પારડીના રોહિણા ગામે પતિએ આપઘાત કર્યો તો પત્નીની ખાટલા પરથી લાશ મળી
- સાયકલ સ્ટોર બંધ રહેતા ફોન કરતા બંધ આવતા ગ્રાહક ઘરે ગયો ત્યારે બનાવ બહાર આવ્યો
- પત્નીના મોતનું કારણ પી.એમ. બાદ જ બહાર આવશે : શરીર પર કોઇ ઇજાના નિશાન નથી મળ્યા
વાપી,તા.28 માર્ચ 2024,ગુરૂવાર
પારડીના રોહિણા ગામે દીવમાં ફળિયામાં આજે બુધવારે પતિએ ભેદી સંજોગોમાં ફાસો ખાય આપઘાત કરી લીધો તો પત્નીની ખાટલા પર રહસ્ય રીતે લાશ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી. સાંજે ગ્રાહક સાયકલ સ્ટોર બંધ જોતા ઘરે ગયો ત્યારે ઘટના બહાર આવી હતી. જો કે પતિએ કેમ આપઘાત કર્યો અને પત્નીનું કેવી રીતે મોત થયું તે અંગે કોઈ માહિતિ બહાર આવી નથી.
પોલીસ પાસેથી મળતિ વિગત મુજબ પારડીના રોહિણા ગામેદીપમાળ ફળિયામાં રહેતા અને સાયકલ સ્ટોર ચલાવતા નરેશ મણીયાભાઇ પટેલ (ઉ.વ.46) એ આજે બુધવારે ભેદી સંજોગોમાં ઘરમાં જ ફાસો ખાય આપઘાત કરી લીધો હતો. જ્યારે પત્ની સુમિત્રાબેન (ઉ.વ.42) ની પણ ખાટલા પરથી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. વહેલી સવારે ફળિયામાં રહેતો તરૂણ સાયકલનું પંચર કરાવવા સુરેશ પટેલના ઘરે જતા દરવાજો બંધ રહેતા પરત જતો રહ્યો હતો. સાંજે એક ગ્રાહક દુકાને જતા બંધ જોતા મોબાઇલ પર ફોન કરવા છતા કોઇ જવાબ નહી મળતા ઘરે જતા જ ઘરમાં સુરેશ પટેલની ફાસો ખાધેલી હાલત અને પત્નીની પણ લાશ મળી આવી હતી.
ઘટનાને પગલે ગામના આગેવાન સહિત લોકો દોડી ગયા બાદ પોલીસને જાણ કરાતા અધિકારી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતકના પરિવાર પૂછપરછ કરી હતી. તપાસમા સુમિત્રાબેનના શરીર પરથી કોઇ ઇજાના નિશાન મળી આવ્યા ન હતા. સુમિત્રાબેને ઝેરી દવા પી આપઘાત કર્યો કે કેમ? તે તો પી.એમ. રીપોર્ટ બાદ જ કારણ બહાર આવી શકશે. આ પગલું કયા કારણસર ભરાયું તે અંગે રહસ્ય અકબંધ રહ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વઘુ તપાસ આદરી છે. અત્રે નોંધનીય છે કે સુરેશ પટેલની પુત્રી નડિયાદ ખાતે નર્સિગનો અભ્યાસ કરે છે. હોળી ધુળેટી રજામાં પુત્રી ઘરે આવ્યા બાદ ગઇકાલે મંગળવારે જ પરત નડિયાદ ગઇ હતી. પરિવારના બે સભ્યોના મોતને પગલે પરિવારમાં માતમ છવાય ગયો હતો. ગામલોકોમાં પણ શોકની કાલીમા ફેલાઇ ગઇ હતી.