Get The App

આપણે નાગરિક ધર્મ અપનાવવાની જરૂર છે

Updated: May 1st, 2021


Google NewsGoogle News
આપણે નાગરિક ધર્મ  અપનાવવાની જરૂર છે 1 - image


- વિચાર વિહાર-યાસીન દલાલ

- નાગરિક ધર્મ એટલે જે સારા નાગરિક બનાવે તે. એક જવાબદાર નાગરિકની ફરજોનો આમાં સમાવેશ થાય છે

માનવીના ઘડતરમાં ઘણાં પરિબળો કામ કરે છે. પણ એમાંથી કેટલાક પરિબળો વધુ મહત્વનાં છે. એક પરિબળ કુટુંબનું છે. માણસ જે કુટુંબમાં જન્મ્યો હોય એના ંસસ્કાર અને રીતરિવાજો એના સમગ્ર જીવન ઉપર છવાઈ જાય છે. અપવાદરૂપે કોઈક જ માણસ એમાંથી મુક્ત રહી શકે છે. એટલે જ આપણે કોઈ સાથે મૈત્રી કે પરિચય કેળવતાં પહેલાં એના કૌટુંબિક ઉછેરની જાણકારી મેળવી લઈએ છીએ.

બીજું પરિબળ શાળા કે કોલેજમાં એણે કેવી તાલીમ મેળવી એના ઉપર પણ રહે છે. આવું જ ત્રીજુ પરિબળ ધર્મ કે જ્ઞાાતિનું છે દરેક માનવીના વ્યક્તિત્વ ઉપર એના ધાર્મિક તેમ જ જ્ઞાાતિગત સંસ્કારો છવાયેલા હોય છે. માણસ સદીઓ પહેલાં આદિમાનવની કક્ષામાં હતો ત્યારે આ પરિબળોએ જ એને સભ્ય અને સંસ્કૃત બનાવવામાં મોટો ફાળો આપ્યો છે. એક સમયે યુરોપમાં ચર્ચનો પ્રભાવ પણ અત્યંત તીવ્ર હતો.

આ પરિબળોમાં સમય પર ફેરફારો થતા રહે છે. યુરોપના દેશોમાં અને આપણે ત્યાં પણ મહાનગરોમાં કુટુંબપ્રથા હવે તૂટવા લાગી છે. નવયુગલો મોટે ભાગે હવે સંયુક્ત કુટુંબથી જુદાં રહેવાનું જ પસંદ કરે છે. એવું જ ધર્મ અને જ્ઞાાતિનું છે. યુરોપમાં તો આ પરિબળે લગભગ વિદાય લીધી છે. કમનસીબે આપણા દેશમાં ધર્મ અને જ્ઞાાતિ ફરી એક વાર વધુને વધુ મજબૂત થઈ રહ્યાં છે.

ભારતીય સંસ્કૃતિમા ધારણ કરે એ ધર્મ એવી વ્યાખ્યા અપાઈ છે. અહીં ધર્મનો અર્થ કોઈ સંપ્રદાય નહીં પણ માણસની નૈતિક ફરજ થાય છે. જો એનું પાલન થતું હોય તો એની સામે વાંધો પણ નથી. પણ આપણા સંપ્રદાયો વધુ ને વધુ સંકીર્ણ થતાં જાય છે. ધર્મનો વિશાળ અર્થ ભૂલીને રીતરિવાજો અને ટીલા ટપકામાં આણે અટવાઈ ગયા છીએ.

વર્ષ પુરૂ થાય છે ત્યારે આપણે બધા નવા વર્ષની શુભેચ્છા એકબીજાને પાઠવીએ છીએ. પણ એ શુભેચ્છા હવે એક પરંપરા અને ઓપચારિકતા બનીને રહી ગઈ છે. એમાં અ બ ને શુભેચ્છા આપે ત્યારે સાચો અ અને સાચો બ કયાંક છૂપાયેલો હોય છે. જે દેખાય છે એ હકીકત નથી હોતી એ હકીકત હોય તો સમાજમાં કયાંય ઈર્ષ્યા દ્વેષ કે ખટપટ રહે જ નહીં. પણ એ રહે છે. એ બતાવે છે કે, આપણે એકબીજાને ભેટીએ છીએ તે માત્ર ઔપચારિકતા જ હોય છે. 

આપણને અત્યારે સાચી જરૂર નાગરિક ધર્મની છે. આખી દુનિયાએ અપનાવેલો ધર્મનો આ નવો પ્રકાર છે. નાગરિક ધર્મ એટલે જે સારા નાગરિક બનાવે તે. એક જવાબદાર નાગરિકની ફરજોનો આમાં સમાવેશ થાય છે. બે માણસો મળે ત્યારે કેમ વાતચીત કરવી ત્યારથી માંડીને રસ્તા ઉપર વાહન કેમ ચલાવવું એનો આમાં સમાવેશ થઈ જાય છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આપણને ત્યાં નાગરિક ધર્મમાં ઘણી ખામીઓ રહી ગયેલી દેખાશે.

