વાપીના છીરી ગામે ગાલા મસાલા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ
- ભિષણ આગ લાગતા રહીશોના જીવ ટાવર ચોટી ગયા : લાશ્કરોએ લગભગ 3 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી
વાપી,તા.8 જાન્યુઆરી 2024,સોમવાર
વાપીના છીરી ગામે ગાલા મસાલા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ગઇકાલે રવિવારે મધરાતે ભિષણ આગ લાગતા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. લાશ્કરોએ લગભગ ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતિ અનુસાર વાપીના છીરી ગામે ગલ્લા મસાલા વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં ગઇકાલે રવિવારે મધરાતે આગ સળગી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખો ગોડાઉન લપેટમાં આવી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. એટલું જ નહી પણ નજીકમાં આવેલા રહેણાંક વિસ્તારના રહીશોના જીવ ટાળવે ચોટી ગયા હતા. આગની જ્વાળા આકાશમાં દૂર દૂર સુધી ફેલાય જતા લોકોમાં ગભરાટ મચી ગયો હતો.
ઘટનાની જાણ થતા ડુંગરા પોલીસ અને ફાયર બ્રિગેડના બંબા પહોંચી ગયા હતા. બાદમાં લાશ્કરોએ હાથ ધરેલી કવાયતમાં લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે વાપી તથા આસપાસના વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનોમાં આગના બનાવો સમાંયતરે બની રહ્યા છે. આવા બનાવોને લઇ પર્યાવરણ અને લોકોના જીવ સામે પણ ખતરાની દહેશત વર્તાતી રહે છે. ગેરકાયદેસર ચાલતી ભંગારીયા પ્રવૃતિ અંગે વહીવટી તંત્ર દ્વારા આખઆડા કાન કરવામાં આવી રહ્યા છે. અધિકારી કોઇ ગંભીરતા નહી લેતા ભંગારીયાઓને મોકળુ મેદાન મચી રહ્યું છે. આગની ઘટના બાદ પોલીસ ભંગારીયા સામે ગુનો નોંધી ધરપકડ કરી કાગળ પર કાર્યવાહી કરાઇ છે પણ સંબંધિત તંત્ર દ્વારા કોઇ પગલા ભરવામાં આવતા નથી.