વાપીમાં રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ : તંત્રની સતર્કતાથી મોટી હોનારત ટળી
Vapi News : વાપી રેલવે સ્ટેશન નજીક ગઇકાલે મંગળવારે મધરાતે ટ્રેક પર સિમેન્ટનો પોલીસ મુકી ટ્રેન ઉથલાવાનો બાલીસ પ્રયાસ કરાયો હતો. તંત્રની સતર્કતાને કારણે મોટી હોનારત ટળી હતી. રેલવે પોલીસે આ ગંભીર મામલે તપાસ આદરી છે. આજે બુધવારે રેલવેના ડીઆરએમ કાફલા સાથે વાપી આવ્યા બાદ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવી ગંભીર કૃત્ય કરનારાને પકડવામાં આવશે અને પોલીસને સઘન પેટ્રોલિંગ કરવા જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના જુના જકાતનાકા નજીક રેલવે ટ્રેક પર ગઇકાલે મંગળવારે રાત્રે અસામાજીક તત્વોએ ટ્રેક પર સિમેન્ટનો પોલ મુકી દીધો હતો. જોકે રેલવે કર્મચારીને ધ્યાનમાં આવતા તુરંત જ અધિકારીને જાણ કરાઇ હતી. રેલવેની સતર્કતાને કારણે ટ્રેનને થોભાવી દીધી હતી. એટલું જ નહી પણ સમયસર ઘટના બહાર આવતા મોટી હોનારત ટળી હતી. રેલવે અધિકારી, પોલીસ અધિકારી, આરપીએફના અધિકારી અને ટીમ પણ દોડી ગઈ હતી. આ પ્રકારનું ગંભીર કૃત્ય કરી મુસાફરોના જીવ સામે જોખમ ઉભુ કરનારા અસામાજીક તત્વોને પકડવા કવાયત આદરી છે.
આજે બુધવારે પશ્ચિમ રેલવે ડીઆરએમ વાપી રેલવે સ્ટેશને આવ્યા બાદ ઘટના સ્થળે પહોંચી ઘટનાનો તાગ મેળવ્યો હતો. ઘટના સ્થળે હાજર અધિકારી, જીઆરપી અને આરપીએફના અધિકારી સાથે વાતચીત કરી હતી. ડીઆરએમએ જણાવ્યું હતું કે ઘટના સ્થળ નજીક જીડીયુસી દ્વારા કામગીરી હાથ ધરાઇ છે, અને મટીરીયલ્સ પણ હોવાથી અસામાજીક તત્વો સિમેન્ટનો પોલ ઉઠાવી ટ્રેક પર મુકી ગંભીર કૃત્ય કર્યુ હતું. આવું કૃત્ય કરનારાને પકડી પાડી કડક કાર્યવાહી કરાશે એમ ઉમેરી જીઆરપી અને આરપીએફના આધિકારીને પેટ્રોલિંગ સઘન કરવા સુચના આપી હતી. પોલીસ પણ આ પ્રકારનું કૃત્ય કરી મુસાફરોના જીવ સામે જોખમ ઉભું કરનારા તત્વોને ઝડપથી પકડી પાડી કડક પગલા ભરે તે ખૂબ જ જરૂરી બન્યું છે.