Get The App

સ્વર્ગ શું છે ? નરક શું છે ?

Updated: May 22nd, 2021


Google NewsGoogle News
સ્વર્ગ શું છે ? નરક શું છે ? 1 - image


- વિચાર  વિહાર- યાસીન દલાલ

- માર્ક ટ્વેઈને કહ્યું હતું, 'સ્વર્ગમાં પણ લાગવગથી પ્રવેશ મળે છે. જો ત્યાં ગુણદોષથી પ્રવેશ મળતો હોત તો માણસ બહાર રહી જાય'

બાળપણથી આપણે જે કેટલીક વસ્તુઓ વિશે સતત વાંચતા, સાંભળતા આવ્યા છીએ, એમાંની એક છે સ્વર્ગ અને નરકની. સ્વર્ગની વાત આવે એટલે આપોઆપ નરક તો આવી જ જાય. સ્વર્ગ અને નરકની કલ્પના પ્રથમ વાર કયા મનુષ્યે, કયા સમયે કરી એનું કોઈ ચોક્કસ સંશોધન કોઈએ કર્યું હોય તે ખ્યાલમાં નથી, પણ એક વિસ્મયજનક યોગાનુયોગરૂપે દુનિયાના લગભગ દરેક ધર્મમાં સ્વર્ગ ને નર્કની વાત ઉચ્ચારવામાં આવી છે અને એનાં વર્ણનો પણ આપવામાં આવ્યા છે. માણસ આમ કરે તો સ્વર્ગમાં જાય, અને આમ કરે તો નરકમાં જાય મતલબ કે માણસ નામના પ્રાણીની મનોવૈજ્ઞાાનિક નબળાઈ દરેક ધર્મ સંસ્થાપકો સારી રીતે જાણતા હતા અને એનો એમણે પુરેપૂરો લાભ લીધો. 

માર્ક ટ્વેઈને કહ્યું હતું, 'સ્વર્ગમાં પણ લાગવગથી પ્રવેશ મળે છે. જો ત્યાં ગુણદોષથી પ્રવેશ મળતો હોત તો માણસ બહાર રહી જાય. 'ડોન માર્કીસે કહ્યું છે, લોકોને ખબર જ નથી હોતી કે એમને શું જોઈએ છે? તદન નકામી વસ્તુ માટે માણસ નરકની યાતનામાંથી પસાર થવા તૈયાર થઈ જાય છે.'' માણસ જીવનભર, મૃત્યુ પછીની દુનિયાની ચિંતા કરવામાં જ બુઢ્ઢો થઈ જાય છે. માણસની મૂંઝવણ પણ અજબ છે. એને કાળાબજાર, નફાખોરી, કાવાદાવા, ખટપટ, આ બધુ જ કરવું હોય છે અને સાથે સાથે સ્વર્ગમાં જવાની પેરવી પણ બાકી કરવી હોય છે.

આ બેય ઘોડે ચડવા જતાં એ ગબડી પડે છે. કયારેક એ વિચિત્ર પ્રકારનાં સમાધાન અને સમજૂતી કરે છે, પોતે કરેલાં ખોટાં કામોને સરભર કરવા માટે પૂજા, પ્રાર્થના કરે છે. તીર્થ યાત્રાએ જાય છે, માનતાઓ કરે છે. છતાં પેલો ભય તો એને સતત સતાવે છે. મૃત્યુ પછી સ્વર્ગ નહી મળે તો? જીવ અવગતિએ જશે તો? આત્માને શાંતિ નહીં મળે તો? નરકમાં જવું પડશે તો?

