સ્વાર્થી માનવ .
- 'તમે આ લીલું વૃક્ષ કાપી ઘોર પાપ કરી રહ્યા છો. ઉપર જુઓ, અસંખ્ય પક્ષીઓ માળા બાંધીને રહે છે. તમારા કુહાડીના ઘાથી ઝાડ હલબલી ઊઠતાં ઘણા માળાઓ નીચે પડી ગયા.'
ભૂપેન્દ્ર ત્રિવેદી 'સ્વયંભૂ'
આ ઠમા ધોરણમાં ભણતો વિસ્મય નવી સ્કૂલમાં દાખલ થયો હતો. પહેલા દિવસે સ્કૂલેથી પરત આવ્યા બાદ વિસ્મયે તેનાં મમ્મી-પપ્પાને શાળામાં અનુભવેલી વાતો કહી. પ્રથમ દિવસે ક્લાસમાં ઘણા નવા વિદ્યાર્ર્થીઓનો પરિચય થયો હતો. વિજ્ઞાાનના શિક્ષક જ્ઞાાનેન્દુ સાહેબે અભ્યાસક્રમની ચર્ચા કર્યા બાદ નાનકડી વિજ્ઞાાનકથા સંભળાવી હતી. શાળાની અદ્યતન પ્રયોગશાળા અને વિવિધ જ્ઞાાનસભર પુસ્તકોથી આભૂષિત પુસ્તકાલયની માહિતી આપી હતી. તેમણે આગ્રહપૂર્વક કહ્યું હતું કે દરેક વિદ્યાર્થી પુસ્તકાલયનો સભ્ય બની જાય ને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક પુસ્તક જરૂર વાંચે. આવતી કાલે સૌને કંઈક નવું જ જાણવા-માણવા મળશે તેવો ગભત ઈશારો કર્યો હતો.
વિસ્મયની વાતો સાંભળી તેનાં માતા-પિતા ખૂબ ખુશ થયાં. તેમણે બીજા જ દિવસે વિસ્મયને પુસ્તકાલયના સભ્ય બની જવાની સલાહ આપી. વિસ્મયે ઉમળકાભેર આ વાત સ્વીકારી.
બીજે દિવસે વિસ્મય ઉપરાંત વર્ગના અન્ય વિદ્યાર્થીઓને જ્ઞાાનેન્દુ સાહેબ કઈ નવીન કથા કહેશે તે જાણવાની તાલાવેલી હતી. રિસેસ બાદ પ્રથમ પિરિયડ જ વિજ્ઞાાન વિષયનો હતો. જ્ઞાાનેન્દુ સાહેબ સમયસર આવી ગયા. સાથે થોડો સામાન પણ હતો.
જ્ઞાાનેન્દુ સાહેબે કહ્યું, 'આજે આપણે સિનેમા પ્રોજેક્ટર ઉપર નાની પણ ઉપયોગી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળીશું.'
તેમણે પ્રોજેક્ટર સેટ કર્યું, બ્લેક બોર્ડ ઉપર વિશાળ સફેદ પડદો ગોઠવ્યો. રૂમનું બારણું, તમામ બારીઓ તેમજ લાઈટ બંધ કરાવી. પડદા પર ફિલ્મ શરૂ થઈ. તેની કથા આ પ્રમાણે હતી:
એક નાના નગરમાં એક કઠિયારો રહેતો હતો. પત્ની તથા બે બાળકોનું ભરણપોષણ કરવા એ સવારમાં નગરથી થોડે દૂર આવેલા જંગલમાં જઈ, સૂકાં લાકડાં કાપી, તેનું વેચાણ કરતો. વન વિભાગ તરફથી તેને આ કામ માટે પરવાનો મળ્યો હતો. સાથોસાથ ઘરના વાડામાં શાકભાજી, ફૂલો વાવી, તેમાંથી મળતી ઉપજને નગરમાં વેચી એ પરિવારનું ગુજરાન ચલાવતો હતો.
