મોબાઈલને લીધે પત્રલેખનની કળા લુપ્ત થાય છે?
- લોકો હવે લેખનની કળા ભૂલતાં જાય છે
- વિચાર વિહાર : યાસીન દલાલ
- પત્રો હૃદયની અત્યંત નાજુક ઊર્મિઓ વ્યક્ત કરવાનું માધ્યમ છે. આજે એને બદલે ઇન્ટરનેટ ચેટિંગ થાય છે. પણ ટેલિફોન કે ઇન્ટરનેટ પત્રવ્યવહારનું સ્થાન કદી લઈ શકે નહીં.
અત્યારે મોબાઈલનો જમાનો છે એની સાથે સાથે મોબાઈલની પરીભાષા પણ આવી ગઈ છે. ફેઈસબુક, ટ્વીટર, બ્લોગ, જીબી, મેમરી, એમ.પી.-૩ ઉપરાંત મોબાઈલમાં ઓડીયો રેકોર્ડીંગ અને વીડિયો રેકોર્ડીંગ પણ થાય છે. એસ.એમ.એસ. અને એમ.એમ.એસ.થી પણ વાતચીત થઈ શકે છે. લોકો વાતવાતમાં એસ.એમ.એસ. મોકલતા થઈ ગયા છે. જુદી જુદી મોબાઈલ કંપનીઓ એસ.એમ.એસ. માટે જુદી જુદી સ્કીમો કાઢે છે. કોઈ કંપની ૩૦ રૂા.માં મહિને ત્રણ હજાર એસ.એમ.એસ. આપે છે તો વળી કોઈ કંપની ૩૪ રૂા.માં ત્રણસો એસ.એમ.એસ. આપે છે. કેટલાક હરખઘેલા લોકોને આટલાથી પણ સંતોષ નથી થતો એટલે દરરોજ મોબાઈલ હાથમાં રાખીને આંગળીથી એસ.એમ.એસ. કરતા જ રહે છે.
પરીણામે લોકો હવે લેખનની કળા ભૂલતાં જાય છે. કોમ્યુનિકેશનની આખી તરાહ બદલી ગઈ છે. ઘણા લોકોને એમ લાગે છે કે પત્રલેખનમાં જે ઉષ્મા અને લાગણી હતી તે મોબાઈલમાં નથી. મોબાઈલના ગેરલાભ પણ છે. એમાં તરત સામેની વ્યક્તિનો નંબર અને નામ પણ આવી જાય છે. પરિણામે લોકો અણગમતી વ્યક્તિના ફોન ઉપાડતા જ નથી. એ લોકો એટલું નથી વિચારતા કે ફોન કરનાર વ્યક્તિના બદલે સામેના છેડાથી વ્યક્તિનું પણ કામ હોઈ શકે છે. મોબાઈલમાં સાયલન્ટ મોડ હોવા છતાં કેટલાક લોકો ફોનને સ્વીચ ઓફ કરી દે છે. એ લોકો વિચારતા નથી કે એમનું કોઈ સ્વજન માંદુ પડયું હોય કે અવસાન પામ્યું હોય તો એના સમાચાર એમના સુધી કોણ પહોંચાડે?
એકવાર ટેલિફોન બહુ ઓછા ઘરમાં જેવા મળતા જે ઘરમાં ટેલિફોન હોય એ ઘર બહુ સમૃદ્ધ ગણાતું. બહારગામ ટેલિફોન કરવો હોય તો પોસ્ટ ઓફિસમાં જવું પડતું. આજે ટેલિફોન પ્રમાણમાં ખૂબ સસ્તા અને વ્યાપક બની ગયા છે.
આ ટેલિફોન ક્રાંતિનાં સારાં પરિણામ આવ્યાં છે, તેમજ કેટલાક દુઃખદ પરિણામ આવ્યાં છે. અગાઉ કહ્યું તેમ આજે પત્રલેખનની ટેવ તદ્ન ઘટી ગઈ છે. એક જમાનો એવો હતો કે જ્યારે મહાપુરુષોના પત્રોનો સંગ્રહ થતો અને પાછળથી એનું પુસ્તક પણ થતું. ગાંધી, નહેરૂ, જયપ્રકાશ નારાયણ જેવા નેતાઓ દરેક પત્રનો જવાબ લખતાં. જેલમાંથી નહેરૂએ ઇંદિરા ગાંધીને લખેલા પત્રોનો એ સંગ્રહ પ્રગટ થયો છે. આ બધા પત્રોનું આજે દસ્તાવેજી મૂલ્ય છે. એમાં કેટલાક પત્રોમાં તો ઈતિહાસની અવિસ્મરણીય સામગ્રી સચવાયેલી પડી છે. વિશ્વના ઘણાં મહાન નેતાઓના પત્રો લંડનની ઇન્ડિયન લાઈબ્રેરીમાં આજે પણ સચવાયેલા પડયા છે.
