Get The App

બધા ઉંદરો રાજા! .

Updated: Jan 10th, 2025


Google NewsGoogle News
બધા ઉંદરો રાજા!                                     . 1 - image


- કોઇને કંઇ ઉપાય સૂઝતો ન્હોતો. એવામાં એક નાનું ઉંદરનું બચ્ચું કહે - 'હું તોડીશ અક્કુનો વટ્ટ.' બધાંય ઉંદરોને નવાઇ લાગી અને હસવું પણ આવ્યું

કિરીટ ગોસ્વામી

અ ક્કુ ઉંદરની મૂછો ખૂબ મોટી. તે પોતાની મૂછોને વળ દઇને વટ્ટ મારે- 'હું તો રાજા છું!' બધા ઉંદરો પર એમ કહીને તે ખોટી ધાક પણ જમાવે. કોઇ તેની સામે બોલવાની હિંમત ન કરે.

તે બજારમાં નીકળે એટલે બધાય ઉંદરો તેને સલામી ભરે, તેના વખાણ કરે. તેને 'મહારાજ' કહીને માનથી બોલાવે. આ બધું કોઇ મનથી કરતાં નહીં, પણ અક્કુની ધાક અને ડરને લીધે કરતા હતા. અક્કુ એનાથી પોરસાતો! પોતાની મોટી મૂછોને વળ દેતાં, તે ખૂબ હરખાતો અને મનોમન વિચારતો- 'હું તો કેવો બહાદૂર છું. હું સહુનો રાજા છું. સહુ મારા ગુલામ. બધા મારાથી ડરે. કોઇ મારી વાત ટાળી ન શકે!'

આમ દિવસે ને દિવસે અક્કુનો વટ વધતો ચાલ્યો.

 બધા ઉંદરો તેનાથી ત્રાસવા લાગ્યા પણ કોઇ તેની સામે ચૂં પણ ન કરી શકે.

એક દિવસ એક વૃદ્ધ ઉંદરે હિંમત કરીને અક્કુને કહ્યું- 'મૂછો તો અમારે સૌને છે. એથી કંઇ બધાંયને રાજા ન ગણાય.'

અક્કુ બડાઇ મારતા બોલ્યો- 'પણ હું તો રાજા જ છું. કેમ કે મારા સૌની મૂછો કરતાં મારી મૂછો મોટી છે!'

વૃદ્ધ ઉંદર તેને કંઈ જવાબ ન આપી શક્યો. આમ પણ તેની સાથે જીભાજોડી કરવી નકામી હતી, કેમ કે એક તરફ બધા તેનાથી ત્રાસેલા હતા, તો બીજી તરફ કોઇનામાં અક્કુની સામે બોલવાની કે તેનો સામનો કરવાની હિંમત ન્હોતી.

શું કરવું? આ અક્કુના ત્રાસમાંથી કઇ રીતે છૂટવું? એ કોઇને સમજમાં આવતું ન્હોતું.

બધાંય ઉંદરો મૂંઝાયા.

આખરે એક ડાહ્યા ઉંદરના સૂચનથી બધાય ઉંદરોએ આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે એક દિવસ મીટિંગ ભરી.

કોઈ કહે- 'આપણે ગામમાંથી અક્કુને કાઢી મૂકીએ એટલે એના ત્રાસમાંથી છૂટ્ટા.'

તો કોઇ કહે- 'આ અક્કુડાને આપણે નાત બહાર મૂકીએ.'

કોઇ વળી કહે- 'આપણે મીનીમાસીને લાંચ આપીને આ અક્કુનું કાસળ કઢાવી નાખીએ.'

તો કોઇ કહે - 'આપણે જ આ ગામ છોડીને બીજે ક્યાંક જતા રહીએ પછી તે કોના પર વટ્ટ મારશે?'

આમ બધાય ઉંદરોએ જાતજાતની વાતો મૂકી. પણ એકેય વાતડાહ્યા ઉંદરને ઉચિત કે વ્યવહારુ ન લાગી. આથી સમસ્યા ત્યાંની ત્યાં જ રહી. બધાએ મન ફાવે તેવી વાતો કરી.

કોઇને કંઇ ઉપાય સૂઝતો ન્હોતો. એવામાં એક નાનું ઉંદરનું બચ્ચું કહે - 'હું તોડીશ અક્કુનો વટ્ટ.'

બધાંય ઉંદરોને નવાઇ લાગી અને હસવું પણ આવ્યું, પણ ડાહ્યા ઉંદરેએ નાના બચ્ચાને પૂછયું- 'કઇ રીતે?'

બચ્ચાએ કહ્યું- 'મારી પાસે એક યોજના છે.'

ડાહ્યા ઉંદર સહિત બધાય ઉંદરોએ પૂછયું- 'કેવી યોજના?'

બચ્ચું બોલ્યું- 'આ અક્કુ ઉંદર એની લાંબીલચ મૂછોને કારણે જ આપણા સહુ પર ખોટી ધાક જમાવે છે ને? તો મિત્રો મૂછો તો આપણા સહુની પાસે છે.'

'હા, પણ એનાથી શું થાય? આપણી મૂછો ટૂંકી છે.' એક ઉંદરે  કહ્યું.

બચ્ચાએ કહયું- 'તો આપણે સહુ આપણી મૂછો પર ખોટી મૂછો લગાવીને આપણી મૂછોને મોટી કરી લઈએ. પછી જ્યારે અક્કુ પોતાની મોટી મૂછ બતાવીને વટ્ટ મારે ત્યારે આપણે સહુએ પણ આપણી મૂછ બતાવીને એના પર વટ્ટ મારવાનો!'

'મતલબ આપણે બધાય 'રાજા' થઈ જઇશું!' એક ઉંદર બોલ્યો.

'હા આપણે બધાય રાજા. આપણા બધાની મૂછો પણ મોટ્ટી જોઇને અક્કુની બોલતી બંધ થઇ જશે.' બચ્ચાએ કહ્યું.

ડાહ્યા ઉંદરે નાનકડા બચ્ચાની આ યોજનાને આવકારી અને બધાય ઉંદરોને એ યોજના મુજબ ખોટી મૂછો લગાવવાની સૂચના આપી દીધી.

બીજા દિવસે બધાની મૂછો મોટ્ટી થઈ ગઈ. જેવો અક્કુ બડાઇ મારતો નીકળ્યો ત્યાં નાના બચ્ચાએ જ પોતાની મૂછ મરડતાં શરૂઆત કરી- 'મારી મૂછ પણ મોટ્ટી છે. હું પણ રાજા છું.'

અક્કુ ઉંદર તેની સામે ફાટી આંખે જોઈ રહ્યો.

ત્યાં તો બીજો, ત્રીજો, ચોથો...એમ જે ઉંદર સામો મળે એ અક્કુને પોતાની મોટ્ટી મૂછ બતાવે અને વટ્ટથી બોલે- 'હું પણ રાજા છું... હું પણ રાજા છું!' આ બધું જોઇ-સાંભળીને અક્કુની તો બોલતી જ બંધ થઇ ગઇ!

હવે જેવો અક્કુ કોઇને વટ્ટ મારીને કહેવા જાય કે 'હું રાજા છું', તો તરત તેને સામે સાંભળવા મળે- 'હું પણ રાજા છું!'

આમ, થોડા જ સમયમાં અક્કુનો વટ ભાંગી ગયો અને બધાય ઉંદરો તેના ત્રાસમાંથી મુક્ત થઇ ગયા! 


Google NewsGoogle News