ભારતીય સિનેમામાં સત્યજીત રાયનું પ્રદાન
- વિચાર વિહાર- યાસીન દલાલ
- સાચું ભારત એના રાજયોમાં અને ગામડાઓમાં વસે છે. આજની હિન્દી ફિલ્મોમાં બધું છે પણ કયાંય ભારત જ નથી આપણી ફિલ્મો સાચી રીતે પ્રાદેશિક ભાષાઓમાં જ બને
પ્રાદેશિક ફિલ્મોનું સ્થાન ખૂબ અગત્યનું છે. આપણી ફિલ્મો સાચી રીતે પ્રાદેશિક ભાષાઓમાં જ બને.સિનેમામાં માત્ર સત્યજીત રાય નહિં પણ ઋત્વિક ઘટક, મૃણાલ સેન, બિમલ રોય, ઋષિકેશ મુકર્જી તથા બાસુ ચેટર્જી પણ સ્મરણિય નામો છે. આમાંથી બિમલ રોય ન્યૂ થિયેટર્સ સાથે સંકળાયેલા હતા. ઋષિકેશ મુખર્જી એમના સહાયક હતા. બિમલ રોયે પહેલીવાર ભારતમાં કળાત્મક સિનેમાની પ્રારંભ કર્યો. અને 'દો બીઘા જમીન'થી વિશ્વમાં અનેક ફિલ્મ મહોત્સવોમાં ઈનામો જીત્યા. મૂળ મુંબઈમાં બિમલ રોય ઉપરાંત ઋષિકેશ મુખર્જી તથા બાસુ ચેટર્જી આ બધા મિત્રો હતા.
એક વખત જાપાનમાં અકીરા કુરોસાવાની ફિલ્મ 'રાસોમાન' જોઈને પાછા ફરતા હતાં, ત્યાં બધાને વિચાર આવ્યો કે આપણે પણ આવી ફિલ્મ કેમ ન બનાવીએ ? આમાંથી જ 'દો બીઘા જમીન' જેવી કલાસીક ફિલ્મનો જન્મ થયો, એમની પાસે વિકટોરીયો દ સિક્કાની 'બાઈસિકલ થીફ'નું મોડેલ પણ હાજર હતું. આ ફિલ્મ બહુ ઓછા ખર્ચે બની, એની વાર્તા અને સંગીત સલીલ ચૌધરીના હતા.
સત્યજીત રાય મૂળ શ્યામ બેનેગલની જેમ વિજ્ઞાાપન કંપનીમાં કામ કરતા, એકવાર વિશ્વવિખ્યાત નિર્દેશક જયા રેનવાની ફિલ્મનું શુટીંગ કલકતામાં ચાલતું હતું એ જોવા ગયા અને મનોમન નક્કી કર્યુ કે આપણે પણ આવી ફિલ્મો બનાવીશું. ખૂબીની વાત એ છે કે એમણે ફોટોગ્રાફર તરીકે એક કંપનીના સ્ટીલ ફોટોગ્રાફરને લીધા એણે કહ્યું કે મે ફિલ્મની ફોટોગ્રાફી કદી કરી જ નથી. રાયે કહ્યું કે ચિંતા નહીં કરવાની હું કહું ત્યાં બટન દાબી દેજે આ રીતે વિશ્વની એક મહાન ફિલ્મ '' પાથેર પાંચાલી '' બની, 'પાથેર પાંચાલી'નો અર્થ રસ્તાનું ગીત એવો થાય છે.
વિભૂતિ ભૂષણ બંદોપાધ્યાયની એ નવલકથા હતી. એમાં એક ડોશીની ભૂમિકામાં સત્યજીત રાય એક કોઠાવાળીને લઈ આવ્યા. આ ફિલ્મ બોકસ ઓફિસ ઉપર સફળ રહી, અને કાર્લો વીવોરી, રેનિસ તથા બોર્લેન જેવા ફિલ્મ મહોત્સવોમાં પણ સંખ્યાબંધ એવોર્ડ જીતી લાવી આ પછી સત્યજીત રાયે આ જ વાર્તાને આગળ વધારીને 'અપુર સંસાર' તથા 'અપરાજિતો' જેવી સિકવલ ફિલ્મો બનાવી આ પછી રાયનો સિક્કો દેશ અને દુનિયામાં ચલણી બન્યો.
રાય કથા અને પટકવા સાથે ફોટોગ્રાફરને ચિત્રો પણ દોરીને આપતાં આને લીધે જ 'પાથેર પાંચલી'માં ભરપૂર ચિત્રાત્મકતા જોવા મળે છે. નદીકાંઠે ટ્રેઈન અને સિગ્નલનું દ્રશ્ય તથા અપ્પુ અને દુર્ગા કિશોરાવસ્થામાં વરસાદમાં ભિંજાતા હોય છે અને મિત્રો સાથે ધિંગામસ્તી કરે છે એ દ્રશ્યો લોકો હજી ભૂલ્યા નથી. ઉપરાંત બંનેની મા સર્વજયા તથા બાપના પાત્રો પણ યાદગાર બન્યા છે.