આપણાં મોટા ભાગનાં મહાનગરો આજે જંગલમાં ફેરવાઈ ગયાં છે. વસ્તી ફાટફાટ થઈ રહી છે. એટલું જ નહીં પણ દરેક શહેર માણસની ભીડથી ઉભરાઈ રહ્યાં છે. ભીડની પણ શિસ્ત હોય છે. પણ આપણા રસ્તાઓ ઉપર એ પણ જોવા મળતી નથી. મોટા ભાગનાં શહેરોમાં રસ્તો કેમ ઓળંગવા એની કોઈ વ્યવસ્થા દેખાતી જ નથી.

પરિણામે વાહનોની ભીડમાં માણસ ગમે ત્યારે ગમે ત્યાંથી રસ્તો ઓળંગે છે. પરિણામે, એ ઘણી વાર વાહનની સાથે ભટકાઈ બેસે છે. આપણાં વાહનો પણ બેફામ ગતિથી મનફાવે તેમ દોડતાં હોય છે. ટ્રાફિક પોલીસ કાં તો હોતી જ નથી અને હોય છે તો એટલી અપૂરતી હોય છે કે ઊભા ઊબા તમાશો જોયા કરે છે.

પરિણામે, આપણા દેશમાં વસ્તીની દ્રષ્ટિએ વાહનોની સંખ્યા ઓછામાં ઓછી હોવા છતાં જીવલેણ અકસ્માતોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ હોય છે. દર વર્ષે દોઢથી બે લાખ માણસો આવા અકસ્માતમાં માર્યા જાય છે. એનાથી અનેકગણી  મોટી સંખ્યામાં મામસો અપંગ બને છે. આપણાં શહેરોમાં આંતરિક રસ્તા અને બે શહેરોને જોડતા રાજમાર્ગો પણ અત્યંત સાંકડા અને ભાંગેલા તૂટેલા હોય છે. એને પહોળા કરવા જોઈએ અને ભાંગેલા તુટેલા રસ્તા તાત્કાલિક રિપેર કરવા જોઈએ. પણ આમાંથી કાંઈ થતું નથી.

ઊલટું ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે કે નવા રસ્તા બનાવવાના હોય કે જૂના રિપેર કરવાના હોય એ પણ ખૂબ ટૂંકા સમયમાં ફરીથી એ જ અવસ્થામાં આવી જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં તો રસ્તાઓની સ્થિતિ અત્યંત ભયજનક છે. આપણને સામે રસ્તો ચોખ્ખો દેખાતો હોય પરિણામે આપણે ઝડપતી વાહન હંકારતાં હોઈએ ત્યારે અચાનક ચારથી છ ફૂટ ઊંડો ખાડો આવે અને વાહન ઊથલી પડે આવી તો લાખો ઘટનાઓ રોજ દેશમાં બનતી હશે પણ, તંત્ર એટલું નિંભર થઈ ગયું છે કે આવી ફરિયાદોને ગાંઠતું જ નથી. આમાં એક વાત આશ્વાસન રૂપ જરૂર છે. જો રાજયપાલ, મુખ્યપ્રધાન કે બીજા કોઈ પ્રધાન એ રસ્તેથી પસાર થવાના હોય તો રાતોરાત રસ્તો રિપેર થઈ જાય છે.

આપણાં મોટા ભાગનાં શહેરોમાં બહુમાળી ઈમારતોમાં સીડી ઉપર ચડીએ એટલે ચારેય બાજુ પાનની પિચકારીઓ મારેલી દેખાશે. ઉપરાંત ભાગ્યે જ કોઈ બિલ્ડિંગમાં સીડી ઉપર વીજળીનો બલ્બ જોવા મળશે. બિલ્ડિંગના રહેવાસીઓ કાં તો એનો ખર્ચ પણ ભોગવે એ માટે ઝઘડતા હશે. નહીં ઝઘડતા હોય તો બલ્બ ગણતરીની મિનિટોમાં ચોરાઈ જશે. કેટલીક બિલ્ડિંગોમાં ઉપર અત્યંત વૈભવી દુકાનો અને શોરૂમ જોવા મળશે આ બધી જવાબદારી લોકોની સામુહિક છે. પણ આવી સામુહિક જવાબદારીની ભાવના બહુ જ ઓછી જોવા મળે છે. 

રહેણાંક વિસ્તારોમાં પણ વધતા ઓછા અંશે આ જ સ્થિતિ જોવા મળે છે. લોકો ઘરનો કચરો એકઠો કરીને બાજુવાળાના ઘર પાસે ફેંકી આવે છે. મોટા ભાગનાં શહેરોમાં સુધરાઈ રસ્તા કે શેરી સાફ કરવાનું કામ જ કરતી નથી કેટલીક શેરીમાં મોટી કચરા ટોપલીઓ રાખવામાં આવે છે, પણ કચરો મોટે ભાગે એની બહાર ફેંકેલો હોય છે. અથવા તો નિયમિત સફાઈ નહીં હોવાને લીધે આખી કચરાટોપલી ભરાઈ જાય છે.

