંચા પ્રકારનું મધ છે તે દવાઓમાં વપરાય છે.

માણસ સાથે સામ્ય ધરાવતા વાનર : ગોરિલા 3 - image

પક્ષીઓના પગની રચનામાં વૈવિધ્ય

આ કાશમાં ઊડનારા પક્ષીઓને જમીન પર ખોરાકની શોધમાં ચાલવું અને દોડવું પડે છે. પક્ષીનું શરીર ઉડવા માટે અનુકૂળતાવાળું અને હળવું હોય છે પરંતુ તેના પગ મજબૂત અને વિશેષ રચના ધરાવે છે પક્ષીને પાતળી ડાળી કે તાર ઉપર બેસીને ઊંઘ લેવાની હોય છે તેથી તેના પગમાં સ્પ્રિંગ જેવા સ્નાયુઓ હોય છે જે શરીરના વજનથી જકડાયેલા રહે છે અને પક્ષી ઊંઘમાં હોય તો પણ પડી જતા નથી.

પક્ષીના પગ પાતળા અને ઓછા વજનના હોય છે. ચકલી, કાબર, બુલબુલ જેવા પક્ષીઓ બંને પગ ઊંચકીને કૂદકા મારીને ચાલે. બગલા, બતક, ચાતક જેવા પક્ષીઓ જળાશયમાં માછલી શોધવાની હોય એટલે તેના પગ લાંબા બન્યા તે હળવે હળવે ડગલા ભરીને ચાલે.

પક્ષીના પગમાં ચાર આંગળી હોય છે. ત્રણ આગળ અને એક પાછળના ભાગે ટૂંકી આંગળી. શિકારી પક્ષીની આંગળીમાં તીક્ષ્ણ નહોર હોય છે. લક્કડખોદને ઝાડના થડ ઉપર ચઢવાનું અને બેસવાનું એટલે તેના નખ હૂક જેવા તીક્ષ્ણ હોય છે. બતકને પાણીમાં તરવાનું એટલે તેના આંગળા પાતળી ચામડી વડે જોડાઈને હલેસા જેવા બન્યા. પક્ષીના પગના આંગળા માત્ર નીચેની તરફ વળી શકે ઉપરની તરફ નહી એટલે જમીન પર ચાલવામાં તકલીફ પડે. કેટલાક પક્ષીઓ તો ચાલવાને બદલે પાંખો ફફડાવી ટૂંકા અંતરની ઉડાન ભરી આગળ વધે છે. ઉડતી વખતે પક્ષીના પગ પાછળની તરફ સીધા થઈ જાય છે એટલે હવાનું ઘર્ષણ ઓછું લાગે.

માણસ સાથે સામ્ય ધરાવતા વાનર : ગોરિલા 4 - image

હાઈડ્રોલિક સિસ્ટમ શું છે?

બુ લડોઝર અને ક્રેન જેવા સાધનો પ્રચંડ વજન ઊંચકતા હોય છે.  આપણને નવાઈ લાગે બુલડોઝરની આટલી  બધી તાકાત ક્યાંથી આવતી હશે? ભારે વજન ઊંચકતા આ સાધનોમાં હાઈડ્રોલિક સિસ્ટમ હોય છે. નળાકારમાં ભરેલા કોઈપણ પ્રવાહીની ઉપર દબાણ કરીએ તો તે દબાણ પ્રવાહીમાં ચારેતરફ ફેલાય છે. જો આ નળાકારમાં બીજી પાંચ નળીઓ જોડવામાં આવે તે નળાકારમાં આપેલું દબાણ પાંચ ગણું થઈને મળે છે. આ નિયમ પાસ્કલ નામના વિજ્ઞાાનીએ શોધેલો. બુલડોઝર અને ક્રેનમાં વપરાતી હાઈડ્રોલિક સિસ્ટમના નળાકારમાં ઓઈલ ભરેલું હોય છે. સાંકડી નળીમાં ભરેલા ઓઈલનું ઉપરનું દબાણ પહોળી નળીમાં જતા અનેકગણું થઈ જાય છે. આમ, બુલડોઝરને શક્તિ મળે છે.

માણસ સાથે સામ્ય ધરાવતા વાનર : ગોરિલા 5 - image

નક્ષત્ર અને રાશિ શું છે?

