ગાંધીજીની સ્વદેશીની ફિલસુફી એ જમાનામાં સાચી હતી
- વિચાર વિહાર- યાસીન દલાલ
- ગાંધીજી જે યુગમાં હતા એ યુગ સ્વાવલંબીનો હતો. આજની દુનિયા પરસ્પરાવલંબી છે
સંસદમાં અને બહાર, રાષ્ટ્રના 'સાર્વ ભૌમત્વ'ના રખેવાળો એકાએક ઉકળી ઉઠ્યા છે. અને વિદેશી સંસ્થાઓને શરણે દેશના હિતને ગિરવે મૂકી દેવામાં આવ્યું છે એવી એવી કાગારોળ શરુ થઈ છે. આ વિરોધમાં ડાબેરીઓ ખાનગીકરણમાં પણ વિરોધ કરે છે. નાણાં સંસ્થાઓની આપણે 'માનસિક ગુલામી' સ્વીકારી હોવાના આક્ષેપ થયા છે. ગરીબોના અને નીચલા વર્ગોના હામીઓને 'હાય હવે ગરીબોનું શું થશે ?' એની ઊંડી ચિંતા સતાવવા માંડી છે. વિદેશી કંપનીઓના આક્રમણ સામે ઝઝૂમવા માટે સ્વદેશીનું આંદોલન શરૂ થઈ ચૂકયું છે. વિદેશી સહયોગનો બહિષ્કાર કરવાના એલાનો થઈ રહ્યા છે.
જે લોકો રાષ્ટ્રનું ગૌરવ અને સ્વમાન ભયમાં છે એવી બૂમરણ મચાવી રહ્યા છે. એમને દેશ અને દુનિયાની ઘટનાઓનું કાં તો જ્ઞાાન નથી અને કાં તો બધું જાણવા છતાં એમણે આંખ અને કાન બંધ કરી દીધા છે. સમાજવાદની દફનવિધિ થઈ રહી છે. એનાથી જે લોકો અકળાઇ રહ્યા છે. એમને ખબર નથી કે સો ટકા સમાજવાદી એવા ચીનમાં આપણા કરતાં છ ગણું વિદેશી મૂડી રોકાણ થયેલું છે. અને ચીન સરકાર હજુ વધુને વધુ વિદેશી મુડી આકર્ષવાના ઉપાયો કરી રહી છે. અને એનાથી ચીનનું સાર્વભૌમત્ત્વ બિલકુલ ખતમ થયું નથી આપણા એક રાજ્યની વસતી જેવડું તાઈવાન આપણા કરતાં ૨૧ ગણી નિકાસ કરે છે અને હુંડિયામણ મેળવે છે. જાપાનની સોની, નેશનલ અને સાન્યો કંપનીનો વાર્ષિક કારોબાર અબજો ડોલરનો છે અને એ બધાની એક ફેકટરી ટોકયોમાં છે, બીજી હોંગકોંગમાં છે, ત્રીજી સિંગાપુરમાં છે, ચોથી તાઈવાનમાં છે અને પાંચમી વોશિગ્ટનમાં છે. સિંગાપુરમાં ખનિજ તેલનું ટીપું નથી. છતાં પાંચ મોટી રિફાઈનરી છે. વિદેશથી ફ્રુડ તેલ મગાવી રિફાઈન કરી વિદેશમાં જ વેચી નાખે છે. કોનું સાર્વભૌમત્વ રહ્યંન અને કોનું લુંટાઈ ગયું ? આર્થિક બાબતોમાં દુનિયાની કોઈ દેશ સંપૂર્ણ સ્વાવલંબી નથી. સંપૂર્ણ સાર્વભૌમ નથી. ઉલટું ૧૨-૧૫ દેશો એકઠા થઈને મજિયારી બજાર બનાવે છે. અને સંગઠીત થઈને આયાત-નિકાસ કરે છે. આ બધી બે દાયકાની વૌશ્વિક ઘટનાઓ છે. વિશ્વના પ્રવાહો છે.
ગાંધીજી જે યુગમાં હતા એ યુગ સ્વાવલંબીનો હતો. આજની દુનિયા પરસ્પરાવલંબી છે. આજની દુનિયાનો કોઈ દેશ પોતાને જરુરી બધી જ ચીજો જાતે બનાવતો નથી, બનાવી શકતો હોય તો પણ બનાવતો નથી. અમેરિકા જેવા સમૃધ્ધ દેશમાં જાપાનના યેને અને જાપાનની ઈલેકટ્રોનિક ચીજ વસ્તુઓનું આક્રમણ થયેલું છે. અને છતાં અમેરિકામાં કોઈ દેશ લૂંટાઈ ગયો સાર્વભૌમત્વ ખતમ થઈ ગયું એવી બુમો પાડતું નથી.
