Get The App

સંપત્તિનો નહીં, વિચારોનો ઢગલો જમાવો

Updated: Jul 10th, 2021


Google NewsGoogle News
સંપત્તિનો નહીં, વિચારોનો ઢગલો જમાવો 1 - image


- વિચાર વિહાર- યાસીન દલાલ

- ઘરમાં એકલા પડીએ તો કોઈ પુસ્તક વાંચી પણ શકીએ.  ઘરમાં એક નાનકડી લાયબ્રેરી ઊભી કરી હોય તો એમાંથી જીવન વિષેની ઘણી ફિલ્સૂફી જાણવા મળી શકે

જેમ કેટલીકવાર અખબારમાં છપાતા હજાર શબ્દ કરતાં પણ વધારે અસર એક નાનકડા કાર્ટૂન કે તસવીરથી થાય છે એમ કેટલીકવાર કોઈ નાનકડી કહેવત નાનકડો પ્રસંગ કે નાનકડો સુવિચાર પણ ઘણું બધું કહી જાય છે. બ્રિટીશ લેખક જી.કે. ચેસ્ટરને એકવાર કહેલું કે 'જો એક નકામી બપોરને તમે કશું પણ કામ કર્યા વિના ગાળી શકો તો સમજજો કે જીવન કેવી રીતે જિવાય એ તમે શીખી લીધું છે. મતલબ સાફ છે. કેટલાક લોકો પ્રવૃતિનો અર્થ તદ્ન ભૌતિક કરે છે. 

ખાવું, પીવું, ઓફીસમાં કામ કરવું, ઓફિસ છૂટે કે તરત બહાર ફરવા નીકળવું એમાં જ એમની જિંદગી પૂરી થઈ જાય છે. ઘરમાં નિરાંતે બેસીને વિચારવાને એ લોકો પ્રવૃત્તિ ગણતા જ નથી. મોટા ભાગના લોકોએ વિચારવાનું છોડી દીધું છે. ખરેખર તો નિરાંતે બેસીને વિચારીએ તો જ ભવિષ્યનું આયોજન થઈ શકે.

ઘરમાં એકલા પડીએ તો કોઈ પુસ્તક વાંચી પણ શકીએ.  ઘરમાં એક નાનકડી લાયબ્રેરી ઊભી કરી હોય તો એમાંથી જીવન વિષેની ઘણી ફિલ્સૂફી જાણવા મળી શકે. બહાર નિકળીને લોકો મોટે ભાગે હોટલમાં જતા હોય છે. એને બદલે નદીકાંઠે, દરિયાકાંઠે જઈને પ્રકૃતિને નિહાળી શકાય. આજકાલ ટી.વી. અને મોબાઇલે આપણા ઉપર એટલું આક્રમણ કર્યુ છે લોકો નવરા પડે ત્યારે ટી.વી. અને મોબાઈલ પર તદ્દન નકામા કાર્યક્રમો જોયા કરે છે.

પુસ્તકની વાત નીકળી છે તો એ પણ જાણી લઈએ કે ઝવેરચંદ મેઘાણીએ કહ્યું હતું, 'ગુજરાતની લેખન સમૃધ્ધિ ઘણી છે. એ સમૃધ્ધિ જલ્દી જોવા અનુભવવામાં આવતી નથી. તેનું કારણ એની યથાસ્વરૂપ પિછાણ દેનારા પ્રયત્નોની કચાસ છે. સંપત્તિના ઢગલા માત્ર દેખાડવાથી એનું સાચું દર્શન કરાવી શકાતું નથી.' એ જ રીતે આંદ્રે મોરવાએ કહ્યું છે કે વીતેલા જમાનાઓ વિષે વાકેફ થવાનું એકમાત્ર રસ્તો પુસ્તકોનો છે અને જે માનવસમાજોની મુલાકાત આપણે કદી લેવાના નથી તેમને સમજવાની શ્રેષ્ઠ ચાવી પણ પુસ્તકો છે. 

