Get The App

ઉમરગામમાં વીજ કચેરીના અધિકારીના નામે કોન્ટ્રાક્ટર લાંચ લેતા પકડાયો

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
ઉમરગામમાં વીજ કચેરીના અધિકારીના નામે કોન્ટ્રાક્ટર લાંચ લેતા પકડાયો 1 - image


ઉમરગામમાં ચાર દિવસ અગાઉ લાંચની ગુનો નોંધાયા બાદ આજે મંગળવારે વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. વલસાડ એસીબીએ વીજ કંપનીના અધિકારીના નામે નાણાં માંગનાર ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર  રૂ.૧૨૩૦૦ની લાંચ લેતા રંગેહાથ પકડી પાડયો હતો. કોન્ટ્રાક્ટરે ફરિયાદીના પ્લોટમાં હંગામી વીજ કનેક્શન અપાવવા નાણાંની માંગણી કરી હતી.

ઉમરગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પરેશ રામ અને કોન્સ્ટેબલ મુરૂ ગઢવીને ચાર દિવસ અગાઉ નવસારી એસીબીએ રૂ.૮૯ હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા. આ કેસમાં સઘન તપાસ હાથ ધરાઇ રહી છે ત્યાં ઉમરગામમાં જ વધુ એક લાંચની કિસ્સો બહાર આવતા ચકચાર મચી છે. જે અંગે એસીબીના સુત્રો પાસે મળતિ માહિતી મુજબ ઉમરગામ ખાતે રહેતા એક શખ્સે પોતાના પ્લોટમાં બે વર્ષ માટે હંગામી વીજ કનેક્શન મેળવવા ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર દિનેશ ઉર્ફે દેવેન્દ્ર મનુભાઇ કરાંચીવાલાનો સંપર્ક કર્યો હતો. બાદ દિનેશે ઓનલાઈન અરજી કરવા રૂ.૨૨૬૯૦ ફી અને કામ માટે વીજ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેરના નામે રૂ.૧૨૩૦૦ માંગ્યા હતા. ફી ઉપરાંત વધારાની રકમની  માંગણી કરાતા શખ્સે વલસાડ લાંચ રૂશ્ર્વત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી. 

ઉમરગામમાં વીજ કચેરીના અધિકારીના નામે કોન્ટ્રાક્ટર લાંચ લેતા પકડાયો 2 - image

ફરિયાદને પગલે એસીબીના પી.આઇ.એસ.એન.ગોહિલ અને ટીમે આજે મંગળવારે ગોઠવેલા છટકામાં ફરિયાદી ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટરની ઓફિસે ગયો હતો. બાદ ફરિયાદીએ દિનેશને રૂ.૧૨૩૦૦ આપતા જ અધિકારી પહોંચી જઇ લાંચની રકમ સ્વીકારનાર દિનેશ કરાંચીવાલાને રંગેહાથ ઝડપી પાડયા બાદ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉમરગામમાં માત્ર ચાર દિવસમાં લાંચની બીજો ગુનો નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે ઉમરગામ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીમાં પણ વચેટીયા મારફતે વહીવટ કરાતો હોવાની પણ ફરિયાદ ઉઠતી રહે છે. ત્યારે એસીબી આ દિશામાં તપાસ કરી લાંચીયાઓને પકડી પાડી કાર્યવાહી કરે તે જરૂરી છે.


Google NewsGoogle News