સેલવાસના આમલીની પ્લાસ્ટિકના રમકડા બનાવતી કંપનીમાં ભિષણ આગ લાગતા દોડધામ
Fire in Factory : સેલવાસના આમલી ખાતે આવેલી કંપનીમાં ગઇકાલે ગુરૂવારે રાત્રે અચાનક આગ સળગી ઉઠી હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ વધુ વિકરાળ બનતા દોડધામ મચી ગઇ હતી. કોઇ જાનહાની થઇ ન હતી. લાશ્કરોએ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસના આમલી ખાતે પ્લાસ્ટિકના રમકડા બનાવતી સંસુઇ નામક કંપની આવેલી છે. ગઇકાલે ગુરૂવારે રાત્રે આ કંપનીમાં અચાનક આગ લાગી હતી. પ્લાસ્ટિકના રો-મટરીયલને કારણે આગ વધુ વિકરાળ બનતા આખી કંપની લપેટમાં આવી જતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગને પગલે લોકો દોડી ગયા બાદ ફાયર વિભાગના બંબા દોડી ગયા હતા. લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા હાથ ધરેલી કવાયતમાં લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. જો કે રો-મટરીયલ અને તૈયાર માલસામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ ધટનામાં કોઇ જાનહાની થઇ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કારણ બહાર આવ્યું નથી પણ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન લગાવાયું છે. સેલવાસ પોલીસે એફએસએલની મદદથી તપાસ આદરી છે.