વલસાડ મંગલમ મિડોઝમાં સિરિયલના શુટિંગ લોકોના વિરોધ બાદ બંધ કરાવાયા
-મુંબઇથી 200થી વધુનો સ્ટાફ આવ્યો હતો અને કોવિડ ગાઇડ લાઇનનો ભંગ કરતો હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો
વલસાડ
વલસાડના ચણવઇ ગામે આવેલા માલેતુજારોના બંગ્લોઝના પ્રોજેક્ટ મંગલમ મિડોઝમાં હાલ કોરોનાના કાળમાં છેલ્લા કેટલાક સમયથી કાંટેલાલ એન્ડ સન્સ અને બાવરે નૈન સિરિયલનું શુટિંગ ચાલુ થયું હતુ. અહીં ૨૦૦થી વધુ લોકો શુટિંગ માટે કાર્યરત દેખાતાં સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. અને પોલીસને ફરિયાદ કરી હતી પણ પોલીસે લેખિતમાં માંગતા આખરે કલેક્ટર સુધી મામલો પહોંચતા આખરે બંને સિરિયલના શુટિંગ બંધ કરાવ્યા હતા.
મહારાષ્ટ્રમાં લોકડાઉનના કારણે ફિલ્મ અને ખાસ કરીને વિવિધ સિરિયલના શુટિંગ બંધ થઇ ગયા હતા. જેથી તેઓ શુટિંગ માટે વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશમાં આવી રહ્યા છે. સબ ટીવી પર ચાલતી કાંટેલાલ એન્ડ સન્સ અને કલર્સ પર આવતી બાવરે નૈન સિરિયલના શુટિંગની ટીમ શુટિંગ માટે વલસાડના ચણવાઇ ગામે મંગલમ મિડોઝ સોસાયટીમાં આવી ગયા હતા. આ બંન્ને સીરીયલના ૨૦૦થી વધુ કલાકારો અને સ્ટાફ મંગલમ મેડોઝના કેમ્પસમાં રહીને ખાવા-પીવા-રહેવા અને શુટીંગ કરવાનું શરૃ કર્યુ હતુ. મુંબઈની ગ્લેમરસ રંગીન દુનિયામાંથી આવતા કલાકારો અને સ્ટાફે કેમ્પસમાં જાહેરમાં જ દારૃ અને સીગારેટ પીવાનું શરૃ કર્યુ હતું અને સાંજે બાળકો રમતા હોય ત્યારે તેઓ પાસે માસ્ક વગર જ પહોંચી જઈ સીગારેટ મંગાવતા હતા અને શુટીંગ ન હોય ત્યારે પણ કોવિડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન ન કરતા સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. ગત રાત્રે રહીશોએ ડેવલપર શૈલેષ દલાલને રજુઆત કરવા જતાં તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈને રહીશોને ગાળાગાળી કરીને શુટીંગ તો અહીં જ થશે તેવી ધમકી આપી હતી. જેને કારણે રહીશોએ બુધવારે વલસાડ રૃરલ પોલીસને જાણ કરી હતી. પોલીસ ત્યાં ગઈ હતી પરંતુ વાતચીત કરી ફરિયાદ આપો તેમ કહીને વધારે દાદ આપી ન હતી.
ત્યારબાદ મામલો કલેકટર આર.આર.રાવલ પાસે પહોંચ્યો હતો તેમણે ગંભીરતા દાખવતા રૃરલ પીએસઆઈ રાણા એકશન મોડમાં આવી ગયા હતા અને મંગલમ મેડોઝના ડેવલપર અભિષેક દલાલને પો.સ્ટે.માં બોલાવીને ભારે શાબ્દીક ધોલાઈ કરી હતી અને શુટીંગ અંગે કોઈ પણ પરવાનગી લીધી હોય બંન્ને સીરીયલોના શુટીંગ તાત્કાલિક બંધ કરાવી દીધા હતા. બીજી બાજુ મંગલમ મેડોઝના સ્થાનિક રહીશોએ વલસાડ રૃરલ પો.સ્ટે.માં મંગલમ મેડોઝના ડેવલપર સામે પોલીસ ફરિયાદ આપી હતી.
ડેવલપરે માલિકોની જાણ બહાર બંગલા ભાડે આપ્યા
ડેલવપરે
અનેક બંગલાના માલિકોની જાણ બહાર તેઓના બંગલા બંન્ને ટીવી સીરીયલોના શુટીંગ અને
રેહવા માટે આપી દીધા હતા. જેમાં પી-૧૨ ના અતુલ વિદ્યાલયના માજી પ્રીન્સીપલ કર્નલ
શેખર, જે-૧ ના મેહુલભાઈ શહા, સ-૧૪ ના બળવંતભાઈ વોરા સહિતના
અનેક બંગલા માલિકોને સ્થાનિક રહીશોએ જાણ કરતાં તેઓએ બંગલા કોઈને પણ આપ્યા ન
હોવાનું જણાવ્યું હતુ. આમ ડેવલપરે બહારગામ
રહેતા માલિકોના બંગલા બીજી ચાવીથી ખોલીને બંગલામાં ગેરકાયદેસર પ્રવેશ કરાવીને
બંગલા માલિકો સાથે પણ છેતરપિંડી કરી છે.
ડેવલપરનું પોલીસ સાથે સેટીંગ હોવાની
ચર્ચા
ડેવલપર શૈલેષ દલાલને સ્થાનિક રહીશો આ બાબતે
રજૂઆત કરવા ગયા ત્યારે તેજસ અકાણી અને
શાંતિલાલ પ્રજાપતિ ઉપર એકદમ ઉશ્કેરાઈ જઈને ધાક-ધમકીઓ આપી મારવા માટે દોડી
ગયા હતા અને બંન્ને રહેવાસીઓને ખુલ્લેઆમ ધમકીઓ આપી હતી. બુધવારે તો પોલીસની
હાજરીમાં પણ રહેવાસીઓને ધમકી આપી હતી. આમ છેલ્લા ૨૦ દિવસથી ચાલતા શુટીંગ બાબતે
સ્થાનિક પોલીસ પણ અજાણ ન હતી અને ડેવલપરે પોલીસ સાથે પણ સેટીંગ કર્યુ હોવાની ચર્ચા
ચાલી હતી.