પારડીના દશવાડાની તરૂણી સાથે અડપલા કરનાર આરોપીને ત્રણ વર્ષની કેદ
પારડીના પરિયા ગામે રહેતા યુવાને વર્ષ 2015માં તરૂણી સાથે શારીરિક અડપલા કર્યાના ગુનામાં પોકસો કોર્ટે આરોપીને ત્રણ વર્ષની કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે.
કેસની વિગત એવી છે કે પારડીના દશવાડા ગામે એક પરિવાર રહે છે. ગત તા.3-5-2015ના રોજ પરિવારની તરૂણી કામિની (નામ બદલ્યું છે) ઘરેથી સાયકલ પર પારડી ટયુશન ક્લાસમાં ગઇ હતી. કામિની ટયુશન ક્લાસમાંથી છુટયા બાદ પરત સાયકલ પર ઘરે જવા નિકળી હતી. તે દરમિયાન રસ્તામાં મિલન ઇશ્ર્વરભાઇ પટેલે (રહે.પરિયા) કામિનીને અટકાવી તે બોલે કે સમયે તે પહેલા કામવાસનામાં ચકચુર બની શરીરે અડપલા કરતા કામિનીએ બુમાબુમ કરતા હવસખોર મિલન ભાગી જતા કામિની ઇજ્જત લુંટાતા બચી ગઇ હતી. ગભરાયેલી કામિની ઘરે આવ્યા બાદ માતાએ રડતા જોય કામિનીને કેમ રડે છે એમ પૂચ્છયું હતું. બાદમાં કામિનીએ આખી બીના જણાવી હતી. મિલનના ગંભીર કૃત્ય અંગે પોલીસમાં ગુનો નોંધાયા બાદ ધરપકડ કરાઇ હતી.
આ કેસની વાપી પોકસો સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિતના સાક્ષીની જુબાની અને પુરાવા સાથે અનેક પાસા પર દલીલો કરી હતી. કોર્ટના જજ એમ.પી.પુરોહિતે આરોપી મિલન પટેલને દોષી ઠેરવી ત્રણ વર્ષની કેદની સજા ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે રૂ. 500ના દંડની પણ જોગવાઈ કરાઇ છે.