કચ્છના નાના રણમાં મોટું સરોવર બને?
- વિચાર વિહાર : યાસીન દલાલ
- આ સરોવરથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના પાણી વિનાના વિસ્તારોને કાયમી ધોરણે પાણી મળશે.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌથી આગવી સંસ્કૃતિ અને વાતાવરણ ધરાવતો કચ્છ જિલ્લો ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. સૌરાષ્ટ્રને કચ્છ સાથે જોડતો એ એક જ માર્ગ છે. અને આ માર્ગ હરકિયા કીર્ક પર આવેલો સૂરજબારી પૂલ છે. સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતી સૂરજબારી કીર્ક ઉપર ચાર પૂલ બન્યા છે. જેમાં સૌથી પહેલો પૂલ પચાસ વર્ષ પહેલાં બન્યો હતો. એ પછી રેલ્વેનો બીજો પૂલ બન્યો હાલ ત્રીજો પૂલ નવેસર બન્યો છે. પ્રથમ પૂલ ક્ષતિગ્રસ્ત હોવાથી વપરાશમાં લેવાતો નથી. લગભગ પાંચ દશકા અગાઉ બનેલા અને ક્ષતિગ્રસ્થ હોવાથી બિનઉપયોગી થઈ ગયા છે. એ બ્રીજ અને બીજા ત્રણ બ્રિજ સૂરજબારી ક્રિકમાં ભરતી ઓટ દરમિયાન આવતા જતા દરિયાના ખારા પાણી પર ઉભા છે. દરિયામાં ભરતી આળે ત્યારે બ્રિજના થાંભલાઓ વચ્ચેની પાણી વહેવાની જગ્યામાંથી ખારા પાણી ત્રણ હજાર કિલ્લોમિટર સુધી ફેલાય છે. જે સુરેન્દ્રનગરના પાટડી, ધ્રાંગધ્રા, હળવદથી છેક પાટણ સુધી પહોંચે છે. આ યોગ્ય વાત નથી.
યોગ્ય નિર્ણય જરૂરી પગલા લેવાયતો કચ્છનું નાનું રણ આખું મીઠા પાણીના સરોવરમાં ફેરવી શકાય અને એશિયાનું સૌથી મોટું રણ સરોવર બની શકે. કચ્છમાં બે રણ છે. એક મોટું અને બીજું નાનું મોટા રણમાં રેતી પથરાએલી છે. પરંતુ નાના રણમાં રેતી નથી. ત્યાં કાપવાળી ખારી જમીન છે. આખો વિસ્તાર એરપોર્ટના રન-વે જેવો સપાટ છે. ઉનાળામાં ત્યાં બસો કિલો મિટરના ઝડપથી વાહન ચાલે છે. માનવ વસાહત વગરની હજારો કિલો મિટર જમીનમાં સૂકીભઠ્ઠ અને બંજર છે. આ નાનું રણ અંદાજે બાર લાખ એકર જમીનમાં પથરાયેલું છે. અમદાવાદથી એકસોત્રીસ કિલો મિટર અને ભૂજથી એકસો છપન કિલોમિટર દૂર આવેલા નાના રણમાં પાણી ભરાય ત્યારે ચાલીસ એકરથી માંડીને ચાર હજાર એકરના ૭૫થી વધુ બેટ બને છે.
લગભગ ૪૦ ટકા વિસ્તારમાં ગાંડા બાવળનું સામ્રાજય છે. ૭૪ પૈકીના એક જ બેટ ઉપર માનવ વસાહત તેમજ ખેતર છે. સરકારે કચ્છના નાના રણને જાન્યુઆરી ૭૩માં ઘૂડખર અભ્યારણ જાહેર કર્યું છે. ભારત સિવાય કયાય જોવા ન મળે તેવું આ અભયારણ્ય છે. તેથી એની મુલાકાતે ઘણા પ્રવાસી આવે છે. આ ઉપરાંત બીજા બે પાસા મહત્વના છે. એક છે મચ્છીમારી બીજું છે મીઠું પકવાનો ઉદ્યોગ છે. આ બન્ને ઉદ્યોગ ખારા પાણી સાથે સંકળાયેલા છે. આપણને થાય કે રણમાં પાણી કયાંથી? તો જવાબ એ છે કે, ૧૨ લાખ એકરના પથરાયેલું નાનુંરણ નવથી વધુ જિલ્લાઓને સ્પર્શે છે. આ જિલ્લાઓમાં મોટી નદીઓ જેવી કે બનાસ સરસ્વતી, રૂપેણ, કંકાવટી, બાભણી, મચ્છુ, ચંદ્રભાગા, ઉપરાંત મુખ્યત્વે અગિયાર નદીઓ ઉપરાંત નાની મોટી એકસો દસ નદીઓ વોંકળા ચોમાસામાં ઉભરાય ત્યારે તેના પાણી કચ્છમાં નાના રણમાં ભેગા થાય છે. એક ડઝન જેટલી મોટી અને એકસો દસ જેટલી નાની નદીઓ ઠલવાઈ છે. પરિણામે ચોમાસામાં નાનો રણ ત્રણથી પાંચ ફૂટ મીઠું પાણી ભરેલું સરોવર બની જાય છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કાળુ થઈ જાય છે. ચોમાસામાં દરિયાના ખારા પાણીનું ભેળસેળ થઈ જાય છે.
