સ્પર્શ કરતાં જ બિડાઈ જતી વનસ્પતિ : લજામણી
પ્રાણીઓની જેમ વનસ્પતિમાં પણ આત્મરક્ષણની અજાયબીભરી વિશેષતાઓ જોવા મળે છે. તેમાં લજામણીનો છોડ મુખ્ય છે. લજામણી ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં જોવા મળે છે. તેનું મૂળ નામ મીમસા પુડિકા છે. તે ટચમીનોટ પ્લાન્ટ તરીકે પણ ઓળખાય છે.
લજામણીનો છોડ દોઢેક મીટર ઊંચો થાય છે. તેને આમલી જેવા ઝીણા પાન હોય છે. તેને ગુલાબી રંગના ફૂલ પણ આવે છે. આ છોડના પાનને જ આપણી આંગળી વડે જરાક સ્પર્શ કરીએ તો સમગ્ર છોડના પાન ઝડપથી બીડાઈ જાય છે. ક્યારેક તો છોડ પવનમાં હલે તો પણ પાન બીડાઈ જાય. થોડુંક જોખમ ઊભુ થાય કે તરત પ્રતિક્રિયા આપે. લજામણીના પાનમાં ખાસ પ્રકારના કોષો હોય છે. જોખમ ઊભા થતાં કે કોઈપણ જીવજંતુનો સ્પર્શ થાય ત્યારે પાનમાં પોટેશિયમ આયન છુટા પડે છે અને પાનમાં રહેલા પાણીનું દબાણ વધી જાય છે અને તે બંધ થઈ જાય છે. થોડીવાર પછી તે આપોઆપ ખુલી જાય છે.
લજામણી અજાયબી છે પરંતુ ખેતી માટે જોખમી છે. ખેતરમાં ઊભેલા પાકને તે નુકસાન કરે છે. ટામેટાં, કપાસ, કેળા, પપૈયા વગેરે વૃક્ષોની આસપાસ લજામણી હોય તો તે નુકસાનકારક છે. આ છોડ વિજ્ઞાાનીઓને અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી થયો છે.