Get The App

આશાવાદ, નિરાશાવાદ અને વાસ્તવવાદ

Updated: Apr 24th, 2021


Google NewsGoogle News
આશાવાદ, નિરાશાવાદ અને વાસ્તવવાદ 1 - image


- વિચાર વિહાર-યાસીન દલાલ

- લોકશાહીની સાથે જ શાંતિમય સહઅસ્તિત્વનો સિધ્ધાંત આપોઆપ જોડાયો છે. પણ વાસ્તવમાં એ કયાંય દેખાય છે ખરો? 

આસપાસ બનતી ઘટનાઓ ઉપર નજર કરીએ તો કેવી પ્રતિક્રિયા આવે છે? આશાવાદી લોકો હંમેશાં સકારાત્મક પ્રતિક્રિયા આપે અને નિરાશાવાદી લોકો હંમેશા નકારાત્મક પ્રતિક્રિયા આપે, પણ આ બંને વચ્ચે એક પ્રતિક્રિયા છૂપાયેલી છે. એનું નામ છે વાસ્તવિક પ્રતિક્રિયા. આ વાસ્તવવાદ શું કહે છે? નિર્મમ અને તટસ્થ બનીને જોઈએ તો ચારે બાજુ નિરાશાજનક વાતાવરણ હતું અને છે. ગઈકાલે પણ નિરાશા જ હતી અને આજે પણ નિરાશા છે.

પછી આપણે આંખ આડા કાન કરીને કહીએ કે કંઈ લાખો નિરાશામાં અમર આશા છૂપાયેલી છે. તો એનો અર્થ નથી મતલબ કે બેમાની છે. મનુષ્ય ઈતિહાસ આખો યુધ્ધ અને હિંસાથી ભરેલો છે. ઈતિહાસમાં આપણને ભણાવવામાં આવે છે કે, મનુષ્ય પાંચ હજાર વરસથી સભ્ય અને સંસ્કૃત બની ગયો છે. પણ એમાં આધી હકીકત અને આધા ફસાના છે.

પ્રાચીન કાળમાં જયારે લોકશાહી નહોતી ત્યારે રાજા બાદશાહો શું કરતા? એકબીજા ઉપર હુમલા કરતા અને બળપૂર્વક પોતાનો વિસ્તાર વધારતાં ત્યારે બંદૂકો ન હોતી, તલવારથી કામ લેવાતું. યુધ્ધનાં મેદાનમાં હજારો લોકો તલવારથી ઘાયલ થઈને તરફડતા પડયા હોય, એમની ચીસો સાંભળનારૂં કોઈ ન હોય. પાણી પાણીના પોકારોથી મેદાન ગાજી ઉઠે પણ પાણીને બદલે ચારે તરફ લોહીનાં ખાબોચિયાં દેખાતા હોય.

જે રાજા વિજયી બને એ એનો ઉત્સવ માણે પછી પરાજિત રાજાની દીકરી સાથે જબરદસ્તીથી પરણે. વિજેતા અને પરાજિત કોઈના મર્યા ગયેલા સૈનિકોનો લેશમાત્ર રંજ ન હોય કે એમનાં કુટુંબનું શું થશે, એની ચિંતા પણ ન હોય, અકબર અને અશોક ઈતિહાસના અપવાદો છે. અશોકે આમ્રપાલીને પ્રાપ્ત કરવા ભીષણ યુધ્ધ છેડયું. વિજેતા બનીને એ આમ્રપાલીને મળે છે ત્યારે માનવીઓનું લોહી વહેવડાવ્યું.અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને એ બૌધ્ધ બનીને અહિંસાનો માર્ગ અપનાવે છે.

હવે આજની વાત કરીએ તો દુનિયાના મોટા ભાગના દેશોમાં લોકશાહી શાસન પ્રવર્તે છે. લોકશાહીની સાથે જ શાંતિમય સહઅસ્તિત્વનો સિધ્ધાંત આપોઆપ જોડાયો છે. પણ વાસ્તવમાં એ કયાંય દેખાય છે ખરો? 

સોફોકિલઝે સાચું જ કહ્યું છે કે વિશ્વમાં અનેક અજાયબીઓ ભરેલી છે પણ મનુષ્ય જેવી અજાયબી કોઈ નથી. આ અજાયબી માણસે પોતે જ સર્જી છે. મનુષ્ય ગમે એવો સભ્ય અને સંસ્કૃત હોવાનો દાવો કરે પણ એના બધાં લક્ષણો પશુ જેવાં છે.

નિત્સેએ સાચું જ કહ્યું હતું કે માણસ સ્વભાવથી તો ખરાબ જ છે પણ સમાજમાં રહેવા માટે એણે સારા બનાવાનો દંભ કરવો પડે છે. બેસતા વર્ષને દિવસે માણસ એકબીજા સાથે હાથ મિલાવે ત્યારે કેટલા માણસોના હાથમાં સાચો અને સ્વયંભૂ અને દેખાડો જ હોય છે.

