અમદાવાદ-મુંબઇ હાઇવે પર 10 KM સુધી ચક્કાજામ, પીએમના કાર્યક્રમને લઇ હાઇવે પર હતો પ્રતિબંધ
Ahmedabad Mumbai Highway : મહારાષ્ટ્રના પાલઘરમાં દેશના વડાપ્રધાનના કાર્યક્રમને લઇ ગઇકાલથી અમદાવાદ-મુંબઇ હાઇવે પર આજે રાત્રે 8 વાગ્યા સુધી ભારે વાહનોના આવાગમન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આજે વાપી-ભિલાડ હાઇવે પર લગભગ 10 કિ.મી. સુધી વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. જિલ્લા પોલીસે ટ્રાફિકના નિયમન માટે હાઇવે પર આવેલી હોટલના પાર્કિંગ અને ખુલ્લી જગ્યામાં વાહનો પાર્ક કરાવ્યા હતા. નાના વાહનની અવરજવર ચાલુ રહી હતી.
મહારાષ્ટ્રના પાલઘર ખાતે આજે શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઇ પ્રસાશન દ્વારા ગઇકાલે ગુરૂવારથી આજે શુક્રવારે રાત્રે આઠ વાગ્યા સુધી અમદાવાદ-મુબઇ હાઈવે પર ભારે વાહનોના આવાગમન પર પ્રતિબંધ મુકતા જાહેરનામું બહાર પાડયું હતું. આજે શુક્રવારે વાપી-ભિલાડ હાઇવે પર ભારે વાહનોની લાંબી લાંબી કતાર લાગી ગઇ હતી.
હાઇવે પર લગભગ 10 કિ.મી. સુધી ટ્રાફિક જામ થતા વાહન ચાલકો અટવાયા હતા. પોલીસ વિભાગે હાઇવે પર ટ્રાફિક નિયમન કરવા કવાયત આદરી હતી. પોલીસે હાઇવે પરથી ભારે વાહનોને હોટલના પાર્કિંગ તથા અન્ય ખુલ્લી જગ્યામાં પાર્ક કરાવ્યા હતા. જો કે નાના વાહનોની અવરજવર ચાલું રહી હતી. પોલીસ કર્મચારીઓએ ટ્રાફિકજામમાં ફસાયેલા ચાલક અને કલીનરોને ફુડ પેકેટ અને પાણીનું વિતરણ પણ કર્યુ હતું.
આ પણ વાંચો : ‘હું શિવાજીના ચરણોમાં નમન કરી માફી માંગુ છું’ શિવાજીની મૂર્તિ પડી જવા મુદ્દે બોલ્યા વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલા સિંધુદુર્ગમાં જે કંઈ પણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તે માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીના ચરણોમાં નમન કરું છું અને માફી માંગુ છું.
વડાપ્રધાન મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસકારોનું ખાતમુહૂર્ત-શિલાન્યાસ કર્યો
આ પહેલા વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂપિયા 1560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવાયા છે. વાઢવણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.