ખતરાની ઘંટડી .
- 'આપણા પૂર્વજો તો બિલાડીના ગળે ઘંટ બાંધી નહોતા શક્યા, પણ આ બહાદુર ને બુદ્ધિશાળી આગેવાને ચાલાકી વાપરી પેલા ઘોઘર બિલાડાને ગળે એક નહીં ને આઠ ઘંટડિયોનો હાર બહુ હોંશિયારીપૂર્વક બાંધી દીધો.'
સરદારખાન મલેક
શ હેરના એ ઝું૫ડપટ્ટી વિસ્તારના જાણીતા રાજા ઘોઘર બિલાડીની એકની એક માનીતી રાજકુંવરી મીનુનાં આજે રાત્રે લગ્ન હતાં. માણસો લગ્નમાં નડતરરૂપ ના બને તે કારણે જાન રાતના સમયે તેડાવી હતી. હસ્તમિલાપ રાતના બે વાગ્યા પછી રાખવામાં આવ્યો હતો.
આમતો આ વિસ્તારમાં રાજા ઘોઘર બિલાડાનો ત્રાસ હતો. એક જ ઝાપટમાં તેઓ નાનાં પ્રાણીઓને પોતાનો શિકાર બનાવી લેતા. પરંતુ રાજકુંવરી મીનુંનાં શુભ લગ્ન હોઈ તેઓએ જાહેર કર્યું હતું કે, 'મારી વ્હાલી દીકરી મીનુનાં લગ્ન હોઈ આવતા પંદર દિવસ સુધી શિકાર જેવી ઘાતકી પ્રવૃત્તિ હું તો નહીં કરું, પણ અમારા બિલાડા કુળનો કોઈ સભ્ય પણ નહીં કરે. બધાં નિર્ભય થઈ મારી રાજકુંવરીના લગ્નમાં પધારે.'
એ વિસ્તારમાં વસતાં છછૂંદર, ઉંદર, કાચીંડા ને ઘો જેવાં પેટ ઘસીને ચાલતાં પ્રાણીઆમાંે રુડી કંકોતરીઓ વહેંચીને લગ્નમાં હાજરી આપી ભોજન માટેનું આમંત્રણ આપવામાં આવ્યું.
આખા ઝૂંપડપટ્ટી વિસ્તારનાં આવાં નાના કદનાં પ્રાણીઓ અને ઘુવડ-ચિબરી જેવાં નિશાચર પક્ષીઓમાં વિવાહ માણવાનો અનેરો ઉત્સાહ ફેલાઈ ગયો.
ઘુવડ મહારાજ તેમના મંત્રોઉચ્ચારથી વર-કન્યાનો હસ્તમેળાપ કરાવવાના હતા. ચિબરીબહેન મંગળ ગીતો ગાઈને રાજકુંવરીના માંડવાની શોભામાં વધારો કરવાનાં હતાં.
ઉંદરભાઈની નાત થોડી અવઢવમાં હતી કે લગ્નમાં હાજરી આપવી કે ના આપવી? કેટલીક ચર્ચાઓ ને ખાનગી મિટિંગો કરી. બે-ચાર યુવાન ઉંદરોને રાતોરાત બજાર તરફ રવાના કર્યા. અંતે એ વિસ્તારના આગેવાન ઉંદરભાઈએ જાહેરાત કરી કે, 'આપણે સજીધજીને રાજકુંવરી મીનુંના લગ્નમાં હાજરી આપવી, એટલું જ નહીં, રાજકુંવરીની જાન વિદાય થયા બાદ ઘોઘર બિલાડાનું હાર પહેરાવી બહુમાન પણ કરવું.'
બરાબર રાતના બેના ટકોરે એક બાજુ ચોરીમાં લગ્ન ગીત ગવાયાં ને બીજી બાજુ રસોડાના મંડપ હેઠળ ઉંદર, છછૂંદર, ઘો ને કાચીંડા બધાયે નિર્ભય બની બુફે ભોજનની મજા માણી.
રાજા ઘોઘર બિલાડાએ બહુ ભાવુક બની પોતાની વહાલી દીકરીને વિદાય આપી. કન્યા વિદાયનો પ્રસંગ રંગેચંગે પૂરો થયો.
ત્યાર બાદ ઉંદરની નાતના આગેવાનોએ ઘોઘર રાજાની શુભેચ્છા મુલાકાત લીધી. રાજાને ગળે રૂપાની ઝીણી ઘંટડીઓથી શોભતો એક લાખેણો હાર બાંધી તેમનું સન્માન કર્યું. બિલાડાએ ગદગદિત સ્વરે લગ્નમાં હાજરી આપીને પોતાનું માન વધારવા બદલ ઉંદરના ટોળાનો આભાર માન્યો.
ઘોઘર બિલાડાનું સન્માન કરીને ઉંદરોનું આખું ટોળું તેમના દર તરફ વળ્યું. તે વખતે ટોળું બહુ ખુશ મિજાજમાં હતું. તેમના ટોળામાં અંદરોઅંદર વાહ... વાહ.. થઈ રહી હતી કે, 'આપણા પૂર્વજો તો બિલાડીના ગળે ઘંટ બાંધી નહોતા શક્યા, પણ આ બહાદુર ને બુદ્ધિશાળી આગેવાને ચાલાકી વાપરી પેલા ઘોઘર બિલાડાને ગળે એક નહીં ને આઠ ઘંટડિયોનો હાર બહુ હોંશિયારીપૂર્વક બાંધી દીધો.'
ત્યાર પછી તો આખી ઉંદર વસાહતમાં આનંદનું મોજું ફરીવળ્યું. ફૂટબોલ વર્લ્ડકપ જીતીને આર્જેન્ટિનાના ખેલાડીઓએ જેમ રાતભર વિજયોત્સવ મનાવ્યો હતો તેમ ઉંદરો પણ સાથે મળી સવાર સુધી ખુશીની મજા લૂંટવાના મૂડમાં હતા. તેવામાં હજુ મોંંસૂઝણું પણ નોહતું થયું ને ખતરાની ઘંટડીનો અવાજ સંભળાયો. એક-બે નહીં, આઠ-આઠ ઘંટડીઓનું ટણીન... ટણીન... નજીક આવતું લાગ્યું ને બધા ઉંદર ઊભી પૂંછડીએ ભાગ્યા તે વહેલું આવે પોતાનું દર. ઘડીના છઠ્ઠા ભાગમાં તો બધા ગાયબ!