કીડીબાઈનો કજિયો .
- 'એય કાળાં કીડીબાઈ... આ અમને તો બધા ઘરમાંથી કાઢી મૂકે છે અને તમને સામેથી ખવડાવે છે. એવું કેમ?'
નિધિ મહેતા
એ ક ઘરના ફળિયામાં એક જગ્યાએ કીડીબેનનું દર. રોજ ત્યાંથી સાગમટે કાળી કીડીઓ નીકળે. વળી, આ દર ઘરના દરવાજાની બહાર હતું. એટલે આવતા જતા સૌના ધ્યાને તે પડે. સૌ ત્યાંથી નીકળે એટલે બે ઘડી ઊભા રહી ત્યાં કીડીઓ માટે લોટ ભભરાવતા જાય. કોઈ એના પર પગ ન પડે એ પણ ધ્યાન રાખે.
આ બધું જ બીજા ઘર પાસેથી નીકળેલી એક કજીયાળી લાલ કીડીએ જોયું. એને નવાઈ લાગી કે, અમે તો જ્યાંથી નીકળીએ ત્યાં લોકો અમને મારી નાખવાની કોશિશ કરે છે. કોઈ તો પગ નીચે કચડી નાખે. ખાવાની વસ્તુઓ પણ અમે ન પહોંચીએ એવી રીતે રાખે છે. અરે! આ આટલી બધી કીડીઓની જાન નીકળે છે તો એને કોઈ કાંઈ નથી કરતું! એવું તો શું છે આ કીડીઓમાં કે એને કોઈ કાઢતું નથી? લાલ કીડીને થયું, લાવ જરા જઈને પૂછું કે આવું કેમ? એ તો પહોંચી ગઈ પેલી જાન જોડીને ચાલતી કાળી કીડીઓ પાસે. તેમાં સૌથી આગળ ચાલતી કીડીને પૂછયું, 'એય કાળાં કીડીબાઈ, અમને તો બધા ઘરમાંથી કાઢી મૂકે છે અને તમને સામેથી ખવડાવે છે. એવું કેમ?'
કાળી કીડી જવાબ આપતા બોલી, 'અરે! હું બધાને ગમતી હોઈશ એટલે.'
લાલ કીડીને તો ખૂબ ગુસ્સો આવ્યો. તે વધુ લાલ થતી બોલી, 'તું શું ગમે? કાળી મેશ છે તું તો. તારા કરતાં તો હું જો કેટલી સુંદર દેખાવ છું. કેવો લાલ ચટાક રંગ છે મારો. સમજી?'
કાળી કીડી કજીયો ન થાય તેમ શાંતિથી બોલી, 'લાલ ચટાક કલર તો જોયો તમારો. પણ તમારા ગુણનું શું?'
લાલ કીડી તો બરાબર કજિયો કરવાની તૈયારીમા ંજ બોલી, 'શું ગુણ? એટલે તું કહેવા શું માંગે છે?'
'જો કીડીબેન, તમારા ચટકા ભરવાના ગુણ છે એની વાત કરું છું. તમે લોકોને ચટકા ભરો તો માણસ ખંજવાળીને પરેશાન થઈ જાય છે.'
'એથી શું?'
'અરે કીડીબેન, તમે ચટકા ભરીને લોકોનું લોહી ચૂસો તો પછી એ તમને કેમ આવવા દે એના ઘરમાં?'
લાલ કીડી તરત બોલી, 'તો તમને તો આવવા દે છે?'
કાળી કીડીએ જવાબ આપ્યો, 'પણ અમે કોઈને નુકસાન નથી પહોંચાડતા. ચટકા પણ નથી ભરતા. જ્યાંથી જે પણ મળે તે ખાઈને ચાલતા થઈએ છીએ. અમારાથી કોઈ પરેશાન ન થાય એટલે ખાવાનું આપે છે.'
હવે કજીયો કરતી લાલ કીડીને આ વાત સમજાઈ. તે તરત બોલી, 'વાહ રે વાહ! કાળા કીડીબાઈ, તમારી વાત તો સાચી. તો તો અમારે આ ચટકા ભરવાનું બંધ કરવું પડશે. તમે કોઈને નડતા નથી એટલે જ લોકો તમને રહેવા દે છે, નહીં?'
કાળી કીડી બોલી, 'હા કીડીબેન, હવે તમે બરાબર સમજ્યા.'
લાલ કીડીએ કાળી કીડીનો આભાર માન્યો. હવે લાલ કીડી સમજી ગઈ કે, આ કાળી કીડીઓ તેના સારા ગુણોને લીધે આમ શાંતિથી એક જગ્યાએ રહી શકે છે. લાલ કીડીએ તો પોતાના પરિવારની બધી કીડીઓને આ વાત કરી અને હવે આપણે કોઈને ચટકા ભરીને હેરાન નહીં કરીએ એવું નક્કી કર્યું. લાલ કીડીબેન પણ પોતાના પરિવાર સાથે કાળી કીડીના દરની બાજુમાં દર બનાવીને રહેવા લાગ્યા. કજિયાળા કીડીબેન હવે કાળી કીડીઓ સાથે પ્રેમથી રહે છે ને જે મળે તે વહેંચીને જમે છે.