સંતાન સૌ તમારાં .
- કેળાએ આંખો કાઢી. ગુસ્સાથી લાલ પીળું થઈ ગયું. કેળું પણ કંઈ પાછું પડે તેમ ન હતું. કેળાની મીઠાશ તો બુલબુલને પણ ભાવે. એ ખાઈને તો એ મીઠાં મીઠાં ગીતો ગાય છે.
- રામુ પટેલ ડરણકર
કડી તાલુકાનું એક ગામ. નામ એનું ડરણ. ગામમાં સૌ સંપીને રહે. એટલે એની આબાદી પણ ઘણી.
ગામથી થોડે દૂર સડક પાસે એક આંબાવાડિયું. નાગરબાપાએ એ આંબાવાડિયું બનાવેલું. એટલે સૌ એને નગરબાપાનું આંબાવાડિયું કહે. એમાં આંબા સિવાય પણ અનેક ફળ અને ફૂલનાં ઝાડ અને છોડવાઓ હતાં.
પશુ-પંખીઓ આ વાડીમાં મજા કરે. પાકાં પાકાં ફળ ખાય અને એ...ય મીઠાં મીઠાં ગીતો ગાય. રસ્તે જતા આવતા લોકો પણ આંબાવાડિયાની મજા માણે. સૌ કહેતા કે નગરબાપાની વાડી એટલે સૌની વાડી.
એટલામાં વસંતઋતુ આવી પહોંચી. આ ઋતુમાં આંબાની ડાળે ડાળે કેરીઓ લૂમેઝૂમે. આખી વાડી ફળ-ફૂલથી શોભી ઉઠે. એની મહેક છેક દૂર દૂર સુધી પ્રસરે.
વસંતના વાયરા ધીમે ધીમે શરૂ થયા. એક કેરીને વાડીમાં ફરવાનું મન થયું. એ તો આંબા પરથી નીચે ઉતરીને ઠૂમક ઠૂમક કરતી ફરવા લાગી. કેળાના ઝાડ પાસે જઈ એ તો ઊભી રહી. એ તો કેળાની સામે જોઈ હસવા લાગી.
કેરીને થયું કે આ કેળું તો કેવું માંયકાંગલું છે. કેરીને તાજી-માજી હતી એટલે એને એનું અભિમાન આવ્યું. એણે ગર્વથી કેળાને કહ્યું : 'હું કેવી મધ જેવી મીઠી! ને તારો સ્વાદ તો તૂરો છે તૂરો....!' બંને વચ્ચે બરાબર જામી પડી. એટલે કેરી ગુસ્સામાં ને ગુસ્સામાં ગાવા લાગી :
'મારો રસ ગરમીમાં લોકો
ખાતા જાણે મધ :
કેળા તારું મોં છે કાળુ
હમણાં કરું વધ!'
આ સાંભળતાં જ કેળાએ આંખો કાઢી. ગુસ્સાથી લાલ પીળું થઈ ગયું. કેળું પણ કંઈ પાછું પડે તેમ ન હતું. કેળાની મીઠાશ તો બુલબુલને પણ ભાવે. એ ખાઈને તો એ મીઠાં મીઠાં ગીતો ગાય છે.
એટલે કેળાએ પણ બાંયો ચઢાવી. કેરીની પાસે જઈને મોટા અવાજે કહે:
'હોય શિયાળો કે ઉનાળો
ભલે હોય ચોમાસુ
કેળું બોલ્યું : 'મને ખાય છે
મોજથી જગ આખું.'
કેરી અને કેળાનો આ ઝઘડો જોઈ આવતા જતા લોકો એકઠા થઈ ગયા. સૌ કહેવા લાગ્યા : 'આ કેરી અને કેળું અંદરોઅંદર શીદને ઝગડતાં હશે?' પરંતુ આ બંને અભિમાનથી ફૂલાઈ ગયા હતાં. કોઈનું માને શાનાં? ઝગડો વધી ગયો.
કેરી કહે. 'હું અમૃતફળ છું.'
કેળું કહે. 'જો ફૂટ!
મારામારી કરવા લાગ્યાં
બન્ને કાઢી બૂટ!'
આ જોઈને કેટલાક ડાહ્યા લોકો આગળ આવ્યા. કેરી અને કેળાને ઝગડો ન કરવા સમજાવવા લાગ્યા કોઈએ કહ્યું, 'તમે બન્ને એક જ વાડીમાં રહો છો. તો સંપીને કેમ રહેતા નથી?'
તો વળી કોઈકે કહ્યું કે, 'તમે જે ધરતીમાં ઊગ્યા છો એ ધરતી તમારી મા છે. તેથી તમે એક જ માનાં સંતાન છો.'
આ સાંભળી કેરી અને કેળું જોતાં જ રહી ગયાં અને એક બીજાને ભેટી પડયાં અને હસતાં હસતાં કહેવા લાગ્યાં :
'આવો, મારા ભાઈ!''
સૌએ તાળીઓ પાડી અને બંનેને અભિનંદન આપ્યાં.