ખાનપાનની આરોગ્યપ્રદ ટેવો કઈ ?
- વિચાર વિહાર-યાસીન દલાલ
- બીજા વિશ્વયુધ્ધ પછી નોર્વેમાં એકાએક હૃદયરોગનું પ્રમાણ ઘટી ગયું એનું કારણ શોધવા માટે સંશોધન થયું, ત્યારે ખબર પડી કે યુધ્ધને લીધે માખણ અને માંસની મોટી અછત સર્જાઈ એને લીધે હૃદયરોગના કિસ્સા ઘટી ગયા છે!
માણસે શું ખાવું જોઈએ અને શું પીવું જોઈએ એ બાબતમાં આજે માણસ જેટલો જાગૃત થયો છે એટલો ભૂતકાળમાં કદી નહીં થયો હોય. એક તરફ સખત ઉપવાસ, મિતાહાર અને પરેજીની બોલબાલા છે તો બીજી બાજું ખાવ, પીવો એને મોજ કરવાની ફિલ્સુફી પણ પ્રચલિત છે.
આપણાં શહેરોના નવધનિક શિક્ષિત વર્ગમાં નવી જીવનશૈલી વિકસી છે. સાંજે દિવસની ઘટમાળ પૂરી થાય એટલે કયાંક બહાર જમવા નિકળી જવું પહેલા શહેરની હોટલોમાં લોકો જમા થતા હતા હવે શહેરની ભાગોળે આવેલી મોટેલોમાં ભીડ જામે છે. હોટલમાંથી મોટલ આવી, એ પછી વોટર પાર્ક શરૂ થયા, અને હવે હોલીડે રિસોર્ટ તથા ફાર્મ હાઉસની ફેશન ચાલી છે. મબલખ નાણું એકઠું થાય, પછી હાઈવે પરના ફાર્મ હાઉસમાં એ ઠલવાય છે.
સૌરાષ્ટ્રમાં વાડીઓની બોલબાલા છે. પંજાબી શબ્દ 'ધાબા' હવે ગુજરાતમાં પણ માન્ય થઈ ચૂકયો છે. મોડી રાત સુધી લોકો મોટલથી વાડીના ચક્કર લગાવતા રહે છે. એક જમાનામાં આપણા ગામો અને શહેરોમાં દાળ - ભાતની થાળી પીરસતી લોજની બોલબાલા હતી એની જગ્યાએ હવે હાઈવે પર આવેલી મોટલોમાં પણ કન્ટીનેન્ટલ ફૂડની વાનગીઓ દર્શાવતા છાપેલા મેનુ કાર્ડ આવી ગયા છે.
પંજાબી વાનગીઓ અને છોલે ભતુરે કે દમ આલુ તો કયારના મોટા શહેરોમાં લોકપ્રિય હતા પણ હવે હાઈવેની હોટલ પણ દેશી ફૂલકાની જગ્યાએ પંજાબી પરાઠા પીરસવા માંડી છે. કોલેજિયનો હવે પીઝા અને બર્ગર શબ્દથી પરિચિત થઈ ગયા છે. લોકો ફુરસદ હોય ત્યારે ઘરમાં બેસીને વાંચવાને બદલે બદલે બહાર ખાવાપીવા નીકળી પડે છે. મોંઘીદાટ હોટલોમાં પણ મફત ખાવાનું મળતું હોય એમ લોકો લાઈન લગાવે છે. જીંદગી જાણે ખાવા માટે જ હોય એમ ડાઈનિંગ ટેબલ પર બેસીને કોને શું ખાવું છે એ નક્કી કરવામાં કલાક નીકળી જાય છે.
ગુજરાતમાં સીંગતેલનું મોટુ રાજકારણ છે અને તેલીયા રાજાઓની મોટી લોબી છે. પણ, આરોગ્યશાસ્ત્ર કહે છે કે તળેલી ચીજવસ્તુઓ તબિયત બગાડે છે, અને ચરબી વધારે છે. કદાચ, એટલે જ ગુજરાતીઓ ૩૦-૪૦ની ઉંમરમાં શરીરે એકદમ બેડોળ અને ફાંદાવાળા થઈ જાય છે. સીંગતેલ હૃદયરોગનો શિકાર બનવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે. ખાદ્યતેલમાં હૃદયરોગનો ઓછામાં ઓછો ખરો હોય એવું તેલ કરડીનું તેલ છે. અંગ્રેજીમાં એને 'સેફલાવર' કહે છે.
મહારાષ્ટ્રના વિદર્ભમાં લોકો સીંગતેલને બદલે અળસી કે કરડીનું તેલ ખાય છે. એક જમાનામાં ગામડાની ઘાણીમાં તલનું તેલ તાજે તાજું મળતું હતું. કેરળમાં લોકો નાળિયેરીનું તેલ ખાવામાં વાપરે છે, પણ આપણે ગુજરાતીઓ સીંગતેલથી એટલા ટેવાઈ ગયા છીએ કે સૂર્યમુખી, કપાસિયા કે પામોલિવનું તેલ અહીં સ્વીકાર્ય બનતું જ નથી. એક જમાનામાં લોકો ઠાંસીઠાંસીને પેટ ભરવામાં માનતા હતાં.