આપણે પશ્ચિમની સંસ્કૃતિથી એટલા પ્રભાવિત થયા છીએ કે ત્યાં કોઈ શોધ એને તરત જ દેશમાં લાવવી જોઈએ. પણ એ શોધનો ઉપયોગ કરતી વખતે એની સાથે જે શિસ્ત રાખવી જોઈએ એ  રાખતા નથી. કેટલાંક ગામમાં રસ્તા પહોળા થાય પણ રસ્તાની વચ્ચે ઉભેલા થાંભલા હાટાવતા નથી. પરિણામે એ થાંભલા સાથે વાહનો અથડાઈ જાય છે. અને અકસ્માત થાય છે. આપણા દેશમાં એ.સી. પ્રકારની વિજળી વપરાતી હોવાને કારણે વિજળીના થાંભલાને ખુલ્લા વાયર જીવલેણ નીકળે છે. યુરોપના મોટા ભાગના દેશોમાં આનાથી જુદી પદ્ધતિ હોવાથી સ્વિચબોર્ડમાં હાથ નાખવાથી કાંઈ થતું નથી. વિજળી વારંવાર રિસાઈ જવાના બનાવોથી તો આપણે રેવાઈ ગયા છીએ. 

સાત આઠ મિત્રો એકઠા થાય ત્યારે વાત કેમ કરવી તેમજ કોઈ સંસ્થાનું અધિવેશન મળે ત્યારે એનું સંચાલન કેમ કરવું એ પણ બેઠકમાં બેઠો હોઈએ એટલે આવી શિસ્ત જળવાતી નથી. એક માણસ બોલતો હોય ત્યારે વચ્ચે કોઈએ એને કાપીને દખલ ન કરવી જોઈએ એ માનવ સહજ શિસ્ત છે. એકવાર એક વ્યકિત આ શિસ્ત તોડે એટલે તરત બીજી વ્યકિત પણ કુદી પડે છે. અને પછી તો આખી બેઠક ઘોંઘાટમય થઈ જાય છે. આપણી સંસદ અને વિધાનસભાના સંચાલનના પણ ચોકકસ નિયમો હોય છે. પણ કમનસીબે આપણા લોકપ્રતિનિધિઓ એમાંથી કોઈ શિસ્ત પાળતા નથી. પરિણામે સતત ઘોંઘાટ અને શોરબકોર ચાલતો રહે છે. 

રસ્તા ઉપર કેમ ચાલવું, વાહન કેમ હંકારવું જાહેરમાં કેમ બોલવું એ બધામાં પણ એક પ્રકારની શિસ્તની અપેક્ષા રહે છે. વાહન ચાલકોએ સમજવું જોઈએ કે ચાલુ વાહને રસ્તા ઉપર થુંકાય નહીં. એમણે એ પણ સમજવું જોઈએ કે વાહનમાં હોર્ન માત્ર ઈમરજન્સી માટે હોય છે. ગમે ત્યારે ઘોંઘાટ કરવા માટે નહી. 

આજે આપણને સાચી જરૂર આવા નાગરિક ધર્મની છે. આપણા છાશવારે મોટા સરઘસો નીકળતાં રહે છે. અને ટ્રાફિકને નડતાં રહે છે. લોકો અંગત પ્રસંગોએ પોતાના ઘર પર મોટા મોટા લાઉડ સ્પીકર મૂકીને આખા વિસ્તારમાં ઘોંઘાટ કરતા રહે છે...... લોકોને ઉત્સવો મનાવવાની છૂટ છે, પણ એમણે જોવું જોઈએ કે એનાથી રસ્તા ઉપરની શાંતિમાં ખલેલ ન પહોંચે કયારેક આવા ઘોંઘાટના પ્રાસથી માંદા માણાસો થાકી જાય છે. ધર્મ એ માત્ર સાંપ્રાદાયિક ક્રિયાકાંટ નથી. એની સાથે નાગરિક ધર્મ પણ ભળે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું થાય માણસને ઘડનારા પરિબળો ઘણો છે. પણ વિજ્ઞાાને જે અવનવી શોધો કરી એ પછી નાગરિક ધર્મે નવું મહત્વ ધારણ કર્યુ છે. 

આપણી પ્રજા જુદા જુદા વાડાઓમાં વહેંચાયી છે. હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, શીખ ધર્મ એમ પ્રવાહ આગળ ચાલે છે. ઉપરથી આ બધાના અનેક પેટા સંપ્રદાયો છે. અને આ બધા સંપ્રદાયો પરસ્પર પ્રેમથી રહેવાને બદલે અંદર-અંદર ઝઘડે છે. નાગરિક ધર્મની કોઈ સીમા નથી અને કોઈ વાડા નથી. 

સરહદોને અતિક્રમીને એ સમગ્ર દેશને આવરી લે છે. આમ આપણે જો વાસ્તવમાં નાગરિક ધર્મ અપનાવીએ તો સ્વચ્છતા સહિત ઘણાખરા પ્રશ્નો આપોઆપ જ ઉકલી જાય.


Google NewsGoogle News