સેલવાસમાં પાંચ વર્ષથી સ્કોલરશીપ નહી અપાતા વિધાર્થીઓ ભુખ હડતાલ પર બેઠા
- સ્કોલરશીપના અભાવે પડતી મુશ્કેલી અંગે વારંવાર રજૂઆત કરવા છતા પરિણામ શૂન્ય વિદ્યાર્થીઓ સ્કોલરશીપ હમારા અધિકાર હે, તારીખ પે તારીખ નહી ચલેંગી શિષ્યવૃત્તિ પૂરી દેની હોગી સહિતના બેનરો સાથે જોડાયા
વાપી,તા.11 માર્ચ 2024,સોમવાર
દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓને છેલ્લા પાંચ વર્ષથી સ્કોલરશીપ નહી અપાતા આજે સોમવારે ડીએનએચ વિદ્યાર્થી મોરચા દ્વારા અપાયેલા ભુખ હડતાલના આંદોલનમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. કલેક્ટર કચેરી બહાર વિદ્યાર્થીઓ વિવિધ બેનર સાથે હડતાલ પર બેઠા હતા.
દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ નહી અપાતા ગરીબ અને આદિવાસી વિદ્યાર્થીઓ ધણા સમયથી પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલે રજૂઆત કરવા છતાં હકારાત્મક પરિણામ આવ્યું ન હતુ. થોડા સમય અગાઉ ડીએનએચ વિદ્યાર્થી મોરચા આ મામલે કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી કોઇ ઉકેલ નહી આવે તો આંદોલનની ચિમકી પણ આપી હતી. પ્રસાશને કોઇ પગલા નહી ભરાતા આજે સોમવારે ડીએનએચ વિદ્યાર્થી મોરચા નેતા હેઠળ સેંકડો વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ કલેક્ટર કચેરી બહાર ભુખ હડતાલ પર બેઠા હતા. ભુખ હડતાલ પર વિદ્યાર્થીઓ સ્કોલરશીપ હમારા અધિકાર હે, તારીખ પે તારીખ નહી ચલેંગી શિષ્યવૃત્તિ પૂરી દેની હોગી, વી વોન્ટેડ ટુ સ્ટડી સહિતના બેનરો સાથે જોડાય માંગણી પૂર્ણ કરવા સુત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓના ભુખ હડતાલના આંદોલનને લઇ પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો.