ઉમરગામમાં પ્લાસ્ટિકના ફુલ બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ : દોઢ કલાક બાદ આગ કાબુમાં આવી
Fire in Umargam GIDC : ઉમરગામ જીઆઇડીસીમાં આવેલી કંપનીમાં આજે શુક્રવારે અચાનક પેકેજિંગ વિભાગમાં આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. જો કે તમામ કર્મચારી બહાર નિકળી જતા બચાવ થયો હતો. લાશ્કરોએ એકથી દોઢ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરગામ જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના ફુલ બનાવતી ઇન્ટેરીઓર્સ એન્ડ મોર નામક કંપની આવેલી છે. આજે શુક્રવારે સવારે પેકેજિંગ વિભાગમાં અચાનક આગ સળગી ઉઠી હતી. પ્લાસ્ટિકના જથ્થાને કારણે આગ વધુ તિવ્ર બનતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આગ લાગતા જ તમામ કર્મચારીઓ બહાર નિકળી જતા બચાવ થયો હતો.
ઘટનાને પગલે ઉમરગામ પાલિકા અને નોટિફાઇડના ત્રણ બંબા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા હાથ ધરેલી કવાયતમાં લગભગ દોઢ કલાક બાદ આગ કાબુમાં આવી હતી. પોલીસ અધિકારી સહિતનો કાફલો પણ કંપની પર પહોંચી ગયો હતો. કંપની પરિસરમાં વેસ્ટ જોખમી કચરાનો ઢગલો પણ ખડકાયેલો હતો. આગ કયા કારણોસર આગ લાગી તે અંગે હાલ કોઇ કારણ બહાર આવ્યું નથી. એફએસએલ રિપોર્ટ બાદ કારણ બહાર આવી શકશે.