મોટેભાગે તો આમાંય એક પ્રકારની યાંત્રિકતા અને દેખાડો જ હોય છે. તહેવારોમાં માણસ મળવા આવે ત્યારે એને સાકર ખવડાવવાનો રિવાજ છે. પણ એ સાકરની અંદર તો ભારોભાર કટુતા અને કડવાશ જ ભરેલા હોય છે. લાગણીનું ઉત્પાદન કોઈ લેબોરેટરીમાં થઈ શકતું નથી. હું ફલાણા માણસને ઓળખું છું. એ વાક્યમાં જ ખરેખર કોઈ ઓળખ નથી. માણસ જાતને ઓળખી શકયો નથી તો બીજા ને કેવી રીતે ઓળખશે? પતિ પત્નિ એકબીજા સાથે છૂટાછેડા લઈ શકે પણ લાગણીઓ અને ઉર્મિઓના છૂટાછેડા કોઈ અદાલતમાં નોંધાતા નથી. 

મહાભારત હજારો વર્ષો પહેલા લખાયું પણ આજે પણ કયાંક સૂક્ષ્મ રીતે અને કયાંક ખુલ્લી રીતે મહાભારત ચાલતું હોય છે.

પહેલાનાં યુધ્ધો તલવારતી લડાતાં અને એમાં બસો પાંચેસો માણસોની ખુવારી થતી હવે માણસે ખુવારીમાં પણ એટલી પ્રગતિ સાધી છે કે એક પછી એક વિક્રમો સ્થપાતા જાય છે. બે વિશ્વ યુધ્ધોમાં જ દોઢ કરોડ માણસો માર્યા ગયા. લાંબો વિચાર કરીએ તો ઈશ્વર ઉપરથી જ વિશ્વાસ ઊઠી જાય. મરનારાઓમાં સ્ત્રીઓ હતી, બાળકો હતાં, વૃધ્ધો હતા અને સાધુ સાધ્વીઓ પણ હતી. આ બધાએ શું ગુનો કર્યો હતો? યુનોની સ્થાપના પહેલા પણ એક વિશ્વ સંસ્થા હતી, જે વિશ્વયુધ્ધને રોકી શકી નહીં.

અત્યારના યુનોમાં પણ યુધ્ધ રોકવાની તાકાત નથી. વોલ્ટરે કહ્યું હતું કે, માનવજાત ઝૂકી, લૂચ્ચી, સ્વાથી અને પશુ જેવી ક્રૂર છે એ ઐતિહાસિક સત્ય છે. નિત્સે માનતો કે માણસ સભ્ય બન્યો ત્યારથી સમાજમાં સારા દેખાવા માટે એને સારા બનવું પડે છે, અંદરથી તો એ ખરાબ જ હોય છે. પણ અચાનક કોઈ આવી ચડે ત્યારે અચાનક જેન્ટલમેન બની જાય છે. સમાજમાં પણ ચારે બાજુ પાર્ટીઓ અને અધિવેશનો તેમજમેળાવડાઓ ચાલતા  રહે છે. માણસો એકબીજા સાથે હાથ મિલાવે છે અને ભેટે છે.

આ દેખાડાની પાછળ બંને માણસોના મનમાં તો ચતુરાઈ અન ેકપટ જ ચાલતા હોય છે. ંબને બિઝનેસમેન હોય તો વિચારે છે કે હું આના કરતા કેમ આગળ વધી જાઉં. બંને કર્મચારીઓ હોત તો વિચારે છે કે આને પાછળ રાખીને હું પ્રમોશન કેમ મેળવી લઉ જયાં જુઓ ત્યાં કાવાદાવા અને પ્રપંચ જ દેખાય છે. કેટલીક વાર તો માણસ કોઈ જાતના કારણ વિના બીજાની ઈર્ષા કરતો થઈ જાય છે. કારણ કે, પ્રકૃતિથી જ એ ઈર્ષાળુ છે. 

માણસ માણસ ઉપર વિશ્વાસ કરતો નથી. પણ એક અરબી કહેવત મુજબ તાળા-ચાવી ઉપર તાળું મારવાની જરૂર પડત ખરી ? સાચી વાત એ છે કે મનુષ્ય હજી સુધી સભ્ય અને સંસ્કૃત બન્યો જ નથી. લગ્નની પ્રથા કુદરતી નથી પણ માણસે બનાવી છે પણ લગ્નની પાછળ આડા સંબંધોનું સામ્રાજ્ય ચાલતું રહે છે. કેટલાક દંપતીઓ દામ્પત્ય જીવનમાં ખરેખર સુખી હોય છે. એ રહસ્ય સુક્ષ્મ દર્શક કાચથી પણ નહીં દેખાય પણ પરણ્યા એટલે પરાણે પડયું પાનું નિભાવી લેવું પડે છે. '' માણસ માત્રમાં સારાપણું અને માનવતા રહેલી છે.

