અગ્ગુ, બગ્ગુ, ડગ્ગુ... .
- કિરીટ ગોસ્વામી
ત્ર ણ સસલાં - અગ્ગુ, બગ્ગુ અને ડગ્ગુ. ત્રણેય પાક્કા દોસ્તાર. અગ્ગુને ન ચાલે બગ્ગુ વગર. ને બગ્ગુ અધૂરો ડગ્ગુ વગર. ત્રણેય સાથે જ હોય. સાથે જ લીલુંછમ ઘાસ ખાવા જાય. મીઠાં ગાજરની પાર્ટી કરે. ને ક્યારેક તળાવને કિનારે બેસીને અલકમલકની વાતો કરે.
અગ્ગુ ભારે તોફાની. બગ્ગુ બહુ મોજીલો અને ડગ્ગુ થોડો શરમાળ. જોકે એ વાતથી દોસ્તીમાં કંઇ ફેર ન પડે.
ક્યારેક ગાજર ન મળે તો અગ્ગુ કહે- 'ચાલો, પસાભાઇની વાડીમાંથી ગાજર ચોરી લાવીએ.'
બગ્ગુ એને સમર્થન આપે- 'હા,ખાવા તો જોશે જ. ભલે ચોરી કરવી પડે, પણ ભૂખ્યા તો ન જ રહેવાય.'
ડગ્ગુ એ બન્નેને સમજાવે- 'ખાવા માટે ચોરી ન કરાય. ભલે થોડી ભૂખ સહન કરવી પડે.'
અગ્ગુ એને ડાંટે- 'તું આવી વાતો ન કર. સહુથી પહેલાં પેટપૂજા. જો એ ન થાય તો કંઈ ન થાય. ને એને માટે ક્યારેક ચોરી કરવી પડે તો કંઈ મોટી વાત નથી. કેમ બગ્ગુ, બરાબરને?'
'હા,યાર. એમાં કંઇ આભ તૂટી પડવાનું નથી. ગાજર જ ચોરીએ છીએ ને... અને એ પણ ખાવા માટે.' બગ્ગુ પણ અગ્ગુની વાતને ટેકો આપે. આ બન્ને મળી જાય પછી ડગ્ગુનું કંઇ ચાલે નહીં. આખરે ડગ્ગુને પણ અગ્ગુ-બગ્ગુ સાથે મળી જવું પડે.
એક દિવસ ત્રણેય મિત્રોએ પસાભાઇની વાડીમાંથી ગાજર ચોરવાની યોજના બનાવી. બપોરટાણે બધા આરામ કરતા હોય એવા સમયે છુપાઈને ત્રણેય વાડમાંથી અંદર ઘુસ્યા.
પસાભાઇની વાડીમાં ગાજર પુષ્કળ હતાં. આ જોઈને ત્રણેય રાજી-રાજી થઈ ગયા. છાનામાના ધરાઈને ગાજર ખાધા.
પાછા વળતી વખતે ત્રણેયને થયું- 'ચાલો, થોડાં ગાજર સાથે લેતાં જઇએ. પછી નિરાંતે ખાવા થાશે.'
ત્રણેયે થોડાં-થોડાં ગાજર સાથે લીધાં અને ચૂપચાપ પાછા વળ્યા. અગ્ગુ અને બગ્ગુ વાડમાંથી નીકળી ગયા.ડગ્ગુ ગાજર સાથે નીકળવા ગયો ત્યાં ફસાઇ ગયો. કેમેય કરીને નીકળાય નહીં!
અગ્ગુ અને બગ્ગુએ તેને બહાર કાઢવા માટે ખૂબ પ્રયાસ કર્યા, પણ ડગ્ગુ ફસાયેલો જ રહ્યો. સમય ઘણો થઈ ગયો ને અચાનક પસાભાઇ આવી ગયા!
ડગ્ગુ ફસાયો. હમણાં બરાબરનો મેથીપાક મળશે. એવી કલ્પનાથી તે ધુ્રજવા લાગ્યો. પસાભાઇ ડંડો લઈને જ આવતા હતા. જેવા એ નજીક આવ્યા કે તરત જ બહારથી અગ્ગુએ કહ્યું- ' પસાભાઇ, ડગ્ગુને મારશો નહીં. એ નિર્દોષ છે. ચોરીને ગાજર ખાવાનો આઇડિયા મારો અને આ બગ્ગુનો હતો. આથી અમને સજા કરો... ડગ્ગુને છોડી દો.'
બગ્ગુએ પણ કહ્યું- 'હા,પસાભાઇ. અમારો વાંક છે. અમને ડંડો મારો. ડગ્ગુને કંઇ ના કરશો.'
ડગ્ગુ બોલ્યો- 'પણ ચોરી કરતાં પકડાયો અને ફસાયો તો હું છું . આથી મને સજા કરો. મારા મિત્રોને છોડી દો.'
અગ્ગુ, બગ્ગુ અને ડગ્ગુ ત્રણેય આમ પોતાને સજા કરવા માટે વારંવાર વિનવવા લાગ્યા . એ જોઇને પસાભાઇ પ્રભાવિત થયા. ફસાયેલા ડગ્ગુને છોડાવીને બોલ્યા- 'તમારા ત્રણેયની સાચી દોસ્તી અને એકબીજા માટેનો પ્રેમ જોઇ, હું ખૂબ ખુશ થયો છું. આથી હું કોઇને સજા નહીં કરું. બલકે હવેથી જ્યારે પણ ગાજર ખાવાનું મન થાય ત્યારે મારી વાડીએ પધારવાની તમને છૂટ છે.'
'યે...' એમ આનંદથી ચીચીયારીઓ પાડતાં અગ્ગુ,બગ્ગુ અને ડગ્ગુ એકબીજાને ભેટી પડયા!