કચ્છ સૌરાષ્ટ્રને જોડતા બ્રિજ જેના પર બન્યા એ સૂરજબારી પાસેની હરકિયા ક્રિકમાંથી હાઈટાઈડ વખતે બમણી માત્રામાં દરિયાનું ખારૂં પાણી મીઠા પાણીમાં ભળી જાય છે. આને લીધે ખારા અને મીઠા પાણીના સંગમથી દસ હજાર ટન જથ્થામાં મચ્છીમારી થાય છે. હાઈટાઈડ દરમિયાન કચ્છના નાના રણમાં આવતા ખારા પાણીના પ્રવાહથી અહીં મીઠા ઉદ્યોગ પણ સારો એવો વિકસ્યો છે. લગભગ પચાસ હજાર અગરીયા અહી મજૂરી કરીને ૨૮ લાખ ટન મીઠું પકવે છે. આ જથ્થો ગુજરાતના કુલ મીઠા ઉત્પાદન કરતા ૩૧% અને દેશ કુલ ઉત્પાદન કરતા ૨૧% થાય છે.
ચોમાસામાં નાનું રણ પાણીથી છલકાઈ જાય ત્યારે ઘૂડખરોએ પોતાના અસ્તિત્વ માટે કેવી મથામણ કરવી પડે છે. નાના રણની સૂકી કાંપવાળી જમીન જેમ જેમ ગળાડૂબ થાય તેમ તેમ આ બેટપર સ્થળાંતર કરીને જીવન ટકાવી રાખે છે. કચ્છના અખાતનું ખારૂં પાણી હરકિયા ક્રિકમાંથી સૂરજબારી પૂલના પિલર્સ વચ્ચેની જગ્યામાંથી ધસી આવીને નાના રણમાં એકઠા થયેલા મીઠા પાણીને ખારૂં બનાવે છે. દરિયાના ખારા પાણીને કચ્છના નાના રણમાં પ્રવેશતું રોકવા માટે પિલર્સ વચ્ચેના નાળા બંધ કરવામાં આળે તો કચ્છના અખાતનું ખારૂં પાણી રણમાં પ્રવેશતું અટકે અને નાના રણમાં સંગ્રહ થયેલું મીઠું પાણી દરિયામાં ભરાતું અટકે અને વિશાળ મીઠાપાણીના સરોવરની રચના થશે. આમ દરિયાના ખારા પાણીને કચ્છના રણમાં ઘુસપેઠ કરતું રોકવામાં આવે તો કેટલી બધી વસ્તુઓ બને. સૂરજબારી પૂલ ઉપર અત્યારે ચાર પૂલ છે. અત્યારે પહેલો પૂલ ઉપયોગ વગરનો પડયો છે. આ પૂલની નીચેના બે પૂલ વચ્ચેની જગ્યામાંથી હાઈટાઈડ વખતે નાના રણમાં દરિયાનું ખારૂં પાણી ૫૦-૬૦ કિલો મિટર સુધી ઘુસે છે અને ચોમાસામાં એકઠા થયેલા મીઠા પાણીને પણ નકામું બનાવી દે છે. આ ખામી દૂર કરવા બે પિલર વચ્ચેની જગ્યા ભરી દઈને દિવાલ બનાવી દઈએ એટલે આડબંધ તૈયાર થઈ જાય. સૂરજબારીના આ બિનઉપયોગી બ્રિજને આડબંધ બનાવવો એ બધું સમય અને ખર્ચ પણ માગી લે તેમ નથી એક વરસથી ઓછા સમયગાળામાં આ કામ ૫૦-૧૦૦ કરોડમાં પુરૂ થઈ જાય એમનો એક છેડો કચ્છમાં અને બીજો છેડો સૌરાષ્ટ્રમાં આવે. આવાત કોઈ તરંગતુક્કા જેવી નથી પણ સરળ, સચોટ અને સમાજ ઉપયોગી છે.
