કેટલીક ઘટનાઓ અંધવિશ્વાસથી પ્રેરિત છે
- વિચાર વિહાર- યાસીન દલાલ
- મનુષ્યની કુતૂહલવૃત્તિ અને જીજ્ઞાાસા આવી વાતોને કોઈ જાતની ચકાસણી કે આધાર વિના સાચું માની લેવા પ્રેરે છે. ચકાસણીમાં મોટેભાગે આવી વાતો ખોટી પૂરવાર થાય છે
આપણા દેશમાં ઠેર-ઠેર અંધશ્રધ્ધાનું સામ્રાજય હોય છે. એકવીસમી સદીમાં આવું ઠેરઠેર દેખાય ત્યારે અફસોસ થાય. આખી દુનિયા ૨૧મી સદીમાં પહોંચી ગઈ ત્યારે આપણે હજી ૧૩મી અને ૧૪મી સદીમાં જીવીએ છીએ. કોઈ પૂછે ત્યારે ભારત વિષે એવું કહેવાય છે કે, આતો ભૂતપ્રેતનો અને મદારીઓનો દેશછે. ભારતના એક મંદિરમાં લોકોની લાંબી લાઈન જોવા મળી. એ લોકો એમ કહેતા હતા કે આ મંદિરનું પાણી પીવાથી કોરોના મટી જશે.
મધ્યપ્રદેશના ઓડરમા નામનું ગામ જંગલ વિસ્તારમાં આવેલું છે. અને તાલુકા મથક છે. આ ગામમાં કેટલાક અધિકારી ઓના સરકારી બંગલા આવેલા છે. લાખો કરોડોના ખર્ચે બંધાયેલા આ બંગલામાં કોઈ અધિકારી રહેવા જતું નથી. ગામમાં વરસોથી એવી વાયકા ચાલે છે કે આ બધા બંગલાઓમાં ભૂત થાય છે. આ બંગલાઓમાં ભૂતકાલમાં જે સાહેબો રહેતા હતા એમનું પણ કહેવું આ જ છે. એમના નોકરો પણ કહે છે કે રાત્રે આ વિસ્તારમાં ભૂતપ્રેત દેખાય છે. અને દૂર દૂરથી ડરામણા અવાજો સંભળાય છે.
આ વિસ્તારમાં આદિવાસી અને ગ્રામ્ય અશિક્ષિત વર્ગની બહુમતી છે. વરસોથી આ બંગલાઓ ખાલી રહેતા હતાં. દિવસોની તપાસ પછી એમને જાણવા મળ્યું કે આ વિસ્તારમાં વરસોથી નકસલવાદીઓના અડ્ડા ચાલે છે. એ લોકો અવારનવાર આ બંગલાઓની આસપાસ વેશ પલ્ટો કરીને ભૂત થઈન ેઆવે છે. અને જાતજાતની ચીચીયારીઓ પાડીને આખા વિસ્તારમાં ભય ફેલાવે છે. જેથી અહીંયા અધિકારીઓ દૂર ભાગી જાય અને નકસલવાદીઓ મોકળાશથી પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી શકે. આમ ચકાસણીના અંતે કંઈક જુદું જ રહસ્ય જાણવા મળ્યું.
આવી અનેક દંતકથાઓ દેશ અને દુનિયામાં ફરતી રહે છે. થોડા સમય પહેલા હિમાચલ પ્રદેશમાં ચીનની સરહદે આવેલા એક બૌધ્ધ મઠમાં એક લામાની મમી મૂકાઈ હતી. આ મમીને કાચના બોક્ષમાં મૂકવામાં આવી છે. લોકવાયકા એવી છે કે, ૧૯૭૫માં પુરાતત્વ ખાતું ખોદકામ કરતું હતું. ત્યારે જમીનમાંથી આ મમી મળી આવેલી પુરાતત્વ ખાતાએ એને આ મઠ સુધી પહોંચાડી પછી મઠના અનુયાયીઓએ આ શબને એક કાચની પેટીમાં મૂકી દીધું છે. અને મઠમાં દર્શન માટે રાખ્યું. દરરોજ હજારો લોકો અહીં દર્શને આવે છે. ધીમે ધીમે એવી અફવા ફેલાઈ કે આ મમીના નખ અને વાળ વધે છે. દરરોજ જોનારા લોકો આ વાતની સાક્ષી પૂરે છે. ધીમે ધીમે આ ઘટના અને એનું કુતુહલ દૂર સુધી ફેલાઈ ગયું. એક ઈતિહાસકારે એમ કહ્યું કે આમ થવું શક્ય જ નથી.
