વલસાડ લોકલ ક્રાઈમ બ્રાંચનો કોન્સ્ટેબલ રૂ.૩ લાખની લાંચ લીધા બાદ ફરાર
ફરિયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ પણ દારૂના ગુનામાં નામ ખોલી કેસ કરવાની ઘમકી આપી હતી
એસીબીના ફરિયાદ કરાયા બાદ પારડીના ઉદવાડા હાઈવે પર ગોઠવેલા છટકામાં કોન્સ્ટેબલે ગાડીમાં રકમ મુકાવી રેઇડ હોવાનું જણાતા ભાગી ગયો
વાપી,શનિવાર
પારડીના ઉદવાડા હાઈવે પર લાંચ રૂશ્વત વિરોધી શાખાએ આજે સોમવારે પારડીના ઉદવાડા હાઈવે પર ગોઠવેલા છટકામાં વલસાડ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલને રૂ.૩ લાખની લાંચની રકમ ગાડીમાં મુકાવી એસીબી ટ્રેપ હોવાનું જણાતા ગાડી મુકી ભાગી ગયો હતો. ફરિયાદીએ દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ આરોપીએ દારૂના ગુનામાં નામ ખોલી કેસ કરવાની ધમકી આપી રૂ.૫ લાખની માંગણી કર્યા બાદ રૂ.૩ લાખ નક્કી કરાયા હતા.
વલસાડ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ કોન્સ્ટેબલ આશિષ માયાભાઈ કુવાડીયાએ અગાઉ દારૂનાં પંથો કરનાર શખ્સે દારૂની હેરાફેરી બંધ કરી દીધી હોવા છતાં તેને જીલ્લામાં દારૂના કેસોમાં નામ ખોલી ખોટો કેસ કરવાની ધમકી આપી રૂ.૫ લાખની માંગણી કરી હતી. દારૂનો ધંધો બંધ કર્યો હોવા છતાં નાણાંની માગણી કરતા ગભરાઈને રૂ.૩ લાખ આપવાના નક્કી કરાયા હતા.
કોન્સ્ટેબલ આશિષ કુવાડીયાએ ખોટી રીતે નાણાંની માંગણી કરી હોવાથી શખ્સે ભરૂચ લાંચરૂયાત વિરોધી શાખામાં ફરિયાદ કરી હતી. જે સંદર્ભે ભરૂચ એસીબીના પીઆઈ એસ.વી.વસાવા અને ટીમે આજરોજ સોમવારે પારડીના ઉદવાડા હાઈવે સર્વિસ રોડ પર ગેરેજ નજીક છટકુ ગોઠવ્યું હતું. જે દરમિયાન આશિષ કુવાડીયા ફરિયાદી પાસે આવ્યા બાદ રૂ.૩ લાખ પોતાની ગાડીમાં મુકાવ્યા હતા. જો કે એસીબીની રેડ હોવાનું જણાતા આશિષ ગાડી મુકી ભાગી ગયો હતો. એસીબીએ આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી આદરી હતી.