પત્રો લખવાની ટેવમાંથી પત્રમૈત્રીનો શોખ એક જમાનામાં દુનિયાના બધા જ દેશોમાં ફેલાયેલો હતો. એમાંથી કેટલાક લોકોએ પ્રેમમાં પડીને લગ્ન પણ કર્યા છે. કેટલાક કિસ્સા એવા છે કે બે મિત્રો દૂરદૂરના દેશમાં રહેતા હોય, એમની વચ્ચે પત્રમૈત્રી બંધાય. વર્ષો સુધી ચાલે પણ બેમાંથી કોઈ એકબીજાને કદી મળ્યા ન હોય. આવો એક કિસ્સો જાણવા જેવો છે. દિલ્હીમાં રહેતા રાજીવ સેન એક વખત અમેરિકામાં રહેતા માર્ટિનને પત્ર લખ્યો. રાજીવને હોલીવુડની ફિલ્મોનો શોખ હતો. એ વીડિયો ફિલ્મ ઉપર એક સામાયિક બહાર પાડતો હતો. એમાં કેટલીક ફિલ્મોની માહિતી ખૂટતી હતા. જે મેળવવા માટે એણે માર્ટિનને પત્ર લખ્યો હતો. માર્ટિને પત્રનો જવાબ ન આપ્યો. પણ એના એક સાથીદાર ડેરિકને જવાબ આપવા જણાવ્યું. ડેરિકે બહુ ઉષ્માભર્યો જવાબ આપ્યો. એટલું જ નહીં, પત્રના અંતે એમ પણ લખ્યું કે તમને ફિલ્મો વિશે બહુ માહિતી જોઈતી હોય તો વિના સંકોચે જણાવશો. આમ બંને વચ્ચે પત્ર વ્યવહારનો એક સિલસિલો શરૂ થઈ ગયો. બંનેએ એકબીજાના શોખ જણાવ્યા. બંને વોલ્ટ ડિઝની, આલ્ફેડ હિચકોક, ડેવિડ લિનના ખાસ ચાહક હતા. એમને બંનેને ગમતી ફિલ્મો પણ એક જ હતી. બંને લેખક હતા. બંનેને સંગીતનો પણ શોખ હતો. સ્વભાવની સમાનતાને લીધે બંને એકબીજાના ગાઢ મિત્રો થઈ ગયા. બંને પરણેલા છે. આજદિન સુધી એકમેકને મળ્યા પણ નથી. બંનેએ નક્કી કર્યું કે એકબીજાના કુટુંબ નાના રાખવા અને એક બાળક સુધી મર્યાદિત રાખવા. બંને વહેમ અને અંધશ્રદ્ધામાં માનતા નથી, તેમ યુદ્ધમાં પણ માનતા નથી. બંને વ્યક્તિગત ગરિમા સ્વતંત્રતાને માન આપે છે.
કેટલાક મહાપુરુષો પણ એમણે લખેલા પ્રેમપત્રો બદલ ભારે વિવાદાસ્પદ બન્યા છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ એમિલિ નામના ઓસ્ટ્રિયાની યુવતીને ચાહતા હતા. એમણે એમિલિને કેટલાક યાદગાર પ્રેમપત્રો પણ લખ્યા હતા. સુભાષબાબુનું વિમાન અકસ્માતમાં અવસાન થયું. એ પછી એમિલિનું શું થયું એ જાણવાની એમના મિત્રોમાં ઉત્સુકતા હતા. સુભાષબાબુના મિત્ર નાથાલાલ એમિલિને મળવા ગયા ત્યારે એમને જાણવા મળ્યું કે એમિલિ એક ભારતીયને પરણી હતી. એટલું જ નહીં પણ હિન્દી સંસ્કૃતિ પણ અપનાવી હતી. ૧૯૯૧માં એમિલિનું ૮૫ વર્ષની ઉંમરે જર્મનીમાં અવસાન થયું. તેઓ મૃત્યુ સુધી નેતાજીની સ્મૃતિમાં જીવ્યાં હતાં.
