છેલ્લા 16 કલાકમાં ઉમરગામમાં 12 ઇંચ, વાપીમાં 8 ઈંચ, પારડીમાં 7 ઈંચ વરસાદ

Updated: Jul 20th, 2023


Google NewsGoogle News
છેલ્લા 16 કલાકમાં ઉમરગામમાં 12 ઇંચ, વાપીમાં 8 ઈંચ, પારડીમાં 7 ઈંચ વરસાદ 1 - image

- બે દિવસથી મેઘરાજાની શાહી સવારીને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા

- વિતેલા 24 કલાકમાં દમણમાં 8 ઈંચ અને દા.નગર હવેલીમાં 3 ઈંચ વરસાદ પડ્યો 

વાપી,તા.20 જુલાઈ 2023,ગુરૂવાર

વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી મેઘરાજાની આક્રમક રમતને કારણે જળબંબાકારની સ્થિતિ ઉભી થતા લોકોના જનજીવન પર ભારે અસર થઇ છે. ગઇકાલે બુધવારે સાંજે 4 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધીમાં જિલ્લામાં 5.8 ઇંચ વરસાદ પડ્યો હતો. 16 કલાકમાં જિલ્લાના કલાકમાં ઉમરગામમાં 12 ઇંચ, વાપીમાં 8 ઈંચ અને પારડીમાં 7 ઈંચ વરસાદ ઝિંકાતા ઠેરઠેર પાણી પાણી થઇ જતા પરિસ્થિતિ વિકટ બની હતી. વાપી શહેરમાં પડેલા એકધારા વરસાદને કારણે અનેક માર્ગો બેટમાં રૂપાંતરિત થયા હતા. ખાસ કરીને ગુંજન વિસ્તારમાં તળાવ બની જતા માર્ગ પર આવેલી દુકાનોમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હતાવ માલસામાનને ભારે નુકશાન થયું હતુ રોડ પર કમર સુધીના પાણી ભરાતા રાહદારી અને વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાપી ટાઉનમાં મુખ્ય બજારમાં પણ અનેક દુકાનોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત અનેક નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા. સવારે ભારે જહેમત બાદ નવા રેલવે અન્ડર પાસે ચાલું કરાયા બાદ મોડીસાંજથી ભારે વરસાદ પડતા ફરી અન્ડરપાસ બંધ થઇ ગયું હતું.

બીજીતરફ ઉમરગામમાં પડેલા દેમાર વરસાદના કારણે શહેરી વિસ્તારના અનેક માર્ગો પર પાણી ભરાયા હતા તો કેટલાક વિસ્તારો તળાવમાં પરિણમ્યા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદને કારણે લોકો ખુબ જ પ્રભાવિત બન્યા હતા. ભારે વરસાદને કારણે તાલુકામાં નદી-નાળા છલકાયા હતા. અનેક મુખ્ય સહિતના માર્ગોનીહાલત દયનીય બની જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. વિતેલા 16 કલાકમાં જિલ્લાના વલસાડમાં 5 ઈંચ, ધરમપુરમાં 1.5 ઈંચ અને કપરાડામાં 1 ઈંચ વરસાદ ઝીંકાયો  હતો. વલસાડ જિલ્લાના પાડોશી પ્રદેશમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ગઇકાલે બુધવારે સવારે 8 વાગ્યાથી આજે સવારે 8 વાગ્યા સુધી વિતેલા 24 કલાકમાં દમણમાં 8 ઈંચ અને દા.ન.હવેલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદની આગાહીને લઇ વલસાડ જિલ્લા અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ રહી છે.


Google NewsGoogle News