ચિત્તોડગઢનો પ્રાચીન વિજયસ્તંભ
રા જસ્થાન ભવ્ય કિલ્લા, રાજમહેલો અને જંતરમંતર જેવી વેધશાળાના સ્થાપત્યોથી જાણીતું બન્યું છે. રાજસ્થાનના જયપુર, ચિત્તોડગઢ, બિકાનેર જેવા શહેરોમાં ઘણાં સ્થાપત્યો આકર્ષણનું કેન્દ્ર છે. ચિત્તોડગઢનો કિલ્લો તો જોવા જેવો છે જ પણ તેમાં આવેલો વિજય સ્તંભ ભારતનું નોંધપાત્ર સ્થાપત્ય છે. મેવાડના રાજા કુંભાએ મહમદ ખિલજીની સેના સામે વિજય મેળવ્યો તેની યાદમાં ઈ.સ. ૧૪૪૨માં વિજયસ્તંભ બંધાવેલો.
પથ્થર, આરસ અને લાલ માટીનો ઉપયોગ કરીને બાંધવામાં આવેલા આ સ્તંભમાં ભૂમિતિના ઘણા સિધ્ધાંતોનો ઉપયોગ થયો છે. ૯ માળનું આ સ્થાપત્ય ૬૦૦ વર્ષથી આજે પણ અડીખમ છે. વિજય સ્તંભની ઊંચાઈ ૩૭.૧૯ મીટર છે. દરેક માળે બહાર નીકળેલી બાલ્કની છે. સ્તંભની ચારે તરફની દિવાલો પર દેવી દેવતાની આકર્ષક મૂર્તિઓ અને શિલાલેખો કોતરેલા છે. સ્તંભ ૧૦ ફૂટ ઊંચા પ્લેટફોર્મ પર ઊભો છે. આ સ્તંભને વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં સ્થાન મળેલું છે.