સુભાષબાબુ અને એમિલિ વચ્ચે નિયમિત પત્રોની આપલે થઈ હતી. ૧૯૩૪થી ૧૯૮૨ વચ્ચે લખાયેલા ૧૬૨ પત્રો પુસ્તકરૂપે પ્રસિદ્ધ પણ થયા હતા. આઝાદ હિન્દ ફોજના વડા સુભાષબાબુનું આ પત્રોમાં એક બિલકુલ જુદું જ વ્યક્તિત્વ જોવા મળે છે. અહીં છે. અહીં સુભાષબાબુ કોઈ ફોજના વડા નહીં પણ એક અત્યંત ઊર્મિશીલ પ્રેમી તરીકે દેખાય છે. એલિમિ માંદી પડી અને હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું ત્યારે સુભાષબાબુએ અનેક પત્રો લખીને એની તબિયતની પૂછપરછ કરી હતી. એમિલિએ નાતાલ ઉપર એમને તસવીરોની એક કિતાબ ભેટ મોકલી હતી. એ બદલ એમણે એમિલિનો ખાસ આભાર માન્યો હતો. એમિલિએ બીમારીમાંથી કઈ દવા લેવી એનું માર્ગદર્શન પણ એમણે આપ્યું હતું. એમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું ત્યારે એના સમાચાર આપતા એમણે લખ્યું હતું કે ભારત એ વિશિષ્ટ દેશ છે. અહીં લોકો સત્તા માટે પૂજાતા નથી પણ સત્તા છોડી દે છે ત્યારે પૂજાય છે. મારું લાહોરમાં રાજીનામુ આપ્યા પછી જે સ્વાગત થયું તે હું પ્રમુખપદે હતો એનાં કરતા પણ વધુ જોરદાર હતું. સુભાષબાબુ આઝાદ હિન્દ ફોજના વડા તરીકે જેટલા ખડતલ હતા તેટલા જ અંગત જીવનમાં સંવેદનશીલ હતાં. એકવાર તો એમણે લખ્યું હતું કે, 'આ ભવમાં નહીં તો આવતા ભવમાં આપણે મળીશું તો ખરા જ. હું ભલે તારાથી દૂર પડયો હોઉ છતાં તું તો મારા સાનિધ્યમાં જ છે. તું ચિરકાળ મારા અંતરમાં જ નિવાસ કરી રહી છે.'
પત્રો હૃદયની અત્યંત નાજુક ઊર્મિઓ વ્યક્ત કરવાનું માધ્યમ છે. ટપાલની શોધ નહોતી થઈ ત્યારે એક જમાનામાં કબૂતર જેવા પંખીની ડોકમાં ચિઠ્ઠી લખી તરતી મૂકી દેવાતી. આજે એને બદલે ઇન્ટરનેટ ચેટિંગ થાય છે. પણ ટેલિફોન કે ઇન્ટરનેટ પત્રવ્યવહારનું સ્થાન કદી લઈ શકે નહીં.
પત્રલેખન પણ એક કળા છે. કેટલાક નેતાઓ અને સાહિત્યકારો ખૂબ લાંબા અને વિગતપૂર્ણ પત્રો લખતા હતા. આ પત્રો આજે એ જમાનાના ઐતિહાસિક દસ્તાવેજ જેવા બની ગયા છે. આજે જે કળા લગભગ અલિપ્ત થઈ રહી છે એને એક જમાનામાં બહુ મોટું મહત્વ આપવામાં આવતું. ટેલિફોનના વાયર નિર્જીવ હોય છે પણ પત્રના શબ્દો લાગણી અને ભાવથી ભરપૂર હોય છે. ગમે તેટલી સંદેશાવ્યવહારની નવી ટેકનિક શોધાય તો પણ એ કદી પત્રનું સ્થાન લઈ શકશે નહીં. કેટલાક સાહિત્યકારોએ લખેલા પત્રો એમની બીજી સાહિત્ય કૃતિઓ જેટલા જ ચિરંજીવ અને અમર છે. સંશોધનમાં પણ આ પત્રો ખૂબ ઉપયોગી બની રહે છે.
મોબાઈલ શબ્દ દરેક નાગરિકની જીભે ચડી ગયો છે. એ જમાનો મોબાઈલ ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિનો હતો. આપણે ટ્રન્કકોલ કરવા માટે પોસ્ટઓફિસ જતા અને કલાકો સુધી રાહ જોતા આજે ફક્ત બટન દબાવતા જ સામે છેડેથી અવાજ સાંભળવા મળે છે કારણ કે હવે કમ્યુનિકેશન ક્રાંતિ થઈ ગઈ છે. હવે તો ભારત બેઠાબેઠા અમેરિકા અને કેનેડા સુધી વાત કરી શકાય છે. બેંક એકાઉન્ટમાંથી ચોક્કસ રકમ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને અન્યને મોકલી શકે છે. ભારત રિઝર્વ બેન્કે પણ બેન્કોને મોબાઈલ ફોન પર બેન્કિંગ સેવાઓ પૂરી પાડવા માટે મંજૂરી આપી છે. વીજળી તેમજ સાક્ષરતાના નીચા સ્તર જેવી અડચણો હોવા છતાં મોબાઈલ ફોન અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પહોંચ્યો છે. ટેકનોલોજી અને નવી શોધોમાં સ્માર્ટ ફોન્સ એક એવી શોધ છે કે જેનાથી કોઈપણ બચીને નથી રહી શકતું. નાનાથી માંડીને મોટા સુધીના બધા જ લોકોના દિવસની શરૂઆત પણ સ્માર્ટ ફોનથી થાય છે અને દિવસનો અંત પણ સ્માર્ટફોનથી થાય છે.
આજની આ મોબાઈલ દુનિયાનું એક દુઃખદ સત્ય એ પણ છે કે આપણે ફોનમાંથી બહાર જ નથી આવતા અને લોકો એકબીજાથી અને પત્ર લેખનની કળાથી વધુ દૂર થઈ રહ્યા છે.