એક પ્રશ્ન ઉપર જ સ્વર્ગ ને નરક બંનેના મોડલો પ્રાપ્ત હોવા છતાં માણસ એની કલ્પના કથાઓમાંથી ઊંચો આવતો નથી. જર્મની કે સ્વિટ્ઝર્લેન્ડનું એક નાનકડું, નદીકાંઠે વસેલું ગામ જોઇએ એટલે પ્રશ્ન થાય, સ્વર્ગ શું આનાથી પણ વધુ સુંદર હશે? ફ્રેન્કફર્ટની પાસે એક ગામ છે, જેનું નામ  મનહાઉસ. આવું એક ગામ એટલે સ્વર્ગનો એક નાનકડો નમૂનો અને આપણા વિદર્ભ કે બિહારનું એકાદ ગામ કે શહેર જોઈએ એટલે પ્રશ્ન ઉઠે, શું નરક આનાથી ખરાબ હોઈ શકે? પૃથ્વી ઉપર સ્વર્ગ ઊભું કરવું એ નરક, એ માણસના જ હાથમાં છે.

સ્વર્ગ એ પણ એક વિચિત્ર અને વિશિષ્ટ વસ્તુ છે. એ જોઈ ન શકાય અને છતાં, રાતદિવસ એની કલ્પનાનાં ચિત્રો ઊપસતાં રહે. સ્વર્ગ જોવા માટે મરવું પડે. પણ મર્યા પછી ફરીથી જીવતા થઈ ન શકાય! કવિઓ, લેખકો, ચિત્રકારો અને ફિલ્મ સર્જકોએ પોતપોતાના ખ્યાલો મુજબ સ્વર્ગ અને નરકમાં ચિત્રો દોર્યા છે. દાંતેએ દોરેલાં સ્વર્ગ અને નરકમાં ચિત્રો બે નમૂન છે.

હજારો વર્ષો પછી પણ એ ચિત્રોમાં માનવ જાતનો રસ ચાલુ છે. દાંતેનાં 'ઈન્ફર્નો'ના બિહામણાં ચિત્રો યુરોપ આખમાં જોવા મળશે. આ નરકનાં વર્ણનો વાચ્યાં પછી માણસ એની કલ્પનાથી જ ધુ્રજી જાય પણ, પછી વિચાર આવે છે કે, આ પૃથ્વી, આ દેશ, આ સમાજ, એ નરકથી કંઈ કમ છે? પૃથ્વી ઉપરનું જીવતું નરક જોવું હોય તો મુંબઈ જોવુંે જાઇએ. આટલો ત્રાસ, આટલાં જુલ્મો, નરકમાં પણ હશે ખરાં?

સ્વર્ગ અને નરક એ તો નરી કલ્પના છે અને જીવન એ વાસ્તવિક સત્ય છે. પણ કલ્પનામાં રાચતા આપણે વાસ્તવિકતાથી દૂર ભાગીએ છીએ. નરકના ભય અને સ્વર્ગની લાલચથી આપણે આપણું દુન્યવી જીવન બગાડીએ છીએ, અને અનેક ભૌતિક સુખોથી વંચિત રહીએ છીએ. પરભવ સુધારવાની ચિંતામાં આ ભવ પણ આપણે ભોગવી શકતા નથી.

સ્વર્ગ વિશે લખવામાં, કે સ્વર્ગનું ચિત્રણ કરવામાં એક લાભ છે. સ્વર્ગ કોઈએ જોયું નથી અને કોઈ જોવાનું પણ નથી. માટે એનું ચિત્રણ આપણી કલ્પના મુજબ, ગમે તે રીતે કરી શકાય છે. આપણા મનના બધા તરંગોનું અવતરણ સ્વર્ગના ચિત્રણમાં કરી શકાય. અને મોટાભાગના માનવીઓએ જીવનમાં એકાદ વાર તો, સપનામાં સ્વર્ગ જોયું જ હોય છે.

