Get The App

વાપીમાં વલસાડના પોલીસ જવાનનો ભેદી રીતે આપઘાત

Updated: May 20th, 2024


Google NewsGoogle News
વાપીમાં વલસાડના પોલીસ જવાનનો ભેદી રીતે આપઘાત 1 - image


વાપીના સી ટાઇપમાં આવેલા પોલીસ ક્વાટર્સમાં રહેતા અને વલસાડ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ભેદી સંજોગોમાં ફાસો ખાય આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. પત્ની માદરે વતન સુરેન્દ્રનગર ગઈ હતી. આપઘાત પાછળનું કારણ હાલ બહાર આવી શક્યું નથી. પણ માનસિક તણાવને કારણે અંતિમ પગલું ભર્યાની ચર્ચા ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વાપી જીઆઇડીસીના સી ટાઇપમાં આવેલી પોલીસ કવાટર્સમાં રહેતા અને બે વર્ષથી વલસાડ સીટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મનીષ સોમાભાઈ મહેરીયા (ઉ.વ.30)એ ભેદી સંજોગોમાં ફાસો ખાય આપઘાત કરતા ચકચાર મચી ગઇ હતી. આજે સોમવારે નોકરી પર નહીં પહોંચતા સહ કર્મચારીએ કવાટર્સમાં રહેતા પાડોશીને તપાસ કરવા જણાવ્યું હતું. બાદમાં કવાટર્સમાં રહેતા રહીશોએ રૂમનો દરવાજો ખોલી અંદર પ્રવેશતા જ મનીષની પંખા સાથે ફાસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવ અંગે  જાણ થતાં વાપી વિભાગના ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પોલીસે મૃતક મનીષ મહેરીયાની લાશનો કબજો લઇ ચલા સીએચસીમાં પી.એમ. માટે મોકલી દીધી હતી. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોને જાણ કરાતા પત્ની સહિત પરિવારજનો વાપી આવવા નીકળી ગયા હતા. મનીષ મહેરીયાએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે અંગે કોઈ કારણ બહાર હાલ આવી શકયું નથી. પરંતુ પોલીસબેડામાં ચાલતી ચર્ચા મુજબ મનીષ છેલ્લા ઘણા દિવસથી માનસિક તણાવમાં રહેતો હતો. ચાર-પાંચ દિવસથી સહકર્મચારી સાથે વલસાડથી વાપી આવાગમન કરતો હતો. આજે સહકર્મચારીને તબીયત સારી નહીં હોવાથી નોકરી પર આવવા ના પાડી હતી. બાદ રૂમમાં જ અંતિમ પગલું ભરી લીધું હતું.


Google NewsGoogle News