કેટલીક કહેવતોમાં પણ જીવનમાં હંમેશ માટે ઉપયોગી થાય એવો ઉપદેશ મળી રહે છે. દા.ત. 'મન હોય તો માળવે જવાય' આ કહેવતનો અર્થ માણસ સમજે તો એનો ઉધ્ધાર થઈ જાય. અહી પુરુષાર્થનો મહિમા ગવાયો છે. આનો અર્થ તદન સીધો સાદો છે. કેટલાક માણસો મહેનત કર્યા વિના બેસી રહે છે. અને પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે નસીબને દોષ આપે છે. સાચી વાત એ છે કે કામમાં એમનું મન હોતું જ નથી. પછી કામમાં સફળતા કયાંથી મળે? સમાજમાં આવા નસીબવાદીઓની મોટી બહુમતી છે. જે લોકો ખૂબ અથાગ મહેનત અને પરિશ્રમથી જ પ્રગતિ કરી છે. 

શેકસપિયરનાં નાટકોમાં ઘણા વ ાક્યો કહેવત જેવાં જોવા મળે છે. આજે ઘણાં લોકો એને કહેવતની જેમ ટાંકે છે. એનું એક નાટક 'એઝ યુ લાઈક ઈટ' છે. એમાં એક રાજા સંજોગવશત્ રાજપાટ છોડીને જંગલમાં આવી ચડે છે. જંગલમાં એ બીજા વનવાસીઓની જેમ અત્યંત સાદું અને યાતનામય જીવન ગાળે છે. અત્યાર સુધી મહેલમાં રહેતો હોવાથી એને આ યાતનાઓની ખબર હોતી જ નથી. યાતનાઓ ભોગવ્યા પચી નાયાસ એ બોલી જાય છે, 'સ્વીટ આર ધી યુઝીસ ઓફ એડવર્સિટિ' મતલબ કે સંકટ પણ કેટલીકવાર મધુરાં હોય છે. આ એક જ વાક્ય એકદમ અર્થ ગંભીર છે. આવાં તો એનાં નાટકોમાં અનેક વાક્યો મળી આવશે.

ઈંગ્લેન્ડના રાજા એડવર્ડ આઠમાએ પ્રિયતમા માટે ગાદી છોડી દીધી અને સામાન્ય ઘરની દીકરી સાથેલગ્ન કરી લીધા. પ્રજો એ લગ્નનો અસ્વીકાર કર્યો. એ સ્ત્રીનું નામ સિમપસન હતું. સિમ્પસનને રાણી બનાવાય એમ એડવર્ડ ઈચ્છતો હતો પણ ચર્ચને મંજૂર નહોતું. ૧૯૩૬નાં ડિસેમ્બરની ૧૧મીએ એમણે રેડિયો ઉપર જે ભાષણ આપ્યું એ આજે પણ ઈતિહાસમાં અમર થઈ ગયું. એણે કહ્યું, જે સ્ત્રીને હું દિલોજાનથી ચાહું છું તેના સહારા વિના રાજયની ભારે જવાબદારી હું વહન કરી શકું એમ છું જ નહીં.

'મે રાજગાદી ધારણ કરી તે પહેલાં અને પછી બ્રિટનના લોકોએ મને ખૂબ હૂંફ અને વહાર આપ્યાં છે. હું તેમનો આભારી છું અને આજતી જાહેર જીવનનો સંપૂર્ણ ત્યાગ કરૂં છું અને તેનો બોજો આજથી ઉતારૂં છું. હું થોડા દિવસમાં મારે ગામ જઈશ પણ બ્રિટનના લોકોનું અને સામ્રાજયનું હિત હમેશાં મારે હૈયે હશે.