આ વાતને આગળ વધારીને, હિન્દી ફિલ્મોના નિર્દેશકોએ સ્વપ્ન દ્રશ્યનું આયોજન કર્યું અને મોટાભાગનાં સ્વપ્ન દ્રશ્યોમાં સ્વર્ગ કે નરકની સફર પ્રેક્ષકને કરાવી આપી!  કે આસિફે પોતાની ફિલ્મમાં પૃથ્વી ઉપરનું ઉત્તમ સ્વર્ગ બતાવવાનું બીડું ઝડપેલું અને એને માટે વિશ્વના ઉત્તમ સ્વર્ગ બતાવવાનું બીડું ઝડપેલું અને એની માટે વિશ્વના ઉત્તમ ટેકનિશિયનોની મદદ લીધી. પણ, એ કચકડા ઉપરનું સ્વર્ગ લોકો જોઈ શકે, એ પહેલા આસિફસાહેબ જ સ્વર્ગસ્થ થયા.

પડદા ઉપર સ્વર્ગ જોવામાં કે પુસ્તકના વર્ણનો વાંચવામાં એક પ્રકારનું મનોરંજન છે અને ક્ષણિક મનોરંજન ખાતર આ બધું માણવામાં વાંધો નથી. પણ, એ સિવાય એને ગંભીર રીતે લેવામાં જોખમ છે. પૃથ્વી ને સ્વર્ગ ને નરક એ ધર્મગુરૂઓનાં સ્થાપિત હિતો છે. આવી બીકની લાકડીઓ અને સુખની લાલચો વડે લોકોને સહેલાઈથી મૂર્ખ બનાવી શકાય છે. માણસ જયારે બૌધ્ધિક રીતે પૂર્ણ રીતે વિકસ્યો નહોતો ત્યારે આ બધી કરામતો એને ગુનાઓ કરતા રોકવામાં અને સારે માર્ગે વાળવામાં મદદરૂપ થતી હતી.

આમ, સ્વર્ગ નર્કનું ઐતિહાસિક મહત્વ છે. પણ, આજના યુગમાં એમાં કાળવિપર્યય જણાય છે. આજના કોમ્પ્યુટર યુગનું બાળક પૃથ્વીનો નકશો હાથમાં લઈને માબાપને પૂછશે, 'બતાવો, આમા સ્વર્ગ કયાં છે?' ભીષણ ગરીબી અને બેહાલીમાં સબડતા માણસને સ્વર્ગનો ગોળ કોણીએ ચોંટાડી દઈએ એટલે પરભવના સુખની લાલચમાં અભાવની યાતના આનંદપૂર્વક ઉઠવી લે. સ્વર્ગ-નરક ધાર્મિક કલ્પનાઓ ન હોત તો સામ્યવાદની ક્રાંતિ સેંકડો વર્ષ પહેલાં થઈ ગઈ હોત. માણસને વૈચારિક રીતે પછાત રાખવામાં પૂરી કલ્પનાઓ કામ લાગે છે. 

મર્યા પછી સ્વર્ગમાં જ પ્રવેશ મળે, એની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા ખરી? પાપ અને પૂણ્યના ખ્યાલ પણ કેટલા સાપેક્ષ છે! પ્રદેશ પ્રદેશ અને પ્રજા પ્રજાને આ બધા વિચારો બદલતા રહે છે. એક ધર્મમાં શરાબનુ ંસેવન થાય છે. અને બીજાનું પ્રણ્ય છે. એકમાં માંસાહાર પાપ છે અને બીજામાં પૂણ્ય છે.

એકમાં  બહુ પત્નીત્વ પાપ છે, બીજામાં સામાન્ય છે. એક જ પ્રદેશમાં એક જ ધર્મ પાળતી પ્રજામાં પણ મોટો તફાવત જોવા મળે છે. માર્ટિને લ્યૂથર એક જમાનામાં યુરોપના લોકોને સ્વર્ગમાં જવા માટેના પરવાના આપતો હતો! ધર્મને નામે, પાપ - પુણ્યના નામે, સ્વર્ગ નરકના નામે માનવજાત સાથે બહુ મોટી છેતરપિંડીઓ થઈ છે.

