ઉમરગામ જીઆઇડીસીમાં જમવાનું બનાવવાના મુદ્દે બે મજૂર પર હુમલો કરતા એકનું મોત

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
ઉમરગામ જીઆઇડીસીમાં જમવાનું બનાવવાના મુદ્દે બે મજૂર પર હુમલો કરતા એકનું મોત 1 - image


- ઉમરગામના નંદવાણા ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો

- ગંભીર રીતે ઇજાગ્રસ્ત મજૂરને હોસ્પિટલમાં ખસેડાયો : આજે બુધવારે સવારે ઘટના બહાર આવી

વાપી,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર

ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી નંદવાણા ટ્રાન્સપોર્ટ કંપનીના પરિસરમાં જમવાનું બનાવવાના મુદ્દે થયેલા ઝઘડામાં એક મજૂરે પોઢી રહેલા બે મજૂર પર મોટા પથ્થર વડે હુમલો કરતા એકનું મોત થયું હતું. આજે સવારે ઘટના બહાર આવતા પોલીસ દોડી ગયા બાદ ઇજાગ્રસ્ત મજૂરને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આરોપી ફરાર થઇ ગયો હતો.

 પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ઉમરગામ જીઆઇડીસીમાં નંદવાણા ટ્રાન્સપોર્ટ કંપનીની ઓફિસ આવેલી છે. મજૂરો મારફતે વાહનોનાં માલસામાનનું લોડિંગ અનલોડિંગ કરાઇ છે. મજૂરો ઓફિસ પરિસરમાં જ રહે છે. આજે બુધવારે વહેલી સવારે મજૂરો કામ પર આવ્યા ત્યારે બે મજૂરો જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલા મળી આવ્યા હતા. બનાવને પગલે લોકો દોડી ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. જો કે બે પૈકી વિનોદ દુર્ગાપ્રસાદ તાકીયાનું ગંભીર ઇજા થતા મોત થયું હતું. જ્યારે ઉમેશ વીરવલ તાકીયાને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

પોલીસે ઘટના સ્થળે હાથ ધરેલી તપાસમાં લોહીવાળો મોટો પથ્થર મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વિનોદ અને અન્ય મજૂરોએ પવન રામસ્વરૂપ તાકીયા બે દિવસથી જમવાનું ન બનાવવાના બોલાચાલી કરી ઠપકો આપ્યો હતો. ગઇકાલે મંગળવારે રાત્રે વિનોદ અને ઉમેશ મચ્છરદાનીમાં પોઢી ગયા હતા. મધરાતે પવને થયેલા ઝઘડાની અદાવતમાં ઉશ્કેરાઇ જઇ મોટા પથ્થર વડે વિનોદ અને ઉમેશ પર જીવલેણ હુમલો કરી ભાગી ગયો હતો. રસોઇ બનાવવાનો મુદ્દો હત્યા સુધી પહોંચી ગયો હતો. હાલ પોલીસે પવન તાકીયા સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડવા કવાયત આદરી છે.


Google NewsGoogle News