આજથી શાસન સંભાળનારના નવા રાજવીને અને લોકોને સુખસમૃધ્ધિ મળે એવી પ્રાર્થના કરૂં છું. હું રાજયને જરૂર પડશે તો ગમે ત્યારે એક વ્યક્તિ તરીકે આવીને ઉભો રહીશ.' આ પછી રાજયના ત્યાગ બાદ તેઓ ફ્રાંસ ગયા તેમનાં પત્ની સ્મિપસને એક પુસ્તક લખ્યું જેનું નામ હતું, 'હૃદયને બુધ્ધિ હોતી નથી.' 

બટ્રાન્ડ રસેલ નોબેલ ઈનામ વિજેતા એક પ્રખ્યાત લેખક અને ફિલોસોફર હતા એમણે પોતાની આસપાસના સમાજમાં પ્રવર્તતી દારૂણ ગરીબી બિમારી જોઈને એકવાર બોલી ઊઠયા કે માણસ જે રીતે યુધ્ધે લડે છે અને એકબીજાને મારે છે અને સતત ખટપટમાં પ્રવૃત્ત રહે છે એ જોઈને મારૂં મન તો માની જ શકતું નથી કે આ દુનિયા ઈશ્વરે બનાવી છે.

બીજા એક સ્થળે એમણે એમ પણ લખ્યું છે કે જયાં સુધી માનવ જરીપુરણા ગ્રંથોના ફરમાનોને માનતો રહેશે ત્યાં સુધી સંસ્કૃતિ બચવાની કોઈ આશા જ નથી. એ જ રીતે શોપ નહોવેર એકવાર કહ્યું હતું, 'જીવન એક અનિષ્ટ છે. વેદના છે. એનું કારણ એ જ કે જીવનમાં એક તીવ્ર સંઘર્ષ, કુદરતમાં સર્વત્ર રસાકસી, ખેંચતાણ, સ્પર્ધા, પરાજયના આતમઘાતી વારાફેરા જ ચાલ્યા કરે છે. પ્રત્યેક જીવ અન્ય જીવ સાથે વસ્તુ, સ્થળ કે સમય માટે નિરંતર ઝઘડા જ કરતો જોવા મળે છે.

દરેક મહાપુરષના જીવનમાં આવતી કેટલીક ક્ષણો અત્યંત રોમાંચિત અને યાદગાર બની જતી હોય છે. સંસદસભ્ય પુરુષોત્તમ માળવંકરના જીવનમાં આવી એક યાદગાર ક્ષણ આવી હતી. શ્રીમતી ગાંધીએ દેશમાં કટોકટી લાદી ત્યારે દેશના વિરોધપક્ષના બધા સભ્યોની ધરપકડ કરી હતી.

માત્ર થોડા અપક્ષ સભ્યને બાકાત રાખ્યા હતાં. આમાં માળવંકરનો પણ સમાવેશ થતો હતો. શ્રીમતી ગાંધીએ બંધારણ સુધારાનો ખરડો રજૂ કર્યો ૨૫મી ઓકટોબર ૧૯૭૬ના દિવસે આ ખરડો રજૂ થયો હતો. એના ઉપર નવ દિવસ લોકસભામાં ચર્ચાચાલી હતી. મતદાન થયું ત્યારે ખરડાની તરફેણમાં ૩૫૫ મત પડયા. ત્યારે વિરોધમાં માત્ર માળવંકરનો એક જ મત પડયો.

આમ લોકસભામાં એક  ભારે વિરલ દ્રશ્ય સર્જાયું. માળવંકર એને પોતાના જીવનની સૌથી યાદગાર ક્ષણ ગણે છે. મતદાન પહેલાં માળવંકરે જે પ્રવચન કર્યું એ સંસદીય ઈતિહાસમાં આજે પણ અવિસ્મરણીય ગણાય છે. એમાં એમણે પ્રવચનના અંતે જે શબ્દો કહ્યા એ આજે પણ ઠેરઠેર ટાંકવામાં આવે છે. એમણે કહ્યું 'જે પાપો આચરવાની તૈયારીમાં તમે છો એ માટે ભગવાન માફ નહીં કરે.'

