Get The App

પારડીના ગોયમા ગામે સસરા અને સાળાએ જમાઈનું ગળુ દબાવી હત્યા કરી

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
પારડીના ગોયમા ગામે સસરા અને સાળાએ જમાઈનું ગળુ દબાવી હત્યા કરી 1 - image

( આરોપી સસરા વિનોદ પટેલ )

- જમાઈ પુત્રીને હેરાન પરેશાન કરતો હોય અને દોહિત્રીને ઘરે લઈ જવાનો છે એમ કહેતા કંટાળીને કાસળ કાઢી નાંખ્યાની કબૂલાત સુખાલા ખાતે રહેતી અન્ય પુત્રીને ત્યાં લગ્નના કાર્યક્રમમાં પરિવારના સભ્યોને મુકી ઘરે આવ્યા બાદ જમાઈએ આપઘાત કર્યાની કેફિયત રજુ કરી 

- પોલીસે હત્યાનો ગુનો નોંધી બે પૈકી સસરાની ધરપકડ કરી

વાપી,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર

પારડીના ગોયમા ગામે સસરા અને સાળાએ જમાઈનું ગળુ દબાવી ઢીમ ઢાળી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. આરોપી સસરાએ પુત્રની મદદથી પરિવારની ગેરહાજરીમાં નિંદ્રામાં પોઢી રહેલા જમાઈનું ઓઢણી વડે ગળુ દબાવી ઢીમ ઢાળી દીધા બાદ જમાઈએ આપઘાત કર્યો હોવાનું જણાવી તરકટ રચ્યું હતું. જો કે પીએમ રિપોર્ટમાં ગળુ દબાવવાથી મોત થયાનું તારણ બહાર આવતા ભાડો ફૂટ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી બે પૈકી સસરાની ધરપકડ કરી જેલભેગો કર્યો છે.

પારડીના ગોયમા ગામે કેળપાડા ફળિયામાં રહેતા વિનોદભાઈ ગુલાબભાઈ પટેલ ગત તા.28-1-24ના રોજ સુખાલા ગામે રહેતી દીકરીને ત્યાં લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં હોવાથી પત્ની, પુત્રી અને પૌત્રીને મોટર સાયકલ પર મુકી પરત ઘરે આવ્યા હતા. વિનોદ પટેલે જમાઈ રિતેશ મહેશભાઈ પટેલે (ઉ.વ.24) ઘરમાં ફાસો ખાઈ આપઘાત કર્યો હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. રિતેશને નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કર્યો હતો.

પોલીસે લાશનું પીએમ કરાવ્યા બાદ રિપોર્ટમાં રિતેશ પટેલનું ગળુ દબાવવાથી મોત થયું હોવાનું તારણ બહાર આવ્યું હતું. પોલીસે રિતેશની હત્યા કરી કેસને આપઘાતમાં ખપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું ફલિત થતાં મૃતકના સસરા વિનોદ પટેલ સહિત પરિવારજનોના નિવેદનો લીધા હતા. સઘન પૂછપરછમાં વિનોદ પટેલ સગીરવયના પુત્રની મદદથી જમાઈ રિતેશનું ગળુ દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ગત તા.26-1-24ના રોજ નશાધુત જમાઈ રિતેશ ઘરે આવ્યા બાદ મારી પોયરીને હું ઘરે લઈ જવાનો છું એમ જણાવી બોલાચાલી કરી ઝઘડો કરતા તેને સમજાવવા છતાં માન્યો ન હતો. જમાઈ દીકરીને અવર નવર માર મારી હેરાન પરેશાન કરતો હોવાથી કાયમ માટે કાસળ કાઢી નાખવા નક્કી કર્યું હતું. ગઈકાલે રવિવારે સવારે પત્ની સહિત પરિવારના સભ્યોને બાઈક પર સુખાલા અન્ય પુત્રીને ત્યાં મુકી ઘરે આવ્યા બાદ ઘોરનિંદ્રનાં પોઢી રહેલા જમાઈનું ઓઢણી વડે ગળુ દબાવી ઢીમ ઢાળી દીધા બાદ જમાઈએ આપઘાત કર્યો હોવાની પરિવાર સમક્ષ કેફિયત રજુ કરી હતી. પારડી પોલીસે આ કેસમાં સસરા અને સાળા વિરૂદ્ધ ગુના નોંધી સસરાની પરપકડ કરી જેલ ભેગો કર્યો છે.


Google NewsGoogle News