ઉમરગામના વંકાસનો કિસ્સો, બે સગા ભાઈઓએ ભેદી સંજોગોમાં આપઘાત કરતા પરિવારમાં માતમ
image : Socialmedia
- નાનાભાઈએ પરિવારની ગેરહાજરીમાં ઘરમાં જ ફાસો ખાધો અને મોટાભાઈએ આંબાવાડીમાં જઈ અંતિમ પગલું ભર્યું
વાપી,તા.10 ફેબ્રુઆરી 2024,શનિવાર
ઉમરગામ તાલુકાના વંકાસ ગામે રહેતા ભીમરા પરિવારના બે સગા ભાઈઓએ રહસ્યમય સંજોગોમાં આપઘાત કરતા પરિવાર તથા ગામમાં શોકની કાલીમાં પ્રસરી ગઈ હતી. ગઈકાલે શુક્રવારે મોડી સાંજે નાનાભાઈએ મકાનનમાં લાકડા સાથે દોરી વડે ફાસો ખાધો અને રાત્રે મોટોભાઈ ઘરેથી ગાયબ થયા બાદ નજીકમાં આવેલી વાડ઼ીમાં આંબાના વૃક્ષ સાથે ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું હતું.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉમરગામના વંકાસ ગામે ભીમરાપાડામાં લલ્લુભાઈ રઘુભાઈ ભીમરા પરિવાર સાથે રહે છે. ગઈકાલે શુક્રવારે લલ્લુભાઈ ગામમાં આવેલી અનાજ દળવાની મીલમાં કામ પર ગયા હતા. સાંજે લલ્૨લુભાઇની પુત્રવધુ અને પૌત્ર શાહીલ નરેશભાઈ ભીમરા બાઈક પર આવ્યા હતા. બાદ પુત્રવધુ મીલ પર ઉભી રહી સાસુ સાથે વાત કરતી હતી. બાદમાં શાહીલ બાઈક પર ઘરે નીકળી ગયો હતો. રાત્રે 8.30 વાગ્યે પુત્રવધુ ભારતી ઘરે ગઈ ત્યારે શાહીલ (ઉ.વ.21)ને ફાસો ખાધેલી હાલતમાં જોતા હતપ્રત બની ભારે બુમાબુમ મચાવી દીધી હતી. બાદમાં પરિવારજનો સહિત લોકો દોડી ગયા બાદ શાહીલા ગળે ટૂપો કાપી ભિલાડ સરકારી હોસ્પિટલમાં લઈ જતાં ડોકટરે મૃત જાહેર કર્યો હતો.
નાનાભાઈ આપઘાત કરી અંતિમ પગલું ભર્યા બાદ મોટો ભાઈ મેહુલ નરેશભાઈ ભીમરા (ઉ.વ.23) રાત્રે ઘરેથી ગાયબ થઈ ગયો હતો. પરિવારંજનો ચિંતિત બની મેહુલની શોધખોળ કરતા ઘર પાછળ આવેલી વાડીમાં આંબાના વૃક્ષ સાથે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. એકજ પરિવારના બે ભાઈઓએ ભેદી સંજોગોમાં અંતિમ પગલું ભરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. એટલું જ નહીં પણ ગામમાં શોકની લાગણી પણ પ્રસરી ગઈ હતી. બંને ભાઈઓએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે રહસ્ય અકબંધ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 8 મહિના અગાઉ જ શાહીલ અને મેહુલના પિતાનું અવસાન થયું હતું. મેહુલ નંદીગામ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરતો હતો અને શાહીલ સરીગામમાં કોમ્પ્યૂટર કલાસ કરતો હતો.