સમગ્ર દેશને પજવતી પાણીની સમસ્યા
- વિચાર વિહાર- યાસીન દલાલ
- પ્રશ્ન પાણીની પ્રાપ્યતાનો નથી પણ એના સંગ્રહનો અને સંગ્રહેલા પાણીના વપરાશનો છે. આઝાદી પછી સરકારોએ પાણીની સમસ્યા ઉપર ધ્યાન જ નથી આપ્યું
શહેર હોય કે ગામડું, બધેય પાણીનો પ્રશ્ન ઉગ્ર છે. હમણા વાવાઝોડાનો ૭૦% ભાગ પાણીથી ભરેલો છે. માત્ર ૩૦% ભાગમાં સુકી જમીન આવેલી છે. આ ૭૦% માંથી ૯૦% ભાગમાં સમુદ્રનું જળ છે. બાકીનાં ત્રણ ટકામાં મીઠું પાણી છે. એનાથી ઉલટી પરિસ્થિતિ હોત તો માણસે પાણીની તંગીનો સામનો કરવો જ ન પડત એમાંય રસપ્રદ વાત એ છે કે ૩% પાણી પ્રાપ્ય છે. એમાંથી ૧૯% બે ધુ્રવોમાં તેમજ પહાડો પર બરફ સ્વરૂપે રહેલું છે. બાકીનાં ૨૧% માંથી ૨૦% પાતાળમાં ભુગર્ભ જળ સ્વરૂપે સંઘરાયેલું છે. ફક્ત ૯% પાણી સપાટી ઉપરનાં પાણી તરીકે પ્રાપ્ય છે. આ પ્રાપ્ય પાણીમાં પણ ૫૨% સરોવરમાં રહેલું છે.
૩૮% જમીનમાં ભેજ તરીકે રહેલું છે. ૮% વાતાવરણના ભેજ તરીકે રહેલું છે. માત્ર ૧% પાણી નદીઓમાં રહેલું છે. બીજા શબ્દોમાં પૃથ્વીની કુલ જળસંપત્તિનો એકસોમાં ભાગ જ માણસના ઉપયોગ માટે પ્રાપ્ય છે. આમાંથી પણ બધું પાણી પૃથ્વી ઉપરથી એકસરખા ભાગમાં વહેચાયેલું નથી. દુનિયાની વસ્તીની વાત કરીએ તો ૨/૩ વસ્તી એવી જગ્યાએ વસે છે જયાં પૃથ્વીને માત્ર ૧/૪ જ વરસાદ પડે છે. ભારતની વાત કરીએ તો ચેરાપુંજીમાં ૪૦૦ ઈંચ વરસાદ પડે છે. અને સૌરાષ્ટ્ર - કચ્છમાં માત્ર ૧૫ થી ૨૦ ઈંચ વરસાદ પડે છે. ભારતમાં જોવા મળતા વૈવિધ્યમાં આ વૈવિધ્ય પણ નોંધપાત્ર છે.
રાજસ્થાન અને સૌરાષ્ટ્રમાં કાયમી દૂકાળ જેવી સ્થિતિ પ્રવર્તે છે. ત્યારે ઉત્તરભારતમાં દરવર્ષે ભારે વરસાદને કારણે પ્રચંડ પૂર આવે છે. ત્યારે બીજી બાજુ યુ.પી. બિહાર અને બંગાળમાં દરવર્ષે પૂરમાં સેંકડો માણસો તણાઈ જાય છે. હજારો માણસો બેઘર બને છે. કરોડો રૂપિયાની સંપત્તિને નુકશાન થાય છે. દેશની ૪૦% વસ્તી ગરીબીની રેખા નીચે જીવે છે. આ વસ્તી પાસે રહેવા માટે પાકું મકાન પણ હોતું નથી. પરિણામે પૂરની પરિસ્થિતિનો એ લોકો સામનો કરી શકવાની સ્થિતિમાં જ નથી.