જાપાન અને જર્મનીએ પોતાની ઈર્ષ્યા થાય અને આંજી નાખે એવી ઔદ્યોગિક પ્રગતિથી દુનિયાને સર કરી છે. પણ એ લોકો પણ ખેતીની બાબતમાં બહુ કડાકુટ કરતા નથી અને જોઈતું અનાજ વિદેશથી મંગાવી લે છે. જેમાં નફો થાય એ માલ વેચે છે અને એ નફામાંથી પોતાને જરૂરી માલ આયાત કરી લે છે. આ લેવડ-દેવડનો ચોખ્ખો હિસાબ છે. એમાં આવલંબન અને સાર્વભૌમત્વના કિતાબી આદર્શો ચાલે નહીં. એવા આદર્શોનું રટણ કર્યા કરીએ તો ભુખે મરવાનો વારો આવે.
સિંગાપુર નામના ટચુકડા દેશમાં પીવાનું પાણી મુદ્લ મળતુ નથી. શું સિંગાપુરની પ્રજાએ સાર્વભૌમત્વ ટકાવવા પાણી વિના તરફડીને મરી જવું કે પછી બહારથી પાણી મંગાવી લેવું ? પાણી તો જીવન જરુરિયાતની પાયાની ચીજ છે. વર્ષોથી મલેશિયાથી પાઈપલાઈન વડે પાણી આવતું રહે છે. અને એ મુદ્દે કોઈ તંગદિલી થઈ નથી. સંબંધો બગડયા નથી કે કોઈએ કોઈ ઉપર દબાણ કર્યુ નથી. આપણે સર્વભૌમત્વ અને રાષ્ટ્રીય ગૌરવના મિથ્યા ખ્યાલોમાં રાખતા રહ્યા છીએ. દુનિયાને આપણી કોઈ જરુર નથી, આપણે દુનિયાની જરુર છે. એ સત્ય ગમે તેવું કડવું લાગે પણ આપણે પચાવવું પડશે.
આપણે માની ન શકીએ એટલી ઝડપી વિશ્વ સાંકડું થઈ રહ્યું છે, એક દેશનો માલ બીજા દેશમાં ખડકાઈ રહ્યો છે. દુબઈ કે સિંગાપુરની ડયૂટી ફ્રી દુકાનોમાં કયાં દેશની માલ નહીં હોય એ જ પ્રશ્ન છે. લોકો માલની ગુણવતા અને કિંમત જોઈને ખરીદી કરે છે. નહીં કે કયાં દેશમાંથી આવ્યો છે એ જોઈને. આનો અર્થ એ નથી કે ગાંધીજીની સ્વદેશીની ફિલસુફી ખોટી હતી પણ એ ફિલસુફી તે સમયે અને તે સંજોગોમાં પ્રસ્તુત હોતા નથી તેમ દરેક સંજોગોંમા એ સફળ પણ થઈ શકે નહીં. રેટિયાની વિચારધારા પણ એક જમાનામાં સારી ઉપયોગી હતી પણ આજે નથી.
લોકોની જરૂરિયાતો બદલાઈ ગઈ છે, રહેણી-કરણી બદલાઈ ગઈ છે. ગઈકાલે જે વસ્તુ વૈભવ ગણાતી હતી તે આજે અનિવાર્ય જરૂરીયાત બની છે. આજના મધ્યમ વર્ગના કોઈપણ ઘરમાં રેફ્રિજરેટર, મીક્સર, વોશિંગ મશીન, ટી.વી., કુકર અવશ્ય જોવા મળશે. આજથી બે દાયકા પહેલા આ બધી ચીજો શ્રીમંતોના ઘરમાં જ દેખાતી ડાઈનીંગ ટેબલ પણ હવે ઘેર ઘેર દેખાય છે. આ બધી ચીજોનું ઉત્પાદન વધે અને એને આનુસાંગિક ચીજો અને સ્પેરપાર્ટસના કારખાના થાય તો કેટલાને રોજી મળે ?
સવાલ બેરોજગારી દુર કરવાનો અને લોકોની ખરીદશકિત વધારે છે. સરકારી સાહસો હવે વધુ નોકરીઓ ઉભી કરી શકે તેમ નથી. બલ્કે સરકાર બે માણસોથી ચાલે ત્યાં ૨૦ની ભરતી કરીને આડેધડ ખર્ચ વધાર્યુ છે. ઉપરથી આ નોકરીયાતોને નોકરીની જડબેસલાક સલામતી આપી અને ઉંચા પગારો તથા ભથ્થા આપ્યા.