દુર્ગા અચાનક તાવમાં મરી જાય છે. બાપ કલકત્તામાં મહેતાજીની નોકરી કરે છે. છેલ્લે દુર્ગાના અવસાન પછી આખું કુટુંબ ગાડામાં બેસીને હિજરત કરે છે. ત્યાં ફિલ્મ પૂરી થાય છે, અને પછી 'અપૂર સંસાર' તથા અપરાજીતો રૂપે આગળ વધે છે. સત્યજીત રાય ચિત્રકાર ઉપરાંત સંગીતકાર પણ હતા. પોતાની અનેક ફિલ્મોમાં એમણે જ સંગીત આપ્યું છે. ઉપરાંત કેટલીક ફિલ્મોમાં પંડિત રવિશંકરનું સંગીત પણ સાંભળવા મળે છે.
ટાગોરની પાંચ કૃતિઓ ઉપરથી સત્યજીત રાયે ફિલ્મો બનાવી હતી. જેમાં સૌથી નોંધપાત્ર ફિલ્મી 'ચારુલતા' હતી. કેટલાક સમીક્ષકો આને શ્રેષ્ઠ ફિલ્મ ગણે છે. એમાં માધવી મુખર્જીનો અભિનય યાદગાર છે. આ ઉપરાંત ટાગોરની 'ઘરે બાહિરે' ઉપરથી એ જ નામની ફિલ્મ બનાવેલી ઉપરાંત ટાગોરની ત્રણ નવલિકાઓ ઉપર પણ એમની નજર ગઈ અને એને પણ એમણે રૂપેરી દેહ આપ્યો, 'તીન કન્યા' પોસ્ટ માસ્ટર 'મનિહાર' અને 'સમાપ્તિ' એ ત્રણ વાર્તાઓ 'તીન કન્યા' રૂપે જાણીતી છે. આ ત્રણેય વાર્તાઓ આપણા સામાન્ય નાગરિકના જીવનની ખાટીમીઠી કહી જાય છે.
ઘણાને નવાઈ લાગતી કે આવા મહાન નિર્દેશક હિન્દીમાં ફિલ્મો કેમ નહીં બનાવતા હોય ? સાચી વાત એ હતી કે એમને અને અકિરા કુરોસાવને લાગતું કે સાચું ભારત એના રાજયોમાં અને ગામડાઓમાં વસે છે. આજની હિન્દી ફિલ્મોમાં બધું છે પણ કયાંય ભારત જ નથી. એમણે સાબિત કર્યું કે પ્રાદેશિક ફિલ્મો વડે પણ આંતરરષ્ટ્રીય તખ્તા ઉપર પહોંચી શકાય છે. ''પાથેર પાંચાલી''માં વિદેશી વિવેચકોને ખરેખર લાગ્યું કે ભારતની આ સાચી તસ્વીર છે. પણ કેટલાક કહેવાતા દેશપ્રેમીઓને ત્યારે પણ અત્યારની 'સ્લમ ડોગ મિલિયોનેર'ની જેમ આ ફિલ્મ ગમી નહોતી.
રાજયસભામાં નરગીસ દત્તે આરોપ લગાવ્યો કે સત્યજીત રાય ભારતની ગરીબીને વેંચી રહ્યાં છે પણ આ વાત સાચી નથી. ગરીબી અને બેરોજગારી એ આજે પણ આપણી વરવી વાસ્તવિકતા છે એ આપણે સ્વીકારવું જ રહ્યું છતાં મ્હેણું ભાંગવા સત્યજીત રાયે 'શતરંજ કે ખિલાડી' બનાવી અને એમાં ''ગાંધી'' ફિલ્મના નિર્દેશક રી ચાર્ટ એટનબરોને એક ભૂમિકામાં લીધા. નવાબ વાજીદઅલી શાહ તરીકે અમજદ કોમેન્ટરી આપી અને સંજીવકુમાર તથા શાઈદ જાફરીને પણ લીધા નવાબ વાજીદઅલી શાહ તરીકે અમજદ ખાનને લીધા. મુનશી પ્રેમચંદની વાર્તા ઉપરથી આ ફિલ્મ બની હતી.
પ્રેમચંદની જ વાર્તા ઉપરથી એમણે એક બીજી ટેલિફિલ્મ 'સદ્દગતિ' નામે બનાવી હતી. આ ફિલ્મમાં યુપીના શ્રમિકોનું જમીનદારો દ્વારા કેવું શોષણ થાય છે એની હૃદયદ્રવક વાત હતી. ફિલ્મમાં ઓમપુરી, સ્મિતા પાટિલ, મોહન આગાસે અને ગીતા સિધ્ધાર્થની ભૂમિકા હતી. મુંબઈમાં પટકથાઓ બનાવાય છે. લખાતી નથી. છતાં રાય, શાંતારામ, બિમલ રોય, ચેતન આનંદ, ગુરૂદત્ત તથા શ્યામ બેનેગલના ચાહક હતા. સત્યજીત રાયે 'અભિજાન' માં વહિદા રહેમાનને પણ ચમકાવી એના કહેવા મુજબ સત્યજીત પોતે અભિનય કળા જાણતાં હોવા છતાં તેઓ પોતે કદી પોતાની ઈચ્છા અભિનેતાઓ ઉપર લાદતા નહીં.
ટાગોરની નોબેલ વિજેતા કૃતિ 'ગીતાંજલિ' પણ છે. 'ગીતાંજલિ'માં અંગ્રેજીમાં ૧૦૩ ગીતો છે. ત્યારે બંગાળીમાં ૧૫૭ ગીતો છે. બંગાળી 'ગીતાંજલિ' ૧૯૧૦માં રચવામાં આવી
ટાગોરનું સમગ્ર કુટુંબ સાહિત્ય કળા અને સંગીતક્ષેત્રે જાણીતું હતું. જાણીતી ફિલ્મ અભિનેત્રી અને બોમ્બે ટોકિઝની સંચાલિકા દેવીકારાણી એમના ભાણેજ થાય. અભિનેત્રી શર્મિલા ટાગોર પણ એમના કુટુંબમાંથી જ આવે છે.
ટાગોર અને રાય જેટલા જ જાણીતા બંગબંધુ મૃણાલસેનનો ૧૪મી મેના રોજ જન્મદિન હતો. એમણે પણ 'બાયસેર શ્રાવણ'થી શરૂ કરીને અનેક બંગાળી કલાસિક ફિલ્મો બનાવી છે. ઉત્પલ દત્તનેં પહેલુ ચિત્ર એમણે ગુજરાતમાં મહુવા ખાતે બનાવ્યું. એમણે 'ખંડહર' નામનું હિન્દી ચિત્ર પણ બનાવ્યું જેનું સ્ક્રિનીંગ ફાંસના કાન્સ ખાતેના ચલચિત્ર મહોત્સવમાં થયું.
પણ આપણી કમનસીબી એ છે કે આવા મહાન ફિલ્મ સર્જકોની ફિલ્મોની પ્રિન્ટ સાચવવાના પ્રયાસ આપણે ત્યાં થતાં નથી. સત્યજીત રાયની સંખ્યાબંધ ફિલ્મોની પ્રિન્ટ બગડી ગઈ. એ રિ-સ્ટોર એટલે કે એમના પુનરોધ્ધાર કરાવવો પડયો. એ જ રીતે સમાચાર આવ્યા કે ફાળકે એવોર્ડ વિજેતા તપન સિંહાની ચાર ફિલ્મોની માસ્ટર પ્રિન્ટ ગાયબ છે.
તેઓ પણ જાણીતા બંગાળી નિર્માતા નિર્દેશક છે અને જાણીતી નિર્દેશિકા અર્પણા સેનના પિતા છે. ૧૯૯૯ માં એમણે 'એક ડોકટર કી મોત' નામે એક અદ્દભૂત ફિલ્મ બનાવેલી. ઉપરાંત એમની એક બીજી મહાન ફિલ્મ હતી. 'સગીના મહાટો' જે ચાના બગીચામાં કામ કરતાં મજૂરોની વાત છે. આ ફિલ્મ બંગાળીમાં હતી. એ પછી દિલીપકુમાર અને સાયરાબાનુને લઈને 'સંગીના' નામની હિન્દી આવૃતિ પણ બની હિન્દી ફિલ્મ 'બાવરચી' તપન સિંહાની બંગાળી ફિલ્મની હિન્દી આવૃતિ હતી. તપન સિંહાએ નકસલવાદ ઉપર પણ અનેક ફિલ્મો બનાવી છે. એમની એક બંગાળી ફિલ્મ 'આરોહી' ઉપરથી ઋષિકેશ મુખર્જીએ હિન્દીમાં 'અર્જુન પંડિત' બનાવી હતી.
એમણે પણ ટાગોરની વાર્તા 'કાબૂલીવાલા' ઉપરથી ફિલ્મ બનાવેલી બિમલ રોયની ફિલ્મ 'કાબૂલીવાલા' ૧૯૬૧ માં આવી પણ તપન સિંહાની 'કાબૂલીવાલા' ૫૬માં આવી હતી. જેને બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં રજત ચંદ્રક મળેલો આવા મહાન સર્જકની ફિલ્મોની પ્રિન્ટ ગુમ થઈ જાય એ ઘણી કમનસીબ ઘટના કહેવાય. પણ આપણે આવી મહાન કળા કૃતિઓની જાળવણી પ્રત્યે પ્રથમથી જ બેદરકાર છીએ. એમ પણ હવે જયારે ત્રણ બંગાળી સાહિત્યકાર અને ફિલ્મ સર્જકોની જન્મજયંતીથી ઉજવાઈ રહી છે ત્યારે આ બાબતમાં આપણે વહેલી તકે જાગવું જોઈએ.