સામાન્ય રીતે આડબંધ નાની સાઈઝ હોય છે અને એ બનાવવો પડે છે. જયારે અહીતો એ સૂરજબારીના બિન ઉપયોગી પૂલ તૈયાર મળે છે. માત્ર તેના પિલર વચ્ચેની જગ્યા પૂરી દેવી પડે. કચ્છનો નાના રણનો વિસ્તાર એકદમ સપાટ હોવાથી દરેક ચોમાસે અહી એક ડઝન મોટી નદી અને ૧૧૦ જેટલી નાની નદી અને વોકળાનું પાણી ૪ હજાર ૯૦૦ કિલો મિટરમાં પથરાયેલું મીઠા પાણીનું સરોવર કાયમી ધોરણે બની જાય. વિસ્તારની દ્રષ્ટિએ આ સરોવર એશિયાનું સૌથી મોટું રણ સરોવર હશે. રાજકોટથી વેરાવળ અને રાજકોટથી વિરમગામ જેટલું મોટું સરોવર ગુજરાતને મળે. જે નળ સરોવર કરતા ૩૦ ગણું મોટું હોય. બાયધ-વે આ પાણીનો જથ્થો નર્મદા ડેમ જેટલો હશે. આ સરોવરનો સૌથી મોટું પ્લસ પોઈંટ એ છે કે કુદરતી રીતે સપાટ રકાબી જેવા આકારમાં ૪૯૦૦ સ્કવેર કિલોમિટર જેટલો વિસ્તાર માનવ વસાહત વગરનો છે. અહી ડુબમાં કયાંય કોઈ જમીન જવાની નથી. બહુ ઓછા ખર્ચે આ કામ થવાનું છે. બીજું અહી કોઈ જાતની કુદરતી આફત આવવાની નથી. ઈકોલોઝિ મુજબ પણ આજે ચારથી પાંચ સુધી વરસાદનું પાણી ભરાય છે. અને બાકી સમયમાં રણ એકદમ સુકુ હોય છે.
કચ્છનું નાનું રણ એકદમ સપાટ એરપોર્ટના રનવે જેવું હોય છે. અમુક જગ્યાએ ૭૫ વધુ નાની મોટી હાઈટ ધરાવત્તી ટેકરીઓ છે. જે ચોમાસા દરમ્યાન બેટ બની જાય છે. ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ અનેં મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટીટયૂટે પોતાના રિપોર્ટમાં આ વાતનો ઉલેખ કર્યો નથી. તેમણે તાકીદ જરૂર કરી છે કે રણને સરોવરમાં તબદિલ કરવું એ બહુ મોટી વાત છે. મોટામાં મોટો ફાયદો એ છે કે, એનાથી એશિયાનું સૌથી મોટું સરોવર ગુજરાતમાં બનશે. બીજો ફાયદો એ છે કે લાખો હેકટર બંજર જમીનનું ઉપજાઉ જમીનમાં પરિવર્નત થશે. બહુ ઓછા ખર્ચમાં કુદરતી કેનાલ દ્વારા બારમાસી પાણી મળશે. ચોથો ફાયદો એ છે કે આ સરોવરથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના પાણી વિનાના વિસ્તારોને કાયમી ધોરણે પાણી મળશે. પાંચમો ફાયદો એ છે કે અહીં એગ્રોબેયઝ ઉદ્યોગ વિકસે લાખો હેકટર જમીનની માર્કેટ વેલ્યુમાં પાંચથી દસ ગણો વધારો થશે. મચ્છી ઉદ્યોગને બહુ મોટો ફાયદો થાય. મીઠા પાણીનો સંગ્રહ થાય ઈકોટુરિઝમને રોજગાર મળે. પર્યાવરણને અને પ્રકૃતિને ફાયદો થાય. પશુપાલન અને ડેરી ઉદ્યોગને પણ ફાયદો મળે. સૌરાષ્ટ્ર કચ્છ ને ઉત્તર ગુજરાતને ખારા પાણીમાંથી મુક્તિ મળે.
એક વધુ ફાયદો એ છે આ કામમાં સોલાર એનર્જિ મળી રહે છે. હાઈટેમ્પ્રેચર મળે છે. સોલાર પાવરમાં એક મેગાવોટ ઉત્પન કરવા પાંચ એકર જેટલી જમીનની જરૂરયાત રહે છે. આનો અર્થ એ થયો કે ખૂબ જ મોટી વિસ્તારવાળી જમીન આમાં જોઈએ છે. ગુજરાત ઓદ્યોગિક રાજય હોવાથી નવા ઉદ્યોગો આવશે. સૌથી પછાત અને આવક વાળા હજારો લોકોને નવી રોજગારી મળશે. આ ઉપરાંત પવન ચક્કીથી ચાલતો ઉદ્યોગ સ્થાપી શકાશે. પવન ચક્કીના ઉદ્યોગમાં એક મશીન માટે ૬થી ૭ એકર જમીન જોઈએ. જે મળી રહેશે. કોઈ મોટા વિસ્તારને કુદરતી લાભ મળે ત્યારે આખો વિસ્તાર વાઈબ્રન્ટ બની જાય. નવા રોડ રસ્તા તેમજ નવી જી.ઈ.બી. લાઈનો મળી રહેશે.
મતલબ કે આ કોઈ હવાઈટૂચકો નથી પણ ગુજરાતને વિશ્વભરમાં ઈનોવેટિવ અને આદર્શ યોજના તરીકે ટેકનિકલ તેમજ બીજી રીતે અનિવાર્ય છે. પાણીનો પ્રશ્ન આખા ગુજરાતમાં પેચદો છે. આથી આ ગંભીર સમસ્યા છે. અને એના ઉકેલ માટે આપણે સૌ વહેલીતકે જાગીએ તે અતિ જરૂરી છે.