ઉતાવળિયો ઉંદર .
'મને ઉંદર... ભાઈ-બાઈ... નહીં કહેવાનું! આપણને માત્ર ઉંદર ઉતાવળિયા જ કહેવાનું. જોયું... જોયું...? તમે તાકી રહ્યા છો અને અમે ભરપેટ જમીને આવ્યા.'
બિરેન પટેલ
ચૂં ચૂં મારું ગાન,
ખેતરનું ખાઉં ધાન.
જયાં ત્યાં કરીએ દર,
અમે ઉતાવળિયા ઉંદર.
ગામ આખામાં ભાઈ મારો વટ પડે વટ! આપણે ઉતાવળિયા ઉંદર. ઉતાવળિયા એવા કે ઝપાટાબંધ આપણે બધાં જ કામ પાર પાડી દઈએ. એ પછી કોથળો કાતરવાનો હોય કે સાડી, શર્ટ હોય કે લેંઘો, ગંજી હોય કે લુંગી, નાનામાં નાના કાપડના ટુકડાથી લઈ લાવોને આખો તાકો, એનો ઉતાવળે જ કરી નાખું ભૂક્કો.
લાવો લાવો કાપડનો તાકો,
કટ કટ કાપીને કરું ભુક્કો.
દાંત મારા ધારદાર કાતર,
અમે ઉતાવળિયા ઉંદર.
એક દિવસની વાત છે. એક ખેડૂતે દિવસ-રાત મહેનત કરી ખેતરમાં બાજરીનો પાક તૈયાર કર્યો હતો. પોપટ, ચકલાં અને હોલાથી બાજરીના પાકનું રક્ષણ કરતો હતો. છાનોછપનો ખેતરમાંથી બાજરી ખાઈને ઉંદર બહાર નીકળ્યો. તેને જોઈ પોપટભાઈને પૂછયું , 'ઉંદરભાઈ, કેમ છો?'
ઉંદર તો ગુરસે થઈને કહે, 'મને ઉંદર... ભાઈ-બાઈ... નહીં કહેવાનું! આપણને માત્ર ઉંદર ઉતાવળિયા જ કહેવાનું. જોયું... જોયું...? તમે તાકી રહ્યા છો અને અમે ભરપેટ જમીને આવ્યા.'
પોપટભાઈ તો શું બોલે બિચારો?કહે, 'વટ તમારો વટ.'
ઉંદર કહે, 'હં હં અમે...
અમે જમ્યાં પેટભર,
કરો સલામ ને કદર
અમે ઉતાવળિયા ઉંદર.'
વટમાં ને વટમાં ચાલવામાં ઉંદરભાઈ તો ભાન ભૂલ્યા. ભાન ભૂલ્યા તે સાપના ઘરમાં પડયા! પડયા તે સાપના મોં આગળ જઈ ચઢયા...
સાપ કહેઃ
'આવો આવો ઉંદર ઉતાવળિયા,
આજે પડશે મજા, ભરો કોળિયા.'
ઉંદર ઉતાવળિયાના તો હવે રામ રમી જવાના. સાપ તેનો કોળિયો કરવા માટે તૈયાર જ છે. ઉંદર તો આજીજી કરવા લાગ્યો, 'મને માફ કરો સાપજી
હું તો...
ભૂલમાં પડયો આપના દરમાં,
મારું તો ક્યાં ચાલે છે ઘરમાં?'
ખૂબ જ ખાઈને સૂતા સાપે ઉંદરને જવા દીધો. ઢીલા મોઢે ઉંદરભાઈ તો આવ્યા દરની બહાર. દરની બહાર પોપટ, ચકલા અને બીજાં પક્ષીઓ તેની રાહ જોઈને બેઠા હતાં. એમને તો એમ જ કે આજે તો ઉંદરના રામ રમી જવાના, પરંતુ ઉંદરને જોઈ તેઓ તો ચોંકી ઉઠયાં. ઉંદરને કાબરબેન પૂછવા લાગ્યાં, 'ઉંદરભાઈ, કેમ છો?' ત્યાં તો પોપટ બોલ્યો, 'ઉંદરભાઈ ના બોલશો. ઉંદર ઉતાવળિયા કહો.'
ઉંદરભાઈ બધાની માફી માગવા લાગ્યાં અને કહેવા લાગ્યા, 'મને ઉતાવળિયો કહેવાનું રહેવા દો. હું તો બસ ઉંદર છું. તમે બધા પણ મને માફ કરો. મેં તમને બહુ હેરાન કર્યા છે.આ ખેડૂતના પાકને ઘણું નુકસાન પહોંચાડયું છે. આજથી હું આ ખેતર છોડી અને અહીંથી ચાલ્યો જઈશ. કોઈને નુકસાન ન પહોંચે તેવી રીતે મારો ખોરાક શોધીને જીવી લઈશ અને ઉતાવળ પણ છોડી દઈશ.'
બધાં પક્ષીઓ એકસાથે બોલ્યાં, 'વાહ, ઉંદરભાઈ, વાહ...'