Get The App

વાપીના ચણોદના શ્રીરામ સ્ટુડિયોમાં કોમ્પ્યૂટર થકી દસ્તાવેજોમાં સુધારો અને ફેરફાર કરવાના રેકેટનો પર્દાફાશ

એસઓજીએ દુકાનદાર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી : પાનકાર્ડ, લેપટોપ, પ્રિન્ટર, વેબ કેમેરા, સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
વાપીના ચણોદના શ્રીરામ સ્ટુડિયોમાં કોમ્પ્યૂટર થકી દસ્તાવેજોમાં સુધારો અને ફેરફાર કરવાના રેકેટનો પર્દાફાશ 1 - image


Vapi News: વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વાપીના ચણોદ ગામે આવેલા ફોટો સ્ટુડિયોમાં છાપો મારી કોમ્પ્યૂટર થકી ગેરકાયદે આધારકાર્ડ, જન્મપ્રમાપત્ર, ઈલેકશનકાર્ડ, પાન કાર્ડમાં સુધારો અને ફેરફાર કરી બોગસ દસ્તાવેજ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે દુકાનદાર સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે મળેલી માહિતીના આધારે એક ગ્રાહકની મદદથી વાપીના ચણોદ ખાતે આવેલા શ્રીરામ સ્ટુડિયોમાં છાપો માર્યો હતો. દુકાનમાં ગેરકાયદેસર રીતે કોમ્પ્યૂટર મારફતે વિવિધ દસ્તાવેજોમાં સુધારા અને ફેરફાર કરી ગ્રાહકો પાસેથી નાણા વસુલાતા હોવાની પણ માહિતી મળતા સઘન તપાસ આદરી હતી. તપાસ દરમિયાન દુકાનમાં હાજર દુકાનદાર સહિત ત્રણ શખ્સોની પૂછપરછ કરી હતી. જે દરમિયાન દુકાનમાં કોમ્પ્યૂટરની મદદથી ગેરકાયદે આધારકાર્ડે, જન્મપ્રમાપત્ર, ઈલેકશનકાર્ડ, પાનકાર્ડમાં સુધારો અને ફેરફાર કરી બોગસ દસ્તાવેજ બનાવવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.

પોલીસને તપાસ દરમિયાન દુકાનમાંથી 21 નંગ જન્મ પ્રમાણપત્ર, 65 નંગ આધારકાર્ડ, 9 નંગ ઈલેકશન કાર્ડ, 1 નંગ પાનકાર્ડ મળી આવ્યા હતા. પોલીસે દુકાનમાંથી 3 લેપટોપ, લેમિનેશન મશીન, પ્રિન્ટર, વેબ કેમેરા, કિંગર પ્રિન્ટ સ્કેન, થમ્બ સ્કેનર, આઈકાર્ડ કટર મશીન, આઈરીસ સ્કેનર, લેમિનેશન કવર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપી મનીષ રામલાલ સેન (ઉ.વ.37, રહે. ચણોદ કોલોની, વાપી), અબ્દુલ્લા મોહેમદ સમીમ ખાન (ઉ.વ.32, રહે. કરવડ, વાપી) અને કાલંદીચરણ રમેશચંદ્ર સામલ (ઉ.વ.41, રહે. છરવાડા, વાપી) ની ધરપકડ કરી હતી.

એક આરોપી દમણની બેંકમાં આધારકાર્ડની કામગીરી કરે છે

વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગેરકાયદે રેકેટનો પર્દાફાશ કરી ત્રણ આરોપીની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી પ્રાથમિક પૂછપરછમાં સ્ટુડિયોમાં કામ કરતો કાલદીચરણ અને દમણની કનેરા બેકમાં આધારકાર્ડની કામગીરી કરતો અબ્દુલ્લા પાર્ટ ટાઈમ સ્ટુડિયોમાં આવી બનાવટી દસસ્તાવેજ બનાવવાની કામગીરી કરતો હતો. દુકાનદાર અબ્દુલ્લાને પ્રતિ ગ્રાહક કમિશન આપતો હતો.

ગ્રાહક પાસેથી રૂ.600 વસુલાતા હતા

ગેરકાયદેસર રીતે દસ્તાવેજોમાં સુધારો અને ફેરફાર કરવાના રેકેટમાં ત્રણ આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ ચોકાવનારી મહિતી બહાર આવી છે જેમાં દુકાનદાર દ્વારા જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજોમાં સુધારો કરવા માટે રૂ. 600 વસુલ કરવામાં આવતા હતા. દુકાનદાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી.



Google NewsGoogle News