વિશ્વનો વિચાર કરીએ તો અમેરિકામાં પણ કેલીફોર્નિયા જેવા રાજયોમાં વર્ષે માત્ર ૧૦થી ૧૫ ઈંચ વરસાદ પડે છે. અને છતાં ત્યાં દૂકાળ પડતો નથી. મનુષ્યનાં પ્રચંડ પુરુષાર્થને લીધે આ શક્ય બન્યું છે. આપણા દેશને આઝાદીને અડધી સદીથી વધુ સમય વિતી ગયો હોવા છતાં ય પાણીની બાબતમાં આજે પણ અરાજકતા જેવી સ્થિતિ જોવા મળે છે. આઝાદી પછી સરકારે આ અત્યંત ગંભીર પ્રશ્નમાં કશો રસ લીધો નહીં.
બીજીબાજુ દેશની વસ્તી સતત વધતી રહી. નવા નવા ઉદ્યોગો સ્થપાતા રહ્યા મહાનગરો આજે વસ્તીથી ઉભરાઈ રહ્યાં છે. પરિણામે ભુગર્ભમાંથી જળ ખેંચવાની માત્રા એકદમ જ વધી ગઈ છે. એની આડઅસર રૂપે ભુગર્ભમાં પાણીનું તળ સતત નીચું ઉતરી ગયું છે. એને પરિણામ રૂપે શહેરોમાં પીવાના પાણીનો પ્રશ્ન દિવસે દિવસે વિકટ બની રહ્યો છે.
આઝાદી પહેલાં દેશભરમાં જળનો સંગ્રહ કરવાની ઘણી દેશી પધ્ધતિઓ વપરાતી હતી. મોટા મોટા ઘરોમાં ભૂગર્ભમાં પાણીનાં મોટાં ટાંકા બનાવાતા હતાં. અમદાવાદથી માંડીને પોરબંદર સુધી આ પધ્ધતિ હતી. ટાંકા ભુગર્ભમાં હોવાથી એમાં તડકો પ્રવેશી શક્તો નહીં. પરિણામે પાણીનું બાષ્પીભવન પણ થઈ શકે નહીં. અને જીવાત પણ ઉત્પન્ન થઈ શકે નહીં. ચોમાસામાં વરસાદનું પાણી ભૂંગળા દ્વારા ટાંકામાં ઉતારી લેવાય મોટા ટાંકા ભાગ્યે જ કયાંક જોવા મળે છે.
સ્વતંત્ર ટેનામેન્ટને બદલે ઠેરઠેર ફલેટ ઉભા થઈ ગયા છે. સરકાર પણ પાણી સંઘરવાની આ જૂની પધ્ધતિઓ તરફ બિલકુલ ધ્યાન આપીત જ નથી. અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં મોટાભાગનાં મકાનોમાં આવા ટાંકા આવેલા હતાં. સોસાયટીઓમાં સામુહિક ટાંકા પણ ઉભા કરી શકાય.
એ જમાનામાં દરેક શહેરમાં બે પાંચ તળાવ પણ આવેલાં હતાં. વડોદરાથી માંડીને જામનગર સુધીના શહેરોમાં આજે પણ આવાં તળાવો જોવા મળે છે. તળાવ બાંધવાનો એક ફાયદો એ પણ છે કે એને લીધે આજુબાજુની સેંકડો એકર જમીનમાં પાણીના ંતળ ઊંચા આવે. એજ રીતે એક જમાનામાં ગામોગામ કૂવા પણ જોવા મળતાં હતાં એ સમયના રાજાઓ પણ ગામેગામ કૂવા બંધાવતા અથવા તળાવ ખોદાવતા કૂવા અને બોરને રીચાર્જ કરવાની પધ્ધતિઓ પણ અમલમાં આવી ચૂકી છે.
