21મી સદીનો કાગડો .
- કાગડાએ જોયું કે એક બાળક ખૂબ જ તોફાની અને મસ્તીખોર હતો. કાગડો તો મનમાં કંઈક યુક્તિ વિચારતો વિચારતો મંદ મંદ હસવા લાગ્યો.
- કનુજી કેશાજી ઠાકોર 'કનકસિંહ'
મિ ત્રો, તમે પહેલાં અને બીજા કાગડાની વાત સાંભળી હશે. પહેલો કાગડો કાંકરા નાખી પાણી પીવે છે. બીજો આધુનિક કાગડો સ્ટ્રોથી પાણી પીવે છે. આજે તમને ત્રીજા કાગડાની એટલે ૨૧મી સદીનાં આધુનિક કાગડાની વાત કરવી છે.
એક હતો કાગડો. તેને ખૂબ જ તરસ લાગી હતી. ઉનાળાની તુ હતી. આકાશમાથી અસહ્ય ગરમી પડતી હતી. પાણી વગર કાગડાનો જીવ જાય તેવી હાલત હતી. એણે આજુબાજુ ગામમાં પાણીની શોધ કરી, પણ ક્યાંય તળાવ, સરોવર કે કૂવો ના દેખાયો. હવે પાણી વિના શું કરવું? કાગડો વિચારતો હતો
અચાનક કાગડાની નજર એક ઝૂંપડી પર પડી. ઝુંપડી પાસે જ માટીનું માટલું હતું. કાગડો પાણીના માટલાને જોઈ ખૂબ રાજી થયો. માટલા પાસે આવી કાગડાએ જોયું તો પાણી માટલાંમાં ખૂબ ઊંડું હતું. કાગડાની ચાંચ પણ પહોંચતી નહોતી. કાગડો ઉદાસ થઈ ગયો. શું કરવું? સામે બે-ત્રણ બાળકો રમતાં હતાં. કાગડાએ જોયું કે એક બાળક ખૂબ જ તોફાની અને મસ્તીખોર હતો. કાગડો તો મનમાં કંઈક યુક્તિ વિચારતો વિચારતો મંદ મંદ હસવા લાગ્યો.
કાગડાએ ધીમે રહીને પેલા તોફાની છોકરાના માથા પર ચાંચ મારીને માટલાં પર જઇને બેસી ગયો. છોકરો ગુસ્સે થયો. તેણે પથ્થર લઈ કાગડા પર ઘા કર્યો, પણ કાગડો ઊડી ગયો. ફરીવાર કાગડાએ એ જ છોકરાને માથા પર ચાંચ મારીને માટલાની પાસે બેસી ગયો. આ વખતે છોકરો ખરેખર ખૂબ રોષે ભરાયો. હાથમા બે-ચાર પથ્થરો લીધા અને કાગડા પર ઘા કર્યા. કાગડો ઊડી ગયો, પણ માટીનું માટલું ફૂટી ગયું
કાગડો તરત પાછો આવ્યો. તરત ફૂટી ગયેલા માટલામાંથી પાણી વહેતું હતું. કાગડો તે પીવા લાગ્યો. પછી મરક મરક હસતો હસતો ઊડી ગયો!
છેને એકવીસમી સદીનો સ્માર્ટ કાગડો!