વાપીમાં બાળકીની હત્યા-બળાત્કારના ગુનાનો નરાધમ આરોપી પકડાયો

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
વાપીમાં બાળકીની હત્યા-બળાત્કારના ગુનાનો નરાધમ આરોપી પકડાયો 1 - image


- સમગ્ર જિલ્લામાં ચકચારી બનેલી ઘટનામાં પોલીસે લોકોના સહયોગથી ભેદ ઉકેલી દીધો

- પાંચ દિવસ સુધી બાળકીને ચોકલેટ અને કુરકુરા આપી ફોસલાવી અપહરણ કર્યા બાદ અદ્યતન કૃત્ય આચર્યુ હતું

- પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા 

વાપી,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

વાપીમાં ભારે ચકચારી બનેલા ડુંગરાની માસૂમ બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કેસમાં પોલીસે લોકોના સહયોગથી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નરાધમ આરોપીને પકડી પાડયો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પાંચ દિવસ સુધી આરોપીએ બાળકીને ચોકલેટ અને કુરકુરા આપી લલચાવ્યા બાદ અદ્યતન કૃત્ય કર્યુ હતું.

વાપીમાં બાળકીની હત્યા-બળાત્કારના ગુનાનો નરાધમ આરોપી પકડાયો 2 - image

વાપીના ડુંગરી ફળિયામાં રહેતા મુસ્લિમ પરિવારની છ વર્ષિય બાળકીની ગત મંગળવારે મધરાતે કરવડ ગામે દમણગંગા નદી કિનારા નજીકથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ધટનાની વાયુવેગે જાણ થતા લોકોમાં ખળભળાટ મચી ગયો હતો. ગંભીર ઘટનામાં ગંભીર બનેલી પોલીસ હરકતમાં આવી અલગ અલગ જગ્યાએ કેમેરાની ચકાસણી કરતા એક શખ્સ બાળકીને લઇ જતા કેદ થયો હતો. પોલીસે જુદી જુદી ટીમો બનાવી સ્થાનિક રહીશોની મદદથી આર,પી સુધી પહોંચવા આકાશ પાતાળ એક કરી ફુટેજના આધારે આરોપીની ઓળખ થયા બાદ મળેલી માહિતીના આધારે ગણતરીના કલાકોમાં 50 વર્ષિય મુસ્લિમ આરોપીને કરવડ ગામની સીમમાંથી દબોચી જેલ ભોગો કર્યો છે. પોલીસે વધુ માહિતિ અને પુરાવા એકત્રિત કરવાના આધાર પર આજે ગુરૂવારે આરોપીને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરાયા બાદ ડીજીપી અનિલ ત્રિપાઠીએ ગંભીર જધન્ય ગુનામાં ધારદાર દલીલો કરતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીની પૂછપરછમાં તેણે ગુનાની કબુલાત કરી હતી. આરોપી બાળકીને લલચાવી એકાંત સ્થળે લઇ ગયા બાદ હવસ સંતોષી ગળુ દબાવી ઢીમ ઢાળી દીધું હતું. યુપી ખાતે રહેતો આરોપી મહારાષ્ટ્રના સતારા બાદ સાત વર્ષથી વાપીમાં મજૂરી કામ કરતો હતો. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

20 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ રજૂ કરાશે

મુસ્લિમ પરિવારની માસૂમ બાળકીના અપહરણ, બળાત્કાર અને હત્યાના ગુનામાં પોલીસે ગંભીરતાથી નરાધમને દબોચી લીધો હતો. પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે આ ખૂબ ગંભીર અપરાધમાં પોલીસ દ્રારા લોકોના નિવેદનો, મેડિકલ રિપોર્ટ અને પુરાવા સાથે 20 દિવસમાં આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાશે અને આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવા દરખાસ્ત પણ કરાશે એમ જણાવી આ ગંભીર ગુનામાં નવા કાયદા મુજબ 376 એબી મુજબ ફાંસીની પણ જોગવાઇ હોવાનું ઉમેર્યુ હતું. 

પાંચ ચેકપોસ્ટ ઉભી કરાતા આરોપી ફસાય ગયો

ડુંગરા પોલીસમાં નોંધાયેલા ગંભીર ગુનામાં પોલીસે આરોપી સુધી પહોંચવા સધન તપાસનો દોર શરૂ કર્યો હતો. આરોપી ભાગી નહી જાય તે માટે ડુંગરા વિસ્તારમા પાંચ ચેકપોસ્ટ ઉભી કરી પોલીસે કડક ચેકિંગ હાથ ધર્યુ હતું. બાળકીને શોધવા અને આરોપીને પકડવા સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી મળી 150થી વધુ પોલીસ જવાન અને 500થી વઘુ લોકો દ્રારા મહેનત કરાયા બાદ સફળતા મળી હતી. સ્થાનિક રહીશો પણ અદ્યમ કૃત્ય કરનારા નરાધમને પકડવા પોલીસનો ભારે સહયોગ કર્યો હતો.


Google NewsGoogle News