મરેલા માણસના બધા અંગો મરી જાય છે. કોઈ અંગ એ પછી વિકસી શકે જ નહીં. જો એ માણસ જીવતો હોય તો જ એના અંગો વિકસી શકે. ઈતિહાસમાં અત્યાર સુધી આવી કોઈ ઘટના નોંધાઈ જ નથી. એ જ રીતે એક પુરાતત્વવિદ પણ કહે છે કે ઈજીપ્તમાં હજારો વર્ષ પહેલાંની મમી મળી આવે છે. પણ એને સાચવવા માટે એ લોકો જુદા જુદા રસાયણો એના શરીરમાં ભરી દે છે. પરિણામે એનું શબ મૂળ હાલતમાં આજે પણ સચવાય છે. પણ એનું શરીરનું કોઈ અંગ વિકસતું નથી. આ મઠમાં રાખેલું શબ કોઈ જાતના રસાયણો વિનાનું છે. અને રસાયણોવાળું હોય તો પણ એના અંગ વિકસે છે એ વાત માત્ર અફવા છે. પત્રકારો આ બાબતની ચકાસણી કરવા ગામ લોકોને મળ્યા પણ એમને માત્ર અફવાઓ જ સાંભળવા મળી.
હિમાલયમાં વારંવાર એવી અફવા ઉઠે છે કે ત્યાં હિમ માનવ ઉર્ફે યતિ વસે છે. નેપાળમાં અનેકલોકો એવું માને છે કે હિમ માનવના પગલાં ઘણા લોકોએ જોયા છે. ૧૯૨૫માં આવા પગલાં પહેલીવાર જોવા મળ્યા હતાં. એ પછી એવરેસ્ટ ઉપર ચડનાર તેનસીંઘ અને હિલેરી જેવા અનેક સાહસવીરોને આ પગલાં દેખાયેલાં આ પછી તો આખી દુનિયામાં આ લોકવાયકા ફેલાઈ ગઈ. પણ હજી સુધી હિમ માનવને કોઈએ નજરે જોયો નથી. પ્રશ્ન એ છે કે હિમ માનવ હોય તો એકલદોકલ ન હોય. એની વસતી સારા એવા પ્રમાણમાં હોવી જોઈએ. બીજો પ્રશ્ન એ છે કે હિમાલય ઉપર માત્ર બરફ જ હોય છે તો આ હિમ માનવ ખોરાક કયાંથી મેળવતો હશે? તાજેતરમાં અમેરિકાની એક સંશોધક ટીમ સંશોધન માટે ત્યાં ગઈ અને ટીમના કેટલાક સભ્યોને દૂરથી હિમ માનવ દેખાયો એવો એમને દાવો છે. એ લોકો કહે છે કે અમે દૂરથી એક આકૃતિ ટેકરી ઉપરતી સરકતી જોઈ.એ બરફ ઉપરથી સરકી ગઈ. એ ચાલતી નહોતી. પ્રશ્ન એ છે કે ચાલતી નહોતી તો પછી અવારનવાર હિમ માનવના મોટા પગલાં કેમ દાખાય છે? સાચી વાત એ છે કે જે સાહસવીરો એવરેસ્ટ ચડવા જાય છે એમના પગલાં બરફનાં પડે જ પછી બરફ હોવાથી એ થોડા રેલાઈ જાય અને પગલાં થોડા મોટા થઈ જાય. વાસ્તવમાં આ એક ભ્રમણા જ છે.
કેટલાક અંધશ્રધ્ધાળુઓ એમ માને છે કે આ પગલાં ઉપરથી હિમ માનવની ઉંચાઈ આઠ ફૂટ હોવી જોઈએ. પણ ફરીથી પ્રશ્ન એ થાય છે હિમ માનવના પગલાં દેખાય તો એ પોતે આખે આકો કેમ ન દેખાડ? તાજેતરમાં કેરળમાં પણ આવી જ એક ઘટના બની. ત્યાં ક્રિષ્ના મૂર્તિ નામના એક નાગરિકનો દાવો કે મે એક ગુફાની બહાર હિમ માનવ જેવા વિશાળ પ્રાણીના પગલાં જોયા છે. એના ફોટા એણે પાડયા. પણ એ પગના નિશાન તાજા નહોતા. એ પત્થર ઉપર પડેલા હતાં. એ કોઈ પ્રાણીના છે કે વિશાળકાય માણસના છે કે ગોરીલાના છે એ નક્કી થાય?
અમેરિકામાં જેમ બિગ ફટની અફવા ઉડેલી એમ ઈન્ડોનેશિયા અને મલેશિયામાં લિટલ ફૂટની અફવા ઉડી હતી. અમેરિકાની અફવા પાછળ એક તરંગી માણસનું કાવત્રુ હતું. એણે એક બેકાર મિત્રને આ માટે તૈયાર કર્યો. આ મિત્ર માટે ખાસ બખ્તર બનાવડાવ્યું.