સૌરાષ્ટ્ર - કચ્છની ભૌગોલિક રચના ઉંધી રકાબી જેવી છે. એને લીધે ત્યાં દર વર્ષે ૧૯ લાખ હેકટર મીટર પાણી દરિયામા ંજતું રહે છે. આ પાણીને રોકીને એ સંગ્રહી લેવામાં આવે તો પાણીની તંગી ઘણે ખરે અંશે હળવી થઈ જાય. દરિયામાં જતું પાણી અડધું રોકી શકાય તો પણ એટલાં પ્રમાણમાં જમીનની સિંચાઈ ક્ષમતા વધારી શકાય. આની માટે વ્હોકળા, નદીઓ પર નાના બંધ, પાળા અથવા ચેકડેમો બાંધીને પાણીનો સંગ્રહ કરી શકાય.
દુનિયામાં લોકો દરરોજ પચ્ચીસ અબજ ગેલન જેટલાં પાણીનો ઉપયોગ કરે છે. તેમાંથી પીવા માટે માત્ર ૧૦% પાણી જ વપરાય છે. બાકીનો ૭૭% ભાગ ખેતીમાં વપરાય છે. એ સીવાયનું પાણી કારખાનાઓમાં વપરાય છે. એક ટન જેટલા તેલનાં ઉત્પાદન માટે દસ ઘન મીટર પાણીની જરૂર પડે છે. એક ટન પોલાદનાં ઉત્પાદનમાં વીસ ઘન મીટર પાણી જોઈએ છે. એક ટન સિમેન્ટ બનાવવા માટે પાંત્રીસ હજાર લીટર પાણી જોઈએ.
પ્રશ્ન પાણીની પ્રાપ્યતાનો નથી પણ એનાં સંગ્રહનો અને સંગ્રહેલા પાણીનાં યોગ્ય વપરાશનો છે. યુનોના અંદાજ મુજબ વ્યક્તિ દીઠ દૈનિક સવાસો લીટર પાણી જરૂરી છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ વીસ ઈંચ વરસાદ પડે છે. એમાંથી માત્ર ૨૦% જથ્થો સંઘરી રાખવામાં આવે તો વર્ષે વ્યક્તિ દીઠ પંદરસો લીટર પાણી પ્રાપ્ત થઈ શકે.
વરસાદને દર વરસે ઘટતા રહેવાનું એક કારણ એ છે કે દેશમાં જંગલો પણ આડેધડ કપાઈ રહ્યાં છે. જેમ જેમ જંગલો કપાઈ રહ્યા ંછે તેમ તેમ વરસાદ ઘટી રહ્યો છે. એમાં પણ રાજકારણીઓ અને બીજા હીત ધરાવતાં લોકો ગેરકાયદે જંગલો કાપીને લાકડું ચોરી જાય છે. એક બાજુ રાજકારણીઓએ આ પ્રવૃત્તિ અટકાવવી જોઈએ. તો બીજી બાજુ સરકારે વૃક્ષા રોપણનો કાર્યક્રમ પણ મોટા પાયે હાથ ધરવો જોઈએ. સદભાગ્યે છેલ્લાં દાયકામાં આ અંગે ઠીક ઠીક જાગૃતિ આવી છે. પરંતુ હજી આ દિશામાં ઘણું કરવાનું બાકી છે.
ગુજરાતમાં વરસાદની બાબતમાં પણ ભારે અસમાનતા પ્રવર્તે છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ ૧૮૫ સે.મી. વરસાદ પડે છે. જયારે કચ્છમાં વરસાદનું પ્રમાણ માત્ર ૩૭૫ સે.મી. જેટલું છે. સમગ્ર રાજયમાં વ્યક્તિદીઠ વરસાદનું વાર્ષિક પ્રમાણ ૧૧૩૭ ઘનમીટર છે. એમાં પણ દક્ષિણ ગુજરાતમાં આ પ્રમાણ ૧૯૩૦ નું છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં આ પ્રમાણ ૪૭૪ જેટલું છે. મતલબ કે સૌરાષ્ટ્રમાં પાણીની ઉપલબ્ધિ ૭૦% ની જરૂર સામે માત્ર ૩૦% છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ૩૦% જરૂર સામે ઉપલબ્ધિનું પ્રમાણ ૭૦% જેટલું છે.
