નકલી સોનું પધરાવી છેતરપિંડી કરતી ટોળકીના બે સાગરિત સોનાના મણકા, ચાંદીના સિક્કા સાથે પારડીમાં પકડાયા
Duplicate Gold Fraud in Pardi : સસ્તામાં સોનું આપવાની લાલચ આપ્યા બાદ નકલી સોનું પધરાવી નાણાં પડાવી છેતરપિંડી કરતી ટોળકીના બે સાગરિતને પારડીથી દબોચી લીધા હતા. એસઓજીએ રોકડા રૂ.1.01 લાખ, સોનાના મણકા, ચાંદીના સિક્કા, ધાતુની માતા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીએ સરીગામના એક શખ્સ સાથે છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી હતી.
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પારડીના હાઇવે પર કુમાર શાળા નજીક બે શખ્સોને અટકાવી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ નહી આપતા કડકાઈથી પૂછપરછ કરી બેગમાં તપાસ કરતા રૂ.1.01 લાખ, સોનાના મણકા નંગ 29, ઘાતુની માતા, ચાંદીના સિકકા સહિતનો મળી આવ્યો હતો. પોલીસે પુરાવા રજૂ કરવા જણાવતા બન્ને કોઇ પુરાવા રજૂ નહી કરતા મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપી જીતેન્દ્રકુમાર ઉર્ફે અશોક ગડ લાલજીરામજી વાઘેલા (ઉ.વ.32) અને અર્જુન ભીમાજી સોલંકી (ઉ.વ.38) (બન્ને રહે.પારડી) ની ધરપકડ કરી હતી.
પોલીસે બન્ને આરોપીની કરેલી પ્રાથમિક પૂછપરછમાં એક મહિના અગાઉ ભિલાડના સરીગામ ખાતે એક શખ્સને સસ્તામાં સોનું આપવાના બહાને ધાતુની માળા પધરાવી રૂ.50 હજાર પડાવી લીધા હતા. જ્યારે તાજેતરમાં જ વાપીના ચંડોર ગામે રહેતા હનુમંત રેસિડન્સીમાં રહેતા ધનજ્ય જયસ્વાલને સસ્તામાં એક કિલો સોનું આપવાનાનું જણાવી રૂ.5 લાખ લઇ વલસાડ બોલાવ્યો હતો. ધનજ્યને બન્નેએ સોનાની માળા આપતા તેણે સોનીની દુકાનમાં ચકાસણી કરાવવાનું કહ્યા બાદ બન્ને પોબારા ભણી જતા ધનજ્ય છેતરપીંડીનો ભોગ બનતા બચી ગયો હતો.
આરોપી ફુલ વેચવાના બહાને નિકળી કરતબ અજમાવતા હતા
વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દુકાનદાર અને લોકો સાથે છેતરપિંડી કરતા બે આર,પીને દબોચી લીધા હતા. પૂછપરછ દરમિયાન બન્ને આરોપી જે તે વિસ્તારમાં પ્લાસ્ટિકના બનાવેલ ફૂલો વેચવા નીકળતા અને બાદ તે વિસ્તારમાં તેઓને એવું લાગે કે આ વ્યક્તિને સહેલાઈથી છેતરી શકાશે તેવા દુકાન માલિક કે વ્યક્તિ સાથે કોઇ વસ્તુ લેવાનાં બહાને કે અન્ય રીતે વાતચીત કરતા હતા. બાદ આરોપીઓ પોતે કન્સ્ટ્રકશનનું કામ કરતા હતા ત્યારે ખોદકામ કરતી વખતે સોનુ મળ્યું એમ કહી સસ્તામાં આપવાની લાલચ આપતા હતા. એટલું જ નહી પણ સાચા સોનાનો એક મણકો સેમ્પલ તરીકે આપી દેતાં. આ સેમ્પલ દુકાનદાર જો કોઈ સોની પાસે ચેક કરાવે તો તે સાચું હોવાથી તે દુકાનદાર કે વ્યક્તિને આરોપીઓ પર વિશ્વાસ આવી જતા આરોપી નકલી સોનું પધરાવી નાણાં પડાવી ગુનાને અંજામ આપતા હતા.