દુનિયાની બધી પ્રજાઓ સ્વર્ગ - નરકને એકસરખું મહત્વ નથી આપતી. કદાચ, આપણા ભારતીઓને સ્વર્ગનું વળગણ છે. સ્વર્ગમાં રિઝર્વેશન પાકું કરાવવા માટે આપણે જાત જાતનાં કીમિયા કરીએ છીએ. લોકો આને માટે પૂજાપાઠ કરે છે, હોમ - હવન કરે છે અને યજ્ઞાો કરે છે.

મૃત્યુ પામેલાં સગાવહાલાં માટે જાતજાતની વિધિઓ કરે છે. હોમ હવન કરે છે અને યજ્ઞાો કરે છે. કાગવાસ કરે છે, આત્માની શાંતિ માટે કેટકેટલાં ઉપાધાનો કરે છે. માણસ મરી જાય, પછી એના આત્મા શરીરમાંથી નિકળીને ઊંચે આકાશમાં જાય છે, એ સાબિત કરવા માટે લોકોએ પ્રયોગો કર્યા છે, પણ માણસની જેમ કીડી, મંકોડા, વંદાને આત્મા નહીં હોય? અનેક નિર્દોષ શ્વાનો ખાઈ જનાર સિંહ કે વાઘ સ્વર્ગમાં જતા હશે કે નરકમાં?

માણસે દુન્યવી બાબતોમાં કેટલો રસ લેવો અને અદુન્યવી ચીજોનું કેટલું મહત્વ આંકવું? આ ગડમથલમાં માણસજાત ગોથાં ખાય છે. દુન્યવી અને અદુન્યવી, આ ભવ અને પરભવની વચ્ચે એક પાતલી રેખા છે. દુનિયામાં પૃથ્વીલોકમાં ચારે બાજુ દેખાતી નરી કડવી વાસ્તવિકતા ભૂલીને માણસ સ્વર્ગલોકની ચિંતામાં પડે છે, ત્યારે હોનારત સર્જાય છે. પરભવનું ભાથું બાંધવાના વળગણમાં એ આ ભવમાં જ પોતાના કુટુંબ, સમાજ, દેશને ભારરૂપ થઈ પડે છે.

વાસ્તવમાં, બિનસાંપ્રદાયિકતાના સમગ્ર ખ્યાલની સાચી ભાવના જ આ છે. સાચો બિનસાંપ્રદાયિક એ, કે જે દૂન્યવી  બાબતો ઉપર ભાર મૂકે, અને અદૂન્યવી કે અધિભૌતિક શક્તિઓ, ચમત્કારો વગેરેમાં વિશ્વાસ ન રાખે. હેલિયોકથી માંડીને માર્કસ સુધીના ફિલ્સૂફો આજ વાત સમજાવી ગયા છે. સ્વર્ગ નરક અને પાપ પૂણ્યને નામે આપણને સદીઓથી બનાવવામાં આવ્યા છે. આપણા દુઃખી પડોશીને મદદરૂપ થઈને એના જીવનમાં ઉજાસ પ્રગટાવીને એટલે એમાં ઘરની સાથે આપણા ઘરમાં પણ સ્વર્ગનું અવતરણ થાય.

સ્વર્ગ - નરક જેવા આકાશી ખ્યાલોને છોડીને આપણે આપણી પૃથ્વીને, આપણ ાદેશને અને આપણા ઘરને સ્વર્ગ બનાવવાના પ્રયત્નમાં આપણી શક્તિ ખર્ચીએ તો કેમ? અને આવું સ્વર્ગ પૃથ્વી પર ઊભું કરવા માટે વૈરાગી થવાની જરૂર નથી. જીવનને રાગદ્વેષ, ખટપટ અને વેરઝેરથી મુક્ત કરીને સંપૂર્ણ આનંદમય બનાવીએ અને એને પૂર્ણ સ્વરૂપે માણીએ એનું જ નામ સ્વર્ગ.


Google NewsGoogle News