આજે ડોકટરો કહે છે કે ભૂખ હોય એનાથી થોડું ઓછું ખાવામાં જ ડહાપણ છે. મોટા શહેરોમાં કામ કરતા બાબુસાહેબો બપોરે જમવાનું ટાળે છે, જેથી ખાધા પછી ઊંઘ ન ચડે અને કામ કરી શકાય. માનસિક આરોગ્ય કરતાં શારીરિક આરોગ્યની ચિંતા કરતો વર્ગ હવે વધી રહ્યો છે. દિવસમાં છાપું વાંચવા ન મળે કે કોઈ સારૂં પુસ્તક ન વંચાય તો ચાલે, પણ ગાંઠીયા - ભજીયા કે પાઉભાજી ખાવા ન મળે તો જીવન મિથ્યા છે એવી ફિલસુફીમાં માનનારા લોકો પણ છે. અને ગમે તે મળે તો પણ ચાલશે એવા ખૂલ્લા મોઢાના માણસો પણ છે.
ચરબીવાળો ખોરાક નુકશાન કરે છે અને હૃદયરોગને નિમંત્રે છે એ વાતની ખબર માણસજાતને ખૂબ મોડી પડી. બીજા વિશ્વયુધ્ધ પછી નોર્વેમાં એકાએક હૃદયરોગનું પ્રમાણ ઘટી ગયું એનું કારણ શોધવા માટે સંશોધન થયું, ત્યારે ખબર પડી કે યુધ્ધને લીધે માખણ અને માંસની મોટી અછત સર્જાઈ એને લીધે હૃદયરોગના કિસ્સા ઘટી ગયા છે! એ પછી તો પશ્ચિમના દેશોમાં આ દિશામાં ખૂબ સંશોધનો થયા અને ત્યાં ખોરાકમાં મીઠું, ખાંડ અને ચટણી તથા વધુ પડતો દારૂ પીવાતો તે બધુ ઘટાડીને હૃદયરોગ પર કાબુ મેળવી લેવાયો. પરિણામે પશ્ચિમના દેશોમાં સરેરાશ આયુષ્યનો આંક ખૂબ જ ઊંચો ગયો છે. હવે તો ત્યાં લોકો ઘરમાં ચરબીનું પ્રમાણ કયાં કેટલું છે એ દર્શાવતા કોઠા રાખે છે, અને વધારાની કેલરી કાઢી નાખવા માટે શું કરવું જોઈએ એના નુસ્ખા અજમાવાય છે.
સતત સીડી ચડવાથી એક કલાકમાં ૯૦૦ કેલરી ઓછી થાય છે, અને સાડા આઠ કલાકમાં એક કીલો વજન ઘટી જાય છે. એ પછી દોડવાનો અને એ પછી તરવાનો નંબર આવે છે. તરવાની કસરતથી બાર કલાકે એક કીલો વજન ઘટે છે. અને એક કલાકમાં ૬૪૧ કેલરીનો નાશ થાય છે. સાયકલસવારીથી અને ચાલવાથી પણ કેલરીને બાળવામાં મદદ થાય છે. પણ એની ગતિ ત્યાં ધીમી હોય છે. ચાલવાથી ૩૦ કલાકે એક કીલોગ્રામ વજન ઘટે અને કલાકમાં ૨૫૬ કેલરી નાશ પામે એવો આંકડો સંશોધનતી મેળવાયો છે.
શું ખાવું અને શું પીવું એ વિષેના ખ્યાલો યુગોથી બદલાતા રહ્યાં છે. આરોગ્ય શાસ્ત્રમાં ઘણી બાબતો આજે પણ સાપેક્ષ રહી છે. જે આયુર્વેદમાં વર્જ્ય છે. એ એલોપેથીમાં માન્ય છે અને એલોપથીમાં માન્ય છે એ હોમિયોપેથીમાં વર્જ્ય છે. ગઈકાલે જે વસ્તુ ખોરાકમાં શ્રેષ્ઠ મનાતી હતી એ આજે નુકશાનકારક ગણાયું છે. એક જમાનામાં ચોખ્ખા ઘી - દૂધને લોકો આર્શીવાદ ગણતા હતા. આજે ઘી કોલેસ્ટોરલ પેદા કરવા માટે કારણભૂત મનાય છે.
