અમેરિકાની મોતની ખીણ : ડેથ વેલી
પૃ થ્વી પરની ખુલ્લી જમીનનો આઠમો ભાગ વેરાન અને સુકા રણપ્રદેશ રોકે છે. વિશ્વમાં ૨૭ જેટલા રણપ્રદેશો છે સૌથી મોટું આફ્રિકાનું સહારા રણ આપણા ભારત કરતાં ત્રણ ગણું મોટું છે.
પરંતુ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું રણ તો તેની પ્રચંડ ગરમીને કારણે મોતની ખીણ કહેવાય છે. ડેથવેલી તરીકે પ્રખ્યાત થયેલી આ ખીણ સાવ રણપ્રદેશ નથી પરંતુ ૨૨૫ કિલોમીટર લાંબી અને ૨૪ કિલોમીટર પહોળી ખીણ છે. કહેવાય છે કે આ સ્થળે પ્રાચીન કાળમાં તળાવ હતું. ઊંડી રકાબી જેવું આ મેદાન દરિયાની સપાટીથી ૨૮૨ ફૂટ નીચું છે. ખીણની જમીન ક્ષારોની બનેલી છે. દુનિયામાં સૌથી વધુ ગરમી આ ખીણમાં પડે છે. ૧૯૧૭માં આ ખીણમાં સતત બે માસ સુધી ૪૯ અંશ ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. ડેથવેલીમાં માનવ વસ્તી નથી પરંતુ બસો જેટલા પક્ષી, ૧૯ જાતના સાપ અને કાચિંડાની વસતી છે. ઇ.સ. ૧૮૪૮માં એક સાહસિકને આ ખીણમાંથી સોનું મળી આવ્યા પછી ડેથવેલીમાં સોનું લેવા જનારા સાહસિકો વધવા માંડયા. ડેથવેલીમાં જવા નીકળેલા મોટા ભાગના સાહસિકો પ્રચંડ ગરમીના કારણે બચી શકતા નથી.ડેથવેલીમાં બાજુમાં આવેલા પહાડને પણ ફ્યુનરલ માઉન્ટન કહે છે. હાલમાં આ ખીણમાં જવાની હિંમત કોઈ કરતું નથી પરંતુ સહેલાણીઓ આ અજાયબી જોવા જાય છે. ત્યાંની સરકારે આ ખીણના દૂરથી દર્શન કરવા માટે બાજુના પહાડ પર દાન્તેઝ વ્યૂ નામનું પ્રવાસ સ્થળ વિકસાવ્યું છે. ત્યાં ઊભા રહી સહેલાણીઓ આ ધોમધખતી ખીણને નિહાળી શકે છે.