જ્યો તિષશાસ્ત્રના નક્ષત્ર અને રાશિ શબ્દો જાણીતાછે. રાશિ ઉપરથી ભવિષ્ય કથન તમે વાંચતા હશો. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓએ ર્સૂ્ય, ચંદ્ર અને તારાઓની ગતિ અને સ્થાનનો અભ્યાસ કરીને પંચાંગની રચના કરેલી. પંચાંગમાં કયા દિવસે સૂર્ય, ચંદ્ર અને તારાઓ ક્યાં હોય છે તેની ચોક્કસ માહિતી હોય છે. પૃથ્વી અને ચંદ્રની પ્રદક્ષિણા અને ધરી ભ્રમણનો સમય નિશ્ચિત હોય છે. એટલે સમગ્ર સૂર્યમાળાની ગતિવિધિ ચોક્કસ અને નિયમિત હોય છે. આકાશમાં ચંદ્ર તારાઓની વચ્ચે સરકતો હોય છે. ચંદ્રની ભ્રમણ કક્ષાના ૨૭ ભાગ પાડી ખગોળશાસ્ત્રીઓએ તેને નામ આપ્યા છે. આ નામ જાણીતા છે. દરેક ભાગમાં તારા હોય છે. તારાના ઝૂમખાના આકાર ઉપરથી તેને નામ અપાય છે. ચંદ્ર જે ઝૂમખામાં હોય છે તે નક્ષત્રમાં છે તેમ કહેવાય છે. નક્ષત્રોના નામ ઉપરથી કારતક, માગશર, પોષ, વગેરે મહિનાના નામ પડયા છે. વિક્રમ સંવત ચંદ્રની ગતિવિધિના આધારે ગણાય છે તેને ચાંદ્રવર્ષ કહે છે.ળ

ચંદ્રની ભ્રમણકક્ષાની જેમ સૂર્ય ફરતે પ્રદક્ષિણા પથના વર્તુળના ૧૨ ભાગ પાડી તેને રાશિ નામ અપાયું. રાશિ એટલે કે ઢગલો કે સમૂહ. રાશિમાં તારાનો સમૂહ હોય છે. તેની ગોઠવણીમાં બળદ, સિંહ, ત્રાજવા, માછલી જેવા આકારોની કલ્પના કરીને બાર રાશિના નામ અપાયા છે. બધું ચક્રાકાર છે પરંતુ અશ્વિની પહેલું નક્ષત્ર અને મેષને પહેલી રાશિ ગણવામાં આવે છે.

માણસ સાથે સામ્ય ધરાવતા વાનર : ગોરિલા 6 - image

રસ્તા પર પીળા પ્રકાશની સોડિયમ લાઇટનું વિજ્ઞાાન

મો ટા શહેરના રસ્તાઓ પર રાત્રિ દરમિયાન પ્રકાશ પાથરવા વધુ ક્ષમતાવાળી તેજસ્વી લાઇટ જરૂરી છે. મોટા ભાગે આ માટે પીળો પ્રકાશ વેરતી સોડિયમ લાઇટનો ઉપયોગ થાય છે. મરક્યુરી, ટયુબલાઇટ અને હેલોજનના આકર્ષક સફેદ પ્રકાશને બદલે પીળા પ્રકાશની પસંદગી પાછળ વિજ્ઞાાન સમાયેલું છે.ળ

સફેદ પ્રકાશ કેટલાક માધ્યમમાંથી પસાર થાય ત્યારે સાત રંગમાં વહેંચાઈને રંગબેરંગી કુંડાળા દેખાય છે. વાતાવરણમાં વરસાદના ફોરા હોય ત્યારે આ પ્રક્રિયા વધુ જોવા મળે છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે. સોડિયમ લાઇટનો પીળો પ્રકાશ એકસરખો ફેલાય છે અને વક્રીભવન થતું નથી. સોડિયમ લાઇટની ક્ષમતા પણ વધુ છે. એક વૉટની ટયુબ કરતા એક વૉટની સોડિયમ લાઇટ વધુ પ્રકાશ આપે છે. કાર અને અન્ય વાહનોની હેડલાઇટ પણ પીળા પ્રકાશવાળી રાખવાનું પણ આવું જ છે.



Google NewsGoogle News