હૃદયરોગથી બચવું હોય તો તેલ ઘી અને ચરબી યુક્ત આહારથી દૂર રહેવું જોઈએ, એમ ડોકટરો સલાહ આપે છે અમે હોસ્ટેલમાં રહેતાં ત્યારે વિદ્યાર્થીઓ શિયાળામાં કાચા ઈંડા ખાતા પણ, આધુનિક તબીબી વિજ્ઞાાન કહે છે કે કોલેસ્ટોરલનું સૌથી ઊંચું પ્રમાણ (૪૨૦) ઈંડાની પીળી જરદીમાં છે એ પછી મટન અને ચીકન આવે છે. પણ, લીવર અને બ્રેઈનમાં એનાથી અનેક ગણું કોલેસ્ટોરલ છે. માંસાહાર સિવાયના ખોરાકમાં સૌથી વધુ કોલેસ્ટોરલ આઈસ્ક્રીમમાં (૩૭૫) છે. એ પછીનું સ્થાન માખણનું છે. આમ, ઘી, માખણ આઇસ્ક્રીમ એ તંદુરસ્તી વધારનારા ખોરાકમાં આવતા નથી.
પશ્ચિમના લોકો ખોરાકની બાબતમાં વધુ પડતા સાવધ થઇ ગયા અને ચરબીયુકત આહારથી દૂર ભાગવા માંડયા, એનું એક માનસિક પરિણામ એ આવ્યું કે લોકો ખાવાપીવાની બાબતમાં અપરાધ ભાવ અનુભવવા લાગ્યા, પરિણામે એમનામાં હતાશા અને થાક વર્તાવા લાગ્યા. અમેરિકાની યુનિવર્સિટીના એક પ્રોફેસરએ પૂરવાર કર્યું કે ખાવાપીવાની બાબતમાં બહુ ચોખલીયા કે વેદીયા થવાની જરૂર નથી.
પ્રોફેસર કહે છે કે ચોકલેટ ખાવાથી પણ લોકો હવે ગભરાવા માંડયા છે, પણ ચોકલેટ ખાવાથી હતાશા દૂર થાય છે અને આનંદ મળે છે. એમનું કહેવું છે કે ચિંતા અને હતાશાની બાબતમાં ઘણું સંશોધન થયું છે, પણ આનંદ અને સુખ ક્યાંથી મળે એનું સંશોધન થતું નથી. દરરોજ છ કપ કોફીની પીવાથી ચેતના અને જાગૃતિ વધે છે.
આની સામે આપણી ભારતીય ઉપવાસ પરંપરાને આપણે ખાવાને બદલે ભૂખ્યા રહેવાનો મહિમા કર્યો છે. કેટલાંક ધર્મોની પરંપરા ઉપવાસ પર ભાર મૂકે છે, પણ તબીબી વિજ્ઞાાન કહે છે કે પેટ સતત ખોરાક કે પાણી વિના રહે તો એનાથી દાહ થાય છે અને એમાંથી એસિડિટી, અપચો અને મરડો થઇ શકે છે. હવે કુદરતી ઉપચાર પધ્ધતિ લોકપ્રિય થવા માંડી છે. જેમાં પરેજી રાખવી અને નિયમિત માફકસરનું ખાવા પર ભાર મૂકાય છે. દરરોજ ઉકાળા પીઓ, સુપ પીઓ અને તાજા શાકભાજી અને ફળ ખાવ તો આરોગ્ય સુધરે એમ કુદરતી પધ્ધતિના હિમાયતીઓ કહે છે.
મુંબઇના ડો. ચંદન કહે છે કે માણસના શરીર અને મગજ બન્નેને કસરતની જરૂર રહે છે. માણસે વધુ પડતું વિચારવાનું હોય, ત્યારે પણ એને ભૂખ લાગે છે, કેમ કે મગજ પણ ગુલકોઝ અને ઓક્સિજન ખાય છે. કેટલાક ડોકટરો કહે છે કે ભારતીય ખોરાક ખૂબ સંતુલિત ખોરાક છે. ખોરાકમાં ૫૦ ટકા પ્રમાણ કાર્બોહાઇડ્રેટનું હોવું જોઇએ. બાકીનું પ્રમાણ પ્રોટિન કે ચરબીનું હોય તો ચાલે. આપણી ખીચડી એ દ્રષ્ટિએ આદર્શ ખોરાક છે. દાળ અને ભાત એ ખોરાકની સમતુલા જાળવે છે. દક્ષિણ ભારતની ઇડલીમાં કાર્બોહાઇડ્રેટ છે, જ્યારે સંભારમાં પ્રોટિન અને ખનીજ દ્રવ્યો છે
ક્યો ખોરાક સારો ? સવારમાં નાસ્તો કરવો જોઇએ કે નહીં? બપોરે કેટલું ખાવું જોઇએ? આરોગ્ય વિભાગ કહે છે કે સવારે સૌથી વધુ અને રાત્રે સૌથી ઓછું ખાવું જોઇએ. પણ, આપણે મોટેભાગે એથી ઉલ્ટું જ કરતા હોઇએ છીએ!