મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ પ્રોજેકટ : ભિલાડના ઝરોલીના પહાડમાં 350 મીટર ટનલનું કાર્ય પૂર્ણ કરાયું

Updated: Oct 6th, 2023


Google NewsGoogle News
મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ પ્રોજેકટ  : ભિલાડના ઝરોલીના પહાડમાં 350 મીટર ટનલનું કાર્ય પૂર્ણ કરાયું 1 - image


- 508 કિ.મી.ના અંતરમાં સાત ટનલ ઉભી કરાશે : ગુજરાતમાં માત્ર એક ટનલ બનાવાય

વાપી,તા.6 ઓક્ટોબર 2023,શુક્રવાર 

મુંબઇ-અમદવાદ હાઇસ્પીડ પ્રોજેકટ હેઠળ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ગુજરાતના વલસાડ જિલ્લાના ઝરોલીના પહાડમાં 350 મીટર ટનલનું કામ 10 મહિના સમયગાળામાં પૂર્ણ કરી દેવાયું છે. અધિકારી અને ટેક્નિશિયન દ્રારા નિરક્ષણ કરાયા બાદ ટનલના બન્ને છેડા ખુલ્લા કરાયા છે. આ પ્રોજેક્ટ  હેઠળ કુલ સાત પૈકી ગુજરાતમા એક માત્ર ટનલ બનાવવામાં આવી છે. 

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદ-મુંબઇ સુધી લગભગ 205 કિ.મી. લાંબી હાઇ સ્પીડ રેલ કોરિડોર પરિયોજનાની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી છે. ગુજરાતમાં વલસાડ જિલ્લાના ઝરોલી ગામે પહાડમાંથી ટનલ બનાવવાની કામગીરી શરૂ કરાયા બાદ આધુનિક ટેકનોલોજી અને એકસપ્લોઝિવની મદદથી 350 મીટર લાંબી સુરંગનું કામ 10 મહિનામાં પૂર્ણ કરાયું છે. ચીફ પ્રોજેકટ મેનેજર, અધિકારી અને ટેક્નિશિયન દ્રારા સ્થળ પર નિરીક્ષણ કરાયું હતું. જે દરમિયાન ટનલના બન્ને છેડા ખુલ્લા કરાયા હતા. આ પરિયોજના હેઠળ અમદાવાદ-મુંબઇ વચ્ચેના રૂટ પર કુલ સાત ટનલ ઉભી કરાશે. ગુજરાતમાં એક માત્ર ટનલ ઉભી કરી દેવામાં આવી છે. 

હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ હેઠળ વલસાડ જિલ્લો અનેક સીમાચિન્હો અંકિત કરવાનો છે. કેમ કે ટ્રેન પ્રોજેકટ હેઠળ વાપી ગુજરાતનું અમદાવાદ- મુંબઈ રૂટનું છેલ્લું તો મુંબઈ-અમદાવાદ રૂટનું પ્રથમ ટ્રેન સ્ટેશન હશે. એજ રીતે અમદાવાદ બાદ તે ગુજરાતનું સૌથી લાબું અંદાજિત 1200 મીટરનું સ્ટેશન હશે. તો, આ જિલ્લાની જ દમણગંગા, પાર, કોલક જેવી બારે માસ વહેતી નદીઓ પર બનાવેલ બ્રિજ પરથી ટ્રેન પસાર થશે. 

ઉલ્લેખનીય છે કે, હાઈ સ્પીડ બુલેટ ટ્રેનના કુલ 508 કિ.મી.ના અંતરમાંથી 460 કિ.મી વાયડક્ટ હશે, 9.22 કિ.મી. પુલો પર, 25.78 કિ.મી. ટનલ મારફતે જેમાં 7 કિ.મી લાંબી અંડરસી ટનલ અને 12.9 કિ.મી.નો રૂટ જમીનની નીચે કે પહાડમાંથી બનાવવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News