સૌરાષ્ટ્રના પેટાળમાં પાણીનો કુલ જથ્થો ૫.૭૦ લાખ હેકટર મિટરનો છે. તેમાંથી દર વરસે ૨.૯૦ લાખ હેકટર મિટર પાણી ખેંચવામાં આવે છે. કુદરતી વરસાદ દ્વારા માંડ ૨.૫૦ લાખ હેકટર મિટર પાણી જમીનમાં ઉતરે છે. આમ દર વરસે જમીનમાં પાણીના સંગ્રહમાં ૩૫થી ૪૦ હજાર હેકટર મીટર પાણીની ખેંચ રહે છે.
પરિણામે દરવરસે જમીનનું તળ એકથી દોઢ મિટર ઊંડુ જતું જાય છે. બીજી બાજુ સૌરાષ્ટ્ર ત્રણે બાજુથી દરિયાથી ઘેરાયેલું છે. આને લીધે દર વર્ષે દુનિયાનું ખારુ પાણી નદીઓના મીઠા પાણીમાં ભળે છે. પરિણામે સૌરાષ્ટ્રના કાંઠા પર આવેલા શહેરોમાં પીવાનું મીઠુ પાણી અદ્રશ્ય થતું જાય છે.
ગુજરાત સૌરાષ્ટ્રમાં પાણીના અનેક નાના મોટા ડેમ આવેલા છે. કેટલાક ડેમનું પાણી પીવા માટે અનામત રખાય છે. તો કેટલાંકનું પાણી સિંચાઈ માટે અનામત રખાય છે. શહેરોમાં પીવાના પાણીની તંગી ઉભી થાય ત્યારે સિંચાઈ માટેનું પાણી ના છૂટકે પીવા માટે વપરાય છે આને લીધે ગામડાં અને શહેરોની પ્રજા વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થાય છે.
આ ઘર્ષણ નિવારવા માટે તાકીદના પગલાં લેવા જોઈએ અને પાણીની નીતિનું લાંબાગાળાનું આયોજન કરવું જોઇએ. આમ નહીં થાય તો ભવિષ્યમાં ભારે વિકટ સ્થિતિ સર્જાવાનો ભય છે.
પાણીની સમસ્યા અત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાત પુરતી મર્યાદિત લાગે છે. પણ ઉપર ઉલ્લેખ કર્યો તેમ ઉત્તરભારતમાં પણ ભૂગર્ભમાં પાણી ખૂટી રહ્યું છે. યુરોપમાં પણ પાણીની અછતની આગાહીઓ શરૂ થઈ ગઈ છે. પાણી અંગે વિશ્વના બધા દેશોની પરિષદો પણ યોજાવા માંડી છે. મોટા ભાગના લોકોને શુધ્ધ પાણી મળતું નથી. દર વરસે પ્રદુષિત પાણી પીવાને કારણે ૬ કરોડ લોકોના મોત થાય છે. આધુનિક જીવનશૈલીમાં પાણીનો વપરાશ વધુ થાય છે. આધુનિક શૈલીના બાથટબ હવે મોટાભાગમાં આવી ગયા છે.
ખેતીમાં પણ ડાંગર અને શેરડીના પાકમાં પાણી ખૂબ વપરાય છે. આજે રાજયને અને દેશને જરૂર છે લાંબા ગાળાની જળનીતિની જો પાણીનો સમૂહચિત ઉપયોગ નહી કરાય તો આગામી વરસો અત્યંત કપરા હશે. ભુગર્ભ જળ સપાટી ઊંચે લાવવી પડશે, ગામેગામ ચેકડેમો બાંધવા પડશે અને કૂવા તથા તળાવો બાંધવાની જૂની પધ્ધતિ ફરીથી લાવવી પડશે.