કેટલાક સુવિચારો પણ જીવનમાં અપનાવવા જેવા હોય છે. થોરોએ કહ્યું છે કે 'જેઓ અતિવેગથી દોડે છે, તેઓ રસ્તામાં જ પડી જાય છે.' એ જ રીતે સેનેકાએ કહ્યું છે, 'ઉતાવળ ગોથાં ખવડાવે છે અને બંધન તથા અંતરાય કરે છે.' 

વિલિયમ ફોકનરને નોબેલ ઈનામ મળ્યું ત્યારે એ સ્વીકારતી વેળાએથે જે પ્રવચન કર્યું એ પણ ખૂબ મહત્વનું બની ગયું છે. એણે કહ્યું હતું, 'આ પારિતોષિકમને વ્યક્તિ તરીકે નથી મળ્યું. આ તો જિંદગીભર માણસે જે સંવેદના ભોગવી અને દુઃખ, પરસેવો, હિંમત, ધૈર્ય, કરુણા અને હૃદયમાં ઊઠતા ભાવોને અક્ષરોમાં ચિત્રિત કર્યાં છે. એ કાર્યને પુરસ્કાર મળ્યો છે.

'આજે તો આપણે સર્વનાશ થશે એવી બીકમાં જીવીએ છીએ. માણસનો સર્વનાશ નહી થાય. માણસ ફક્ત બચી જશે એટલું જ નહી પણ તે મનુષ્યત્વનો પ્રચાર પણ કરશે. એ હૃદયના ગુણોનો સંઘર્ષ બતાવશે. એ જો સંવેદના કાગળ ઉપર નહીં બતાવી શકે તો પ્રેમ અને લાલચ વચ્ચે ફરક, સહ અને અસદના પુષ્પો,કરુણા અને અમાપવિશાળ હૃદય પણ નહીં બતાવી શકે તો એ સાહિત્ય નહી ગણાય.' 

કાર્લાઈલે કહ્યું કે 'નીચામાં  નીચા ઊંડાણમાં જ વધારેમાં વધારે ઊંચાઈએ જવાનો માર્ગ હોય છે.' એ જ રીતે જીન ઈજ્જલોએ કહ્યું કે, 'આપણે મહત્વાકાંક્ષા રાખીએ છીએ તે એકલી જ આપણી મહત્તા છે.'

ઈમર્સને કહ્યું છે કે, ત્મારા વાચકથી દૂર જવાનું બહુ મુશ્કેલ છે. જો એ તમારા કામતી સંતુષ્ટ ન હશે તો તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તો પણ તમારા લેખનને વધુ સાર નહીં બનાવી શકે.' એ જ રીતે હેનરી એમિલે કહ્યું છે કે, 'પ્રતિભા એટલે જે બીજાની અત્યંત મુશ્કેલ લાગતું હોય એ સરળતાતી કરવાનીશક્તિ અને જિનિયસ એટલે જે અશક્ય હોયતે શક્ય બનાવવાની શક્તિ.' આ જ રીતે સર્વેન્ટીસે લેખન વિષે બહુ સરસ વાત કહી છે. એણે કહ્યું છે કે, કલમ એટલે દિમાગની જીભ.'

વિનોબા ભાવેના કહેવા મુજબ, 'આજે આપણે દુનિયામાં ચોકમાં ઊભા છીએ. ચારેકોરથી વિચારોનો મારો ચાલી રહ્યો છે. સારા વિચારોનો તેમ ખરાબ વિચારોનો પણ. આ બધાની વચ્ચેથી આપણા વિચારો મુજબ આપણે કામ કરતા રહેવાનું છે અને આપણા વિચારને પરિશુધ્ધ કરતાં કરતાં આગળ વધારવાનો છે. આવા સંજોગોમાં અધ્યયન વગર તો આપણે માર ખાઈશું. અનેક વિષયોનું અધ્યન આપણે કરવાનું છે. જેમ અન્ન વિના દેહ ટકતો નથી તેમ જ્ઞાાન વિના આત્મા પુષ્ટ થતો નથી.'


Google NewsGoogle News