ક્યાંય ન જતો પૂલ! .
- મરનાર પાછળ રડવાનો. રડીને હાય હાય કરવાનો, અફસોસ કરીને બેસી રહેવાનો શો અર્થ છે?
- સ્ત્રીને લાગ્યું: પતિ ગાંડા થઈ ગયા કે શું?
- આપણો પુત્ર જીવતો થશે? કેવી રીતે?
ન દીને કિનારે ગામ. ગામમાં એક મજૂર યુગલ રહે. પતિ અને પત્ની બંને મજૂરી કરે. તેમની એક માત્ર આશા હતી. તેમનો પુત્ર. તેઓ વિચારતાં કે દીકરો મોટો થઈ તેમનાં દુઃખ દૂર કરશે. તેમને આરામ અને આનંદ આપશે. પણ એ બધા સપનાં એક દિવસ વીખરાઈ ગયાં. સમાચાર આવ્યા કે એમનો એકનો એક પુત્ર નદીમાં ડૂબી ગયો છે.
પુત્ર જ તેમની આશા હતો. તેને જ ખાતર તેઓ જીવતાં હતાં. હવે એના વગર જીવવા જેવું પણ શું રહ્યું? દિવસો સુધી માતા-પિતા બાઘાં-બેબાકળાં રહ્યાં.
પછી એક દિવસ મજૂર ઉઠયો. એક ઇંટ લઈને કિનારે ગોઠવી. પછી બીજી ગોઠવી. પછી ત્રીજી.
આખો દિવસ તે ઇંટ જ ગોઠવતો રહ્યો. મજૂર હતો, બીજુ શું કરે?
સ્ત્રીને લાગ્યું કે પતિ ગાંડા થઈ ગયા કે શું?
તેણે પૂછ્યું : 'આ શું કરો છો?'
મજૂર કહે : 'પૂલ બાધું છું.'
'પૂલ?' મજૂરણે પૂછ્યું : 'શું કામ! એના પૈસા આપણને કોણ આપશે?''
મજૂર હસ્યો. કરુણ મધુર હાસ્ય. તે કહે : 'ગાંડી! આ પૂલ પૈસા ખાતર બંધાતો નથી. કાઈ બંધાવે તો પૈસા આપે. આ તો આપણે જાતે બાંધીએ છીએ. અને પૈસાને હવે આપણે શું કરવા છે? બે જણા તો છીએ. ગમે તે ખાઈ લઈશું. મળી રહેશે તે માણી લઈશું.'
સ્ત્રી હજી ય ન સમજી. તે કહે : 'પણ પૂલે આપણે શું કામ બાંધવો જોઈએ? પૂલ બાંધવાનો હેતુ શો?'
પતિ કહે : 'આપણા પુત્રને જીવતો કરવાનો.'
'હેં..!' સ્ત્રી બોલી ઉઠી : 'આપણો પુત્ર જીવતો થશે? કેવી રીતે?'
મજૂર કહે : 'પૂલ બાંધવા લાગ. જે દિવસે આપણો પૂલ બંધાઈ રહેશે તે જ દિવસે મુન્નો જીવતો થશે.'
સ્ત્રી મદદે આવી. બન્ને જણા દૂરદૂરથી ઇંટ, પત્થર, રોડા લાવે. બન્ને મજૂર હતાં. મજૂરકામના ઉસ્તાદ હતાં. અત્યાર સુધી બીજાને ખાતર મજૂરી કરતાં હતાં, હવે પોતાને ખાતર કળા અજમાવવા લાગ્યાં. પોતાના પુત્રને ખાતર પૂલ બાંધવા લાગ્યાં.
નદી નાની હતી, પણ આ જગ્યાએ પ્રવાહ જોશીલો હતો. ચોમાસામાં તો વળી વધારે વેગ આવી જતો. પણ દિલની વાત હતી. પાયા ઊંડા ખોદાયા. એમને ક્યાં કોન્ટ્રાક્ટ હતો કે રાતોરાત કામ પૂરું કરવાનું હતું? ભલેને વરસ લાગે, ભલને બે વરસ લાગે, અરે, ભલેને જિંદગી જાય!
પહેલાં પતિ-પત્નીએ આ બાજુથી પૂલના થાંભલા નાખ્યા. પછી સામા કિનારે ગયા. ત્યાં પણ એવી જ રીતે પાયા નાખ્યા. થોડા મહિના આ તરફ, થોડા મહિના પેલી તરફ એમ પૂલ બાંધતા રહ્યાં. જાણે કોઈ નગરપાલિકા બંધાવતી હોય એમ જ પૂલ બંધાય. કોઈ સુધરાઈની દેખરેખ હોય એવું વ્યવસ્થિત કામ ચાલે.
ઘણો લાંબો સમય પસાર થઈ ગયો. વર્ષો થયા. પણ મજૂર યુગલનો અંત ઓછો થયો નહીં. ધીરજ ખૂટી નહીં. રસ એવો ને એવો જ રહ્યો. અને એ રીતે પૂલ તૈયાર થયો. આબેહૂબ. ઘણા બધા કારીગરોએ બાંધ્યો હોય એવો જ એ પૂલ હતો. જાણે પૂરેપૂરું ઇજનેરી કામ જ જોઈ લો.