જે ચિમ્પાઝીને મળતું આવતું હતું. એના બૂટ મોટા બનાવડાવ્યા એ માણસ દરરોજ નિર્જન સ્થળોમાં આંટા મારીને ભાગી જતો પરિણામે આસપાસના વિસ્તારોમાં એની ધાક બેસી ગઈ. વૈજ્ઞાાનિકોએ એના પગના નિશાનનો અભ્યાસ કર્યો અને જાત જાતના તર્ક વિતર્ક કરતાં રહ્યાં અંતે પેલા ભાઈ ઉપર એક નાગરિકે ગોળીબાર કર્યો અને એમાંથી એ માંડ છટકયો. પછી એણે આ છેતરપિંડી બંધ કરી દીધી. અને સ્વીકાર્યું એક મિત્ર પૈસા આપીન ેમારી પાસે આ કામ કરાવતો હતો. ઈન્ડોનેશિયામાં આનાથી વિરૂધ્ધ લિટલ ફટની દંતકથા ચાલે છે.
કેટલાક લોકો આવા નાનકડાં પંજાના નિશાન જોયા હોવાનો દાવો કરે છે. પણ હજી સુધી આ અંગેના કોઈ પાકા પૂરાવા હાથ લાગ્યા નથી. દરમ્યાન ત્યાંના વૈજ્ઞાાનિકો અને પ્રયોગશાળાઓ આ મામલામાં ઉંડાં ઉતરીને તપાસ ચલાવી રહ્યાં છે. પણ આમાં પણ શક્યતા એળી છે કે, કોથળામાંથી બિલાડું નીકળ્યો. બિગ ફટની જેમ લિટલ ફૂટ પણ એક દંતકથા સાબિત થશે એવી માન્યતા છે. મેકયાવેલીના કહેવા મુજબ આંખ તો બધાને હોય છે. પણ દ્રષ્ટિ કોકને જ હોય છે.
મનુષ્યની કુતૂહલવૃત્તિ અને જીજ્ઞાાસા આવી વાતોને કોઈ જાતની ચકાસણી કે આધાર વિના સાચું માની લેવા પ્રેરે છે. ચકાસણીમાં મોટેભાગે આવી વાતો ખોટી પૂરવાર થાય છે. પણ બાળપણથી ગળથૂંથીમાં આપણને શિખવાડવામાં આવ્યું છે કે, જીવનની કેટલીક ઘટનાઓ રહસ્યમય છે. આ રહસ્યમાંથી ભયથી લાગણી પેદા થાય છે. કોઈપણ માન્યતા રેશનલ એટલે કે બુધ્ધિગમ્ય ન હોય ત્યાં સુધી એને માનવી જોઈએ નહી. બિગ ફૂટ હોય કે લિટલ ફૂટ હોય કે પછી ઉડતી રકાબી હોય, આ બધી વાતો અફવા પૂરવાર થઈ છે.
જો બીજા ગ્રહો ઉપરથી એ ગ્રહના માણસો પૃથ્વી ઉપર આવતા હોય તો એના પૂરાવા કેમ નથી મળતાં? પરગ્રહના વાસીઓ જયાં કોઈ માણસ ન હોય ત્યાં ઉતરીને અદ્રશ્ય કેમ થઈ જાય છે? આ પ્રશ્નો એવા છે કે જેનો જવાબ વૈજ્ઞાાનિકો જ આપી શકે અને વૈજ્ઞાાનિકોએ અત્યાર સુધી આનો રદિયો જ આપ્યો છે. માણસ ચંદ્ર ઉપર જઈ આવ્યો એને ત્યાં વાતાવરણ જ નથી એ સાબિત થઈ ગયું.
હવે મંગળ ઉપર કદાચ પાણી છે. એવું અનુમાન થયું છે. પણ એ પૂરવાર ન થાય ત્યાં સુધી બધી અફવાઓ જ રહેવાની. હિમ માનવ પણ હજી સુધી કયાંય સદેહે દેખાયો નથી. માત્ર એના પગલાં ના નિશાન જ મળ્યા છે. સામાન્ય સમજ કહે છે કે બરફ થોડો ઘણો પીગળે એટલે આપોઆપ એ નિશાન મોટા થઈ જાય. આઈન્સ્ટાઈને કહ્યું હતું કે કશું ક અગોચર તત્વ જ સર્વોચ્ચ પ્રબુધ્ધતારૂપે તથા ઉજવલતમ સૌંદર્યરૂપે પ્રગટે છે. અને જેને આપણી નિર્બળ ઈન્દ્રિયો કેવલ પ્રાથમિક સ્વરૂપે જ પામી શકે છે. એ ખરેખર અસ્તિત્વ ધરાવે છે. એમ સમજવું ખોટું છે.