વાપી રેલવે સ્ટેશનને ત્રણ મુસાફરો ટ્રેન અડફટે ચઢી જતા બેના મોત, એક ગંભીર ધાયલ
Train Accident Death in Vapi : વાપી રેલવે સ્ટેશન પર આજે સોમવારે બનેલા ટ્રેન અકસ્માતમાં યુવતિ સહિત બેના મોત થયા હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પ્લેટફોર્મ નં.2 પર ટ્રેનમાંથી રોંગ સાઇટ ઉતર્યા બાદ મુસાફરો ટ્રેક ક્રોસ કરતી વેળા અન્ય ટ્રેન અડફટે આવી જતા કરૂણાંતિકા સર્જાઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વાપી રેલવેના પ્લેટફોર્મ નં.2 પર આજે સોમવારે બપોરે ઝાંસી-બાંદ્રા ટ્રેન થોંભ્યા બાદ યુવતિ સહિત ત્રણ મુસાફરો ટ્રેનમાંથી રોંગ સાઇટથી ઉતરી પ્લેટફોર્મ નં.1 પર જવા ટ્રેક ક્રોસ કરવા જતા મુંબઇથી આવી રહેલી લીંગમપલ્લી-ઇન્દોર હમસફર ટ્રેન અડફટે આવી ગયા હતા. જો કે આ ગંભીર ઘટનાને પગલે મુસાફરો દોડી ગયા હતા. આ ઘટનામાં ત્રણ પૈકી યુવતિ સહિત બેના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. રેલવે પોલીસના અધીકારી અને ટીમ દોડી ગઇ હતી. પોલીસે મૃતક અને ઇજાગ્રસ્તની ઓળખ કરવા કવાયત આદરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સન 2010માં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર આવી રહેલી બાંદ્રા-પટના ટ્રેનમાં ચઢવા મુસાફરો રોંગ સાઇટ પરથી ચઢતી વેળા છ મુસાફરો માલગાડી ટ્રેન અડફટે આવી જતા મોત થયા હતા.