વાપીમાં 53.37 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એકની ધરપકડ કરાઇ
વાપીના ગુંજન વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીના એક બિલ્ડીંગના રૂમમાં પોલીસે છાપો મારી રૂ.૫.૩૩ લાખની કિંમતના ૫૩.૩૭ ગ્રામ એમડી ડગ્સ (મેટા એમ્ફેટામાઈન)ના જથ્થા સાથે કર્ણાટકના એક શખ્સની ધરપકડ કરી છે. પોલીસે એમડી ડ્રગ્સનો જથ્થો, બે મોબાઈલ અને રોકડા રૂ. ૩૪૫૦૦ જપ્ત કર્યાહતા. જથ્થો એક શખ્સ આપી ગયા બાદ આરોપી પોતાની રૂમમાંથી ગ્રાહકોને ડ્રગ્સનું વેચાણ કરતો હતો.
વલસાડ જીલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એએસઆઈ અશોકકુમાર રમાશંકરને મળેલી બાતમીના આધારે ટીમે ગઈકાલે ગુરૂવારે મધરાતે ગુંજન વિસ્તારમાં આવેલી ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડસોસાયટીની બિલ્ડીંગ નંબર ૭૧માં રૂમ નંબર ૧૩૮૬માં રહેતા શંકર વિજય સિકેત (મુળ રહે. કર્ણાટક) ને ત્યાં છાપો માર્યો હતો. પોલીસે છાપા દરમિયાન રૂમમાં સઘન તપાસ આદરી હતી. તેદરમિયાન સફેદ પાવડર ભરેલી નાની નાની પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. આ બાબતે શંકર સિકેતને પૂછતા સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
પોલીસ અધિકારીએ એફએસએલની મદદથી સફેદ કલરના પાવડરની જથ્થાનું પરિક્ષણ હાથ ધર્યું હતું. જે દરમિયાન પાવડરનો જથ્થો મેટા એમ્ફેટામાઈન (એમડી ડ્રગ્સ) હોવાનું તારણ બહાર આવ્યું હતું. બાદમાં પોલીસે રૂ.૫.૩૭ લાખની કિંમતના ૫૩.૩૭ ગ્રામ એમ ડી ડ્રગ્સનો જથ્થો, રોકડા રૂ. ૩૪૫૦૦ અને બે મોબાઈલ જપ્ત. કર્યા હતા. જયારે આરોપી શંકર સિકેતની ધરપકડ કરી ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે આરોપી શંકર સિક્તની કરેલી પ્રાથમિક પૂછપરછમાં એમ ડી ડ્રગ્સનો જથ્થો શફીક ઉર્ફે સુડ્ડુ અન્સારી નામનો શખ્સે ડિલેવરી કરી હતી. બાદમાં ડ્રગ્સની નાની પડીકી બનાવી ગ્રાહકોને વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે શફીક અન્સારીને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. રિમાન્ડ દરમિયાન અનેક માહિતી બહાર આવવાની શક્યતા દેખાઈ રહી છે. પોલીસ ડ્રગ્સનું નેટવર્ક ચલાવનારા મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી કડક કાર્યવાહી કરે તે જરૂરી છે.