એક દિવસ તે સવારે એ લાકડા કાપવા જંગલમાં ગયો. ઘણું ફર્યો, પણ સૂકાં વૃક્ષો જોવા મળ્યા નહીં. તેથી હવે તો જંગલમાં છેક દૂર સુધી જવું પડે તેમ હતું. આમતેમ ભટકીને તે થાકી ગયો હતો. તેથી તેણે વિચાર્યું કે આજે નજીકનાં લીલાં વૃક્ષોને જ કાપી લઉં. બે-ચાર દિવસમાં ઘરે વાડામાં સૂકાઈ જશે. તેમ વિચારી તેણે એક વિશાળ વટવૃક્ષ શોધી, તેના પર કુહાડીના ઘા મારવા શરૂ કર્યા. કુહાડી વાગતાં જ લીલાં વૃક્ષના થડમાંથી લીલો રસ ઝરવા લાગ્યો અને અચાનક ચમકારો થયો. થડની આગળ એક માનવ આકૃતિ ઉપસી આવી. તેણે બે હાથ જોડી કઠિયારાને અપીલ કરી, 'મહેરબાની કહીને લીલું વૃક્ષ ન કાપો.'
કઠિયારાની કુહાડી તેના હાથમાં જ રહી ગઈ. તે બીજો ઘા મારી શક્યો નહીં. તેણે પુછયું, 'તમે કોણ છો ? શા માટે મારા કામમાં અવરોધ ઊભો કરી રહ્યા છો?'
માનવ આકૃતિએ કહ્યું, ' હું જ આ વડલો છું. તમે આ લીલું વૃક્ષ કાપી ઘોર પાપ કરી રહ્યા છો. ઉપર જુઓ, અસંખ્ય પક્ષીઓ માળા બાંધીને રહે છે. તમારા કુહાડીના ઘાથી ઝાડ હલબલી ઊઠતાં ઘણા માળાઓ નીચે પડી ગયા ને તેમાં રહેલાં પક્ષીઓનાં ઈંડાં ફૂટી ગયાં છે, નાના બચ્ચાં તરફડી રહ્યાં છે. મારા થડ ઉપર કુહાડીના ઘા વાગવાથી અંદરનો પ્રાણ સમાન રસ ઝરી રહ્યો છે. વૃક્ષની ડાળીએ-ડાળીએ ઊગેલા ટેટા અનેક પક્ષીઓનો ખોરાક છે. ઘણીવાર પિકનિક પર આવતાં બાળકો આ ટેટાઓ તોડી, નમક-મરચું ભભરાવી ટેસથી આરોગે છે. વડવાઈઓ પકડી ઝૂલે છે. અહીંથી પસાર થતા ઘણા વટેમારગુઓ મારા છાયામાં વિશ્રામ કરે છે. આ ઉપરાંત, લીલા વૃક્ષો કાપવાં એ કાનૂની અપરાધ છે. તેથી તમે લીલાં વૃક્ષો ન કાપો તેવી સઘળાં વૃક્ષો સહિત મારી અપીલ છે.'
વૃક્ષની માનવરૂપી આકૃતિની દિલને સ્પર્શી જાય તેવી વાત સાંભળી કઠિયારો શરમથી નીચું જોઈ ગયો. તેના હાથમાંથી કુહાડી નીચે પડી ગઈ. તેણે ઉપર જોયું ત્યાં તો માનવ આકૃતિ અદશ્ય થઈ ગઈ હતી. કઠિયારાને પોતાની ભૂલ સમજાઈ. તેણે લીલાં વૃક્ષો ન કાપવાની તથા સૂકાં વૃક્ષોની જગ્યાએ વન વિભાગની મદદ લઈ, નવા રોપાઓ વાવવાની તેમજ તેના ઉછેરની મનોમન પ્રતિજ્ઞાા લીધી. આ ખોટાં કૃત્યોથી બચાવવા માટે વૃક્ષ દેવતા તથા પ્રભુનો આભાર માન્યો. ખાલી હાથે ઘર પરત આવ્યો અને બીજા દિવસથી પર્યાવરણના જતનની કામગીરી શરૂ કરી દીધી.
વિસ્મય તથા વર્ગખંડના તમામ વિદ્યાર્થીઓ આ ફિલ્મ નિહાળી બહુ ખુશ થયા. પર્યાવરણની સુરક્ષા માટે શાળાની ખુલ્લી જગ્યાએ તથા ઘરની આસપાસ વૃક્ષો વાવવાની તથા તેના ઉછેરનો તેમણે નિર્ણય કર્યો.