વાપીના હત્યાના ગુનામાં સાધુ વેશ ધારણ કરી નાસ્તો ભાગતો આરોપી ઉત્તર પ્રદેશમાંથી 10 વર્ષ બાદ પકડાયો
Murder Case Valsad : વલસાડ જિલ્લા ઓપરેશન ગ્રૂપે વાપીના હત્યાના ગુનામાં સાધુ વેશ ધારણ કરી નાસતા ભાગતા આરોપીને 10 વર્ષ બાદ ઉત્તર પ્રદેશથી પકડી પાડયો હતો. આરોપીએ સહ કર્મચારી પર કુહાડી વડે હુમલો કરી હત્યા કરી હતી.
વાપી જીઆઇડીસીના સી-ટાઇપ વિસ્તારમાં આવેલી યૂમિડીકા કંપનીની પાછળ રૂમમાં રહેતા પ્રેમસિંગ ઉર્ફે સાધુ ઉર્ફે સેન્દાબાબા બાબુરામ નિશાદે વર્ષ 2014માં સહ કર્મચારી પ્રતાપસિંગ થાનસિંગ રાજપૂત સાથે જમવા બાબતે ઝઘડો કરી ઉશ્કેરાઈ જઇ કુહાડી વડે હુમલો કરી ઢીમ ઢાળી દીધા બાદ ફરાર થઇ ગયો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી.
વલસાડ જિલ્લા ઓપરેશન ગ્રુપના એએસઆઈ વિક્રમ રાઠોડને વોન્ટેડ આરોપી ઉત્તરપ્રદેશમાં જુદા જુદા મંદિર અને સ્મશાન ઘાટ પર સાધુ વેશમાં રહેતો હોવાની માહિતિ મળી હતી. પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને કડીના આધારે યુ.પી.પહોંચી સ્થાનિક પોલીસની મદદથી આગ્રાના બલાઇ ધાટથી 10 વર્ષથી નાસતા ભાગતા આરોપીને પકડી પાડી વાપી લવાયા બાદ જીઆઇડીસી પોલીસને હવાલે કર્યો હતો. નોંધનીય છે કે સહ કર્મચારીની હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી પ્રેમસિંગને પકડી આપવા કે જાણકારી આપનાર માટે ઇનામની પણ જાહેરાત કરાઇ હતી.