એ પૂલ તૈયાર થયો. લોકો જોવા આવ્યા. તેઓ જોઈ જોઈને તાજ્જુબ પામ્યા. પૂછવા લાગ્યા કે : 'આ પૂલ જાય છે ક્યાં?'પૂલ ક્યાંય જતો ન હતો, કેમ કે સામેની બાજુ કંઈ હતું નહીંં. એકદમ જંગલ જ જંગલ હતું.લોકોએ એનું નામ પાડયું : એ બ્રીજ ટુ નોવ્હેર. એટલે કે ક્યાંય નહીંં જતો પૂલ.
પૂલ તૈયાર થયો. તે સ્ત્રીએ પૂછ્યું : 'હવે તો પૂલ બંધાઈ ગયો. કહો, આપણો પુત્ર ક્યારે જીવતો થશે?'
નદીમાં છોકરાઓ ન્હાતાં હતાં. આ નાકેથી તે નાકે જવાની હોડ બકતા હતા. એ હોડમાં જતા તો ખરા, પણ પાછા આવી શક્તા નહીંં. એમાં જ તેઓ મરી જતા.
મજૂર કહે : 'અરે ગાંડી! હજી તે આપણા પુત્રને દીઠો નથી? આ પૂલ એ જ આપણો પુત્ર. પછી આગળ સમજાવતાં કહ્યું : 'પુત્ર ઘડપણનો આશરો હોય છે. દિલાસો હોય છે. આ પૂલ આપણો આસરો છે, દિલાસો છે. વિસામો છે અને સહારો છે. ઘડપણમાં પુત્રને જોતાં જ આપણી આંખ ઠરે છે. આ પૂલને જોઈ જરૂર આપણી આંખ ઠરશે.'
કંઈક અણસમજૂ અજ્ઞાાન સ્ત્રીને હજી વધુ વિગતથી સમજાવતાં તે કહે : 'જે મરે છે એના એ સ્વરૂપમાં પાછું આવતું નથી. જન્મતું નથી. આપણો પુત્ર પૂલ બનીને ફરી અવતર્યો છે, એમ જ સમજ. અને જો જિંદગી કે મોત સનાતન નથી. જ્યારે બાળક એ સનાતન વસ્તુ છે. આપણે બાળકોને જીવતાં રાખવાનાં છે. આ પૂલ અહીંનાં બાળકોને જીવતાં રાખશે. તે અહીં તરતાં બાળકો ઉપર ચોકી રાખશે. ચોમાસામાં વહી જતી આ નદી ઉપર ચોકી રાખશે. અને બાળકો જીવશે એટલે બસ છે. જે જીવશે એ બાળકો આપણાં હશે. બાળકો સહુનાં હોય છે. આ પૂલ, આ આપણો પુત્ર, એ કામ કરશે એટલે એને મરેલો કેવી રીતે કહેવાય? જે બીજાને જિવાડે છે એ કદી મરતાં નથી. જે બીજાને જીવવામાં મદદ કરે છે, એ કદી મરતાં નથી. જે બીજાને જીવવા માટે ઉપયોગમાં આવે છે. એ કદી મરતાં નથી.'
એ પૂલ જ્યાં આવ્યો છે, એ દશનું નામ છે. સ્કોટલેન્ડ. જે ગામ નજીક એ પૂલ છે એ ગામનું નામ છે, કીય, અને જે નદી ઉપર એ પૂલ છે એ નદીનું નામ છે આઈસ નદી. એ પૂલ આજે તો ઐતિહાસિક સ્થળ બની ચૂક્યો છે. લોકો હોંશે હોંશે તે જોવા જાય છે. ત્યાં જાય છે ત્યારે બાળકો નદીમાં ઝંપલાવ્યા વગર રહેતાં નથી. માબાપ ના કહે છે, તો તેઓ કહે છે : 'પૂલની ચોકી છે. એ અમારી રક્ષા કરે પછી પરવા શી?
એ પૂલને હજીય લોકો 'ક્યાંય ન જતો પૂલ' કહે છે, કેમ કે બીજી બાજુ હજીય વિકાસ પામી નથી. તે છતાં કોઈક વળી એને મજૂર દંપતીનો પૂલ કહે છે. તો વળી કાંઈક એને પુત્રપૂલ આશ્વાસન-પૂલ પણ કહે છે... અને હા, ઘણા એને જીવતો પૂલ પણ કહે છે.
પૂલનાં નામ ગમે તે હોય, પણ એ આપણને એક પ્રેરણા આપતું સ્મારક છે. દરેક મૃત વ્યક્તિ પાછળ આવંા એક એક સ્મારક તૈયાર થાય તો માનવજાતને તે કેટલું ઉપયોગી થઈ પડે! મરનાર પાછળ રડવાનો. રડીને હાય હાય કરવાનો, અફસોસ કરીને બેસી રહેવાનો શો અર્થ છે? મરનાર પાછળ ન્યાત કે વરા જમાડવાને બદલે આવું કોઈ નક્કર કામ કરવું એ જ એનું યોગ્ય સ્મારક નથી શું?