એવી સંત-માન્યતા બિલકુલ સાચી નથી. એમ ભાગલા પછીની ઘટનાઓએ સાબિત કર્યુ છે. '' આ વાકય ખુશવંત સિંઘનું છે. એમણે કહ્યુ છે કે ભણેલા-ગણેલા સુખી વર્ગ માટે આઝાદી હશે. બાકી અમારે તો શું ? આજ સુધી આપણે અંગ્રેજોના ગુલામ હતા હવે પછી શિક્ષિત અને સુધી વર્ગના ગુલામ હશુ. કોઈ પણ આરોપી પોતાના ધર્મગ્રંથ ઉપર હાથ મુકીને સોગંદ ખાવાનું કહેવામાં આવે છે. ત્યારે ન્યાયધીશને એ પૂછે છે ''શું આપને ખાતરી છે કે અદાલતમાં રજૂ થનારા બધા આરોપી અને સાક્ષીઓ પોતપોતાના ધર્મગ્રંથ ઉપર હાથ મૂકીને જે સોગંદ ખાય છે એ સાચા હોય છે ? જો એમ હોય તો આ બધી પ્રક્રિયાની જરૂર જ શું છે ? ''

આ એક પ્રશ્નમાં આપણી સમગ્ર ન્યાય પદ્ધતિના ધજાગરા ઉડી જાય છે. અત્યારે દેશમાં ત્રણ કરોડ જેટલા કેસ પેન્ડિગ છે. બધા તહોમતદારો અને બચાવ પક્ષ તથા સાક્ષીઓ સોગંદ લઈને જ જુબાની આપે છે. જે દેશમાં ૯૯ ટકા લોકો ધાર્મિક હોય એ દેશમાં આટલા બધા કેસથી અદાલતો શા માટે ભરાઈ જાય છે ? અને બધા લોકો સાચું જ બોલતા હોય તો અદાલતોની જરૂર જ શી ? પણ એવું નથી. આપણા દેશમાં દુનિયામાં સૌથી વધુ સાક્ષીઓ હોસ્ટાઈલ જાહેર થાય છે. ધર્મગ્રંથ ઉપર સોગંદ ખાઈને જે લોકો ફરી જાય છે. એ ધર્મની ભારનાની હત્યા શું નથી કરતા ? 

આપણી મુશ્કેલીઓ હજી એની એ જ છે. માણસ આજે પણ છુપાવેશે આદિમાનવ જ છે બધાંના સમયમાં કે કૃષ્ણના સમયમાં માણસની જે સમસ્યાઓ હતી તે આજે પણ ઉભી જ છે. વર્તમાન સમયમાં ગાંધીજી જીવનભર લોકોને સત્ય અને અહિંસાનો ઉપદેશ આપતા રહ્યા ? કારણ કે લોકો અતિશય ખોટું બોલતા હતા અને વાતવાતમાં હિંસા કરતા હતા. ભગવાન બુધ્ધ અને મહાવીર જીવનભર લોકોને સચ્ચાઈનો ઉપદેશ આપી આપીને થાકી ગયા એમની જ જન્મભૂમિ બિહાર આજે માફિયાઓનું તથા ગુનેગારોનું સ્વર્ગ બની ગઈ છે. ત્યાં દરરોજ લૂંટ, ખુન તથા અપહરણ સામાન્ય બની ગયા છે. આ સમસ્યાઓ ગઈકાલે પણ વિદાય નહોતી થઈ, અને આજે પણ વિદાય નથી થઈ ઉપર ઉપરથી લીંપણ કરી દેવાથી સમસ્યાઓ ઉકેલી નથી જતી. 

આજે પણ મનુષ્ય ઉપરથી દેખાય છે તેવો ભીતર નથી હોતો બધે પ્રોટોકોલની બોલબાલા છે. મહેમાન આવે ત્યારે કેવી રીતે હાથ મિલાવવો, એમની સાથે કેવી રીતે વાત કરવી ત્યાંથી માંડીને હોટલમાં જમીએ ત્યારે ચમચી નીચે પડી જાય ત્યારે કેવી રીતે ઉપાડવી તથા જમવામાં શું શું ધ્યાન રાખવું એના કૃત્રિમ નિયમો આપણને બાળપણથી જ શીખડાવવામાં આવે છે. કયારે હસવું એ પણ કૃત્રિમબંધન બની ગયું છે. ચીનના માઓ-ત્સે-તુંગ કોઈ વિદેશી મહેમાન સામે હસે એટલે આખી દુનિયામાં ખળભળાટ ફેલાઈ જતો વિશ્વના રાજકીય વિશ્લેષકો એનું અર્થઘટન કરવામાં લાગી જતાં.  


Google NewsGoogle News