વહેલે મોડે આ વિષયક તોડીને ભરતી બંધ કરવી પડશે અને આ ખોટ કરતા એકમોને તાળા મારવા પડશે. જાહેરક્ષેત્રનું કદ ઘટે એ પછી રોજગારીની મોટી જવાબદારી ખાનગી ક્ષેત્રને શિરે આપવાની છે પણ આપણું ખાનગી ક્ષેત્ર અત્યાર સુધી ચેતન વિહોણું અને ગતિ વિહીન રહ્યું છે. એણે વિદેશી સ્પર્ધા વિના કામ કરવાનું હતું.
આથી લગભગ ઈજારાશાહીની અવસ્થામાં એણે કામ કર્યુ અને ગુણવતા ઉપર કોઈ ધ્યાન ન આપ્યું. વિદેશી કંપનીઓની સ્પર્ધા આવશે ત્યારે દેશી કંપનીઓએ પણ કામગીરી સુધારવી પડશે અને જુની-પુરાણી ટેકનોલોજી અપનાવવી પડશે. આમ થવાથી બીજા લાભ એ થશે કે આપણી વિદેશોમાં નિકાસ વધશે આ સીધું-સાદું ગણિત છે. દેશનું સાર્વભૌમત્વ એ એવી સસ્તી ચીજ નથી જેને એકાદ બે વિદેશી કંપનીઓ લૂંટીને લઈ જાય.
આજની દુનિયા કેવી પરસ્પર અવલંબિત થઈ ગઈ છે. એને માટે આપણી પોતાનો જ દાખલો લેવા જેવો છે. છેલ્લા દોઢ દાયકાથી આપણા દેશમાં જે વિદેશી હુંડિયામણ આવે છે એ કયાંથી આવે છે ? અમેરિકાથી માંડીને દુબઈ, કુવૈત, સાઉદી અરેબિયામાં કમાવા માટે ગયેલા ભારતીઓ જ ડોલર અને પાઉન્ડ મોકલે છે અને એનાથી આપણને હેંડિયામણ મળે છે. આ વિદેશી નાણાં આપણે ત્યાં ઠલવાય ત્યારે એને આવકારીએ છીએ અને મલ્ટીનેશનલ કંપનીઓ આપણા દેશમાં ઉત્પાદન કરવા આવે ત્યારે કોગારોળ કરીએ છીએ?
દુનિયાના અનેક દેશોમાં ભારતીયો વર્ષોથી પહોંચી ગયા છે ને હજી જઈ રહ્યા છે. ત્યાં જઈને આપણા જ બંધુઓ વેપાર કરે છે., કારખાનાં સ્થાપે છે, કમાણી કરે છે. અને એ કમાણી ભારતમાં પણ મોકલે છે. માત્ર અમેરિકામાં પચ્ચીસ લાખ ભારતીયો વસેલા છે. ઉપરાંત વિશ્વમાં ઓછામાં ઓછા ચાર દેશ એવા છે.
જયાં ભારતીયો લગભગ વર્ચસ્વ ભોગવે છે. મોરિશિયસમાં તો વડાપ્રધાન પણ મૂળ ભારતીય હોય છે ! ફીજી અને ગુમાનામાં ૫૦ ટકા કે એવી વધુ વસતી ભારતીઓની છે. કુવૈતમાં પાંચ લાખ ભારતીયો હતા જે યુધ્ધ દરમ્યાન પાછા આવતા રહેલા અને એમને કુવૈતની સરકાર અખબારોમાં જાહેરખબરો આપીને ફરીથી વિધિસર પાછા બોલાવી રહી છે.
આ બધા દેશો શું બેવકુફ છે ! આપણે વિદેશી મૂડી પ્રત્યે આટલી બધી સુગ દર્શાવીએ છીએ પણ આ કિસ્સામાં તો વિદેશી નાગરિકો એમના દેશની કમાણીને બીજે વાળી રહ્યા છે અને છતાં અમેરિકા કે કુવૈત કોઈ ફરિયાદ કરતું નથી કે અમારૂ રાષ્ટ્ર ભારતીયોના ચરણે ગુલામ બની રહ્યું છે ! અમેરીકાનો દાખલો તો અભૂતપૂર્વ છે. આખી દુનિયાના લોકોએ એકઠા થઈને જ એ દેશ બનાવ્યો છે અને છતાં ત્યાં આટલા વર્ષોમાં એક વિશિષ્ટ અમેરિકી સંસ્કૃતિ વિકસી છે.
અમેરિકાની સરકારને વિદેશમાં વસતાં એક અમેરિકનની ચિંતા છે એટલી આપણી સરકારને નથી. આજના વિશ્વમાં પ્રગતિ કરવા માટે સખ્ત મહેનત, પરિશ્રમ, ખંત અને આધુનિક ટેકનોલોજીની જરૂર પડે છે. રાષ્ટ્રીય ગૌરવના મિથ્યા ખ્યાલો વડે પ્રગતિ સાધી શકાતી નથી.