વાપી : ભિલાડના ઝરોલી ગામે પુત્રએ પિતા પર જીવલેણ હુમલો ઢીમ ઢાળી દીધું
image : Freepik
Murder Case in Vapi : ભિલાડના ઝરોલી ગામે પાણીનો નળ ચાલું હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં પુત્ર દોડી ગયા બાદ પિતા પર લાકડા અને લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરી નાસી ગયો હતો. જો કે પિતાનું ગંભીર ઇજા થવાથી મોત થયું હતું.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ભિલાડ ઝરોલી ગામે પથ્થર ફળિયામાં રહેતા જગદીશ જીવણભાઇ હળપતિ (ઉ.વ.52) ગત તા.9-06-24ના રોજ રાત્રે ઘરની બહાર બેઠા હતા. તે વેળા પાણીનો નળ ચાલું હોવાથી પત્ની સાથે બોલાચાલી કરી હતી. તે વેળા પુત્ર વિરલ દોડી જઇ પિતા સાથે ઝપાઝપી કરી ઉશ્કેરાઈ જઇ લાકડા અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. આસપાસના લોકો દોડી ગયા બાદ વિરલ બાઇક પર ભાગી ગયો હતો.
ઇજાગ્રસ્ત જગદીશ હળપતિ મોટાભાઇના ઘરે જઈ આખી ઘટના જણાવી હતી. મોટાભાઇએ દવાખાને લઇ જવાનું કહેતા જગદીશ હળપતિએ ઇન્કાર કર્યો હતો. બીજા દિવસે સાંજે ફળિયામાં રહેતી શકુબેન હળપતિના મકાનના ઓટલા પર જગદીશ હળપતિ મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશનો કબજો લઇ પી.એમ.માં મોકલી દીધી હતી. પોલીસે પુત્ર વિરલ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પાણીનો નળ ચાલું હોવા અંગે પત્નીને કહેવાના સામાન્ય મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો. પોલીસે આ કેસ આરોપી પુત્ર વિરલની ધરપકડ કરી જેલ ભેગો કર્યો છે.