પારડીના પલસાણામા બે વૃદ્ધાને માર મારી રોકડ અને 9 તોલા દાગીનાની લૂંટ
- મકાનના પાછળના ભાગે દરવાજો તોડી બુકાનીધારી લૂંટારૂઓએ બંને મહિલાઓને લાકડા વડે માર મારી લૂંટ ચલાવી ભાગી ગયા
વાપી, તા. 14 માર્ચ 2024, ગુરૂવાર
પારડીના પલસાણા ગામે આવેલા મકાનમાં ગઈકાલે બુધવારે મધરાતે ચાર 25થી 30 વર્ષિય બુકાનીધારી લૂંટારૂઓએ લાકડા અને કૂહાડી વડે બે વૃદ્ધ મહિલાને બાનમાં રાખી માર મારી લૂંટ ચલાવી હતી. લૂંટારૂઓ લગભગ 9 તોલા સોનાના ઘરેણા, રોકડા રૂ. 50 હજાર અને બે મોબાઈલ લૂંટી ગયા હતા.
પારડીના પલસાણા ગામે દેસાઈ ફળિયામાં સાવિત્રીબેન ગુણવંતરાય નાયક (ઉ.વ.82) અને ઉપાબેન મહેશચંદ્ર જોષી (ઉ.વ.72) સાથે મકાનમાં રહે છે. ગઈકાલે મધરારાતે ચાર રૂપથી 30 વર્ષીય બુકાનીધારી લૂંટારૂઓએ કમ્પાઉન્ડના તાર ખૂંટા તોડી મકાનના પાછળનો દરવાજો ખોલી અંદર પ્રવેશ્યા હતા. અવાજ સંભળાતા બંને મહિલા જાગી જતાં લૂંટારુઓએ તમારી પાસે પહેરે સોના-ચાંદીના દાગીના તથા રૂપિયા હોય તો અમોને આપી દો એમ જણાવ્યું હતું.
ગભરાયેલા સાવિત્રીબેને ચીસ પાડતા જ તેઓ અને ઉષાબેન પર લાકડા વડે હુમલો કર્યો હતો. લૂંટારૂઓ કુહાળીની અણીએ બાનમાં રાખી બન્નેના શરીર પર પહેરેલા દાગીના ઉતરાવી લીધા હતા. બાદમાં કબાટમાંથી રોકડા રૂ.50 હજાર અને દાગીના કાઢી લીધા હતા. લુંટારૂ કુલ 9 તોલા દાગીના, રોકડ અને બે મોબાઈલની લૂંટ ચલાવી કોઈને પણ જાણ કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટયા હતા.
બનાવ અંગે સંબધીને જાણ કરતા તેઓ દોડી ગયા હતા. પોલીસને ઘટના અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કવોર્ડની મદદથી તપાસ આદરી હતી. ઉષાબેનની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે. લૂંટારૂનો ગુજરાતી ભાષામાં વાતચીત